હાથરસ ગેંગરેપ કેસઃ વડા પ્રધાન મોદીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરી
-ઉત્તર પ્રદેશ સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ રચી
-સાત દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ
લખનઉ તા.30 સપ્ટેંબર 2020 બુધવાર
ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં એક દલિત બાળા પર ગેંગરેપ કર્યા બાદ એની કરોડરજ્જુ તોડી નાખવાના અને એની જીભ કાપી નાખવાના બનાવ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. તેમણે યોગીને ઉત્તર પ્રદેશમાં વધી રહેલા અપરાધો અંગે સજાગ રહેવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. તેમણે ગેંગરેપનો ભોગ બનેલી યુવતી અંગે પણ બે શબ્દો યોગીને કહ્યા હતા.
યોગી આદિત્યનાથે આ કેસની તપાસ કરવા માટે રાજ્ય.પોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટીમને સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની તાકીદ યોગીએ કરી હતી. ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ પોલીસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રપ્રકાશ અને પ્રોવિન્શ્યલ આર્મ્ડ ફોર્સની આગ્રા પૂનમને સહભાગી કરાયાં હતાં.
દરમિયાન, સમગ્ર ગામવાસીઓના વિરોધ વચ્ચે મંગળવારે મધરાતે રાજ્ય પોલીસે ગેંગરેપનો ભોગ બનેલી દલિત બાળાના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. જો કે આ મામલે પાટનગર નવી દિલ્હી અને અન્યત્ર સારો એવો વિરોધ વંટોળ સર્જાયો હતો. જબરદસ્ત વિરોધ વંટોળ વચ્ચે રાજ્ય પોલીસે દલિત યુવતીના પરિવારની ચિંતા કર્યા વિના રાત્રે પોણા ત્રણ વાગ્યે એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, લોકોના રોષને ધ્યાનમાં લઇને પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.
આ કેસમાં અત્યાર સુધીમાં ચારે ચાર ઠાકુર યુવાનની ધરપકડ કરી લેવાઇ હતી. દરમિયાન, મંગળવારે સવારે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં આ યુવતી મરણ પામી હતી. તરત દિલ્હીમાં વિરોધી દેખાવો શરૂ થઇ ગયા હતા અને મરનાર યુવતીને હાથરસની નિર્ભયા તરીકે વર્ણવવામાં આવી હતી.
આ આખીય ઘટનાની નોંધ વડા પ્રધાનના કાર્યાલયે લીધી હતી અને આજે સવારે વડા પ્રધાને પોતે યોગી આદિત્યનાથ સાથે આ કેસ અંગે ફોન પર ચર્ચા કરી હતી.
Comments
Post a Comment