અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાવાની આશા ધૂંધળી બની

- અફઘાનિસ્તાનના લોકોને વર્ષોના દમન અને યુદ્ધોના ઇતિહાસને જોતાં તેમને કોઇ પણ પક્ષ ઉપર ભરોસો નથી કારણ કે લોકોના મનમાં ડર છે કે અમેરિકા સંધિ કરીને પાછું હટી જશે કે તરત જ શાંતિની સંધિને તોડી નાખવામાં આવશે અને ફરી વખત ગૃહયુદ્ધ ચાલુ થઇ જશે


અફઘાનિસ્તાનમાં દાયકાઓની અશાંતિ બાદ શાંતિ સ્થપાવાની આશા ઠગારી નીવડી છે. અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચેની શાંતિ મંત્રણા પાટા પરથી ઉતરી ગઇ છે. અફઘાનિસ્તાનની સરકારે દાવો કર્યો છે કે તાલિબાને છેલ્લા ૨૪ કલાકમાં દેશના ૨૪ સ્થળોએ હુમલા કર્યાં છે. તો બીજી બાજુ અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ પણ જુદા જુદા ઠેકાણે હુમલા કરીને ૩૫ જેટલા તાલિબાન આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

હજુ તાજેતરમાં જ કતારની રાજધાની દોહા ખાતે અમેરિકાની હાજરીમાં અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે મંત્રણા યોજાઇ હતી. અમેરિકા આ શાંતિ મંત્રણામાં ખાસ રસ લઇ રહ્યું છે કારણ કે અમેરિકા અને નાટોના આશરે ૧૯ હજાર સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા ફરી શકશે કે કેમ એનો તમામ દારોમદાર અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે સુલેહ થાય છે કે નહીં એના પર છે.

અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચેની મંત્રણા સફળ નીવડે એ માટે અમેરિકા ખાસ ચિંતિત છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પહેલા અફઘાનિસ્તાનમાં ફસાયેલા ૨૦ હજાર સૈનિકોને વતન પરત બોલાવવા માંગે છે. 

હકીકતમાં અમેરિકા ઘણાં સમયથી અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતિ કરવા માટે પ્રયાસરત હતું કે જેથી અમેરિકી સૈનિકોને વહેલી તકે વતન પાછા લાવી શકાય. વર્ષો સુધી અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે વાર્તાલાપ ઉપર જોર આપ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઝાલમાય ખલિલઝાદની અફઘાન દૂત તરીકે નિમણૂક કરી હતી.

નિમણૂકના તુરંત બાદ તેમણે તાલિબાન સાથે વાતચીત શરૂ કરી દીધી. તાલિબાન અફઘાનિસ્તાનની સરકારને અમેરિકાના હાથની કઠપૂતળી ગણાવતા હતાં અને એટલા માટે જ તેઓ અફઘાન સરકાર સાથે કોઇ મંત્રણા કરતા નહોતાં.

અફઘાનિસ્તાનના યુદ્ધથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંટાળી ગયા હતાં અને ઉનાળા સુધીમાં ત્યાંના અડધોઅડધ અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા ઇચ્છતાં હતાં એ સંજોગોમાં ખલિલઝાદનું શાંતિ મિશન તાકીદનું થઇ પડયું હતું. પરંતુ એક બાજુ અમેરિકા સાથે શાંતિવાર્તા કરી રહેલું તાલિબાને બીજી બાજુ અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટો પણ ચાલુ રાખ્યાં જેના કારણે મંત્રણાનો ઉકેલ આવવામાં વિલંબ થતો રહ્યો.

અમેરિકાનું મિશન હતું કે અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાનો અંત આવે અને વાતચીત દ્વારા યુદ્ધવિરામનો માર્ગ તૈયાર થઇ શકે. હકીકતમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવા ધારે છે. એ સાથે જ અફઘાનિસ્તાનને બેઠું કરવાના પ્રયાસો કરી રહેલા અમેરિકા સામે પણ તાલિબાન આક્રમક પ્રચાર કરતું રહ્યું છે. 

શીતયુદ્ધના કાળથી અફઘાનિસ્તાન અમેરિકા અને રશિયાની સ્વાર્થી રાજરમતોનો અતિશય ખરાબ રીતે ભોગ બનેલું રાષ્ટ્ર છે. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો એ સાથે જ અફઘાનિસ્તાનની માઠી દશાની શરૂઆત થઇ હતી.

એ સમયે સોવિયેત સંઘને ખાળવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનની ધરતી ઉપર આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી કે તરત જ તાલિબાને કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. 

વર્ષોથી માઠી દશામાં રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશા હતી કે રશિયન સેના દૂર થયા બાદ તેમના દેશમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન તેમને સુદૃઢ શાસન સ્થાપશે. પરંતુ તાલિબાને તો કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવાના નામે પ્રજા ઉપર કેર વર્તાવવાનો શરૂ કર્યો. તાલિબાને અફઘાનિસ્તાન ઉપર ૧૯૯૬થી ૨૦૦૧ સુધી શરિયા કાનૂનના આધારે શાસન કર્યું હતું.

આ સમય દરમિયાન જ અમેરિકા ઉપર ૯/૧૧ હુમલો થયો હતો અને હુમલાનો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેન પણ અફઘાનિસ્તાનમાં જ રહેતો હતો. ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવાના નિર્ધાર સાથે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી આવી. એ વાતને આજે વર્ષો થયા છતાં હજુ આજે પણ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી શક્યું નથી. 

સમજૂતિ અંતર્ગત તાલિબાને અલ કાયદા સાથે સંબંધો ખતમ કરવાના છે. એ સાથે યુદ્ધવિરામ જાહેર કરીને અફઘાનિસ્તાનની સરકાર સાથે પણ મંત્રણા કરવાની શરત છે. જોકે અમેરિકાની મજબૂરી જાણી ગયેલું તાલિબાન એક તરફ સમાધાનની વાતો કરે છે અને બીજી તરફ અફઘાનિસ્તાન પર કબજો જમાવવા નિર્ણાયક જોર પણ લગાવી રહ્યું છે.

અમેરિકા અલ કાયદા અને તાલિબાનના ટોચના નેતાઓનો સફાયો કરવામાં તો સફળ નીવડયું છે પરંતુ તાલિબાનનું વ્યાપક નેટવર્ક ખતમ નથી કરી શક્યું. 

અફઘાનિસ્તાનના લોકો તેમની સલામતિ વધે અને શાસન વ્યવસ્થા સુધરે એવી કોઇ પણ સમજૂતિને સ્વીકારશે પરંતુ વર્ષોના દમન અને યુદ્ધોના ઇતિહાસને જોતાં તેમને કોઇ પણ પક્ષ ઉપર ભરોસો નથી. લોકોના મનમાં ડર છે કે અમેરિકા સંધિ કરીને પાછું હટી જશે કે તરત જ શાંતિની સંધિને તોડી નાખવામાં આવશે અને ફરી વખત ગૃહયુદ્ધ ચાલુ થઇ જશે.

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનો પેસારો પણ વધ્યો છે અને અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે પણ પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખ્યું છે. ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતિ બાદ ઇસ્લામિક સ્ટેટ તાલિબાનના અસંતુષ્ટોને પોતાના જૂથમાં સામેલ કરવા હિલચાલ કરે. 

દુનિયાને અપેક્ષા છે કે અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષનો અંત આવે. આ હિંસાએ અફઘાનિસ્તાનને ખંડેર બનાવી દીધું છે. અમેરિકા તો સમજૂતિ કરીને બહાર નીકળી જશે પરંતુ અફઘાનિસ્તાનની સરકાર માટે તાલિબાન સાથે કામ લેવું કઠિન બની રહેશે. તાલિબાન સરકારમાં ભાગીદારી કરશે તો એનું માળખું કેવું રચાશે? હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ સમજૂતિ અફઘાનિસ્તાનના રાજકારણ પર કેવો પ્રભાવ પાડશે. હાલ તો આ સમજૂતિ દ્વારા અમેરિકાને પોતાના સૈનિકો પાછા બોલાવવાનો મોકો મળી જશે. 

આમ પણ અમેરિકામાંથી પોતાના સૈનિકો પાછા બોલાવવા ટ્રમ્પની મજબૂરી પણ છે. ગત ચૂંટણીમાં તેમણે જોરશોરથી અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનો મુદ્દો ઉછાળ્યો હતો અને હવે આ વર્ષે અમેરિકામાં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે ત્યારે ટ્રમ્પ માટે મુસીબત ઊભી થાય એમ હતી કે શા માટે તેઓ અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનો વાયદો પૂરો ન કરી શક્યા? એટલા માટે ચૂંટણી પહેલા ટ્રમ્પ પર અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેવાનું ભારે દબાણ છે. જોકે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ન સુધરી તો અમેરિકા માટે બહાર નીકળવું મુશ્કેલ બનશે. 

અફઘાનિસ્તાનની સરકાર સાથે ભારતના સંબંધો ઘણાં સારા છે. ભારત પહેલેથી અફઘાનિસ્તાનમાં અબજો ડોલરના મેગા પ્રોજેક્ટ પૂરા કરી ચૂક્યું છે અને કેટલાંક પ્રોજેક્ટ્સ હાલ ચાલુ છે. ભારતે અફઘાનિસ્તાનને અત્યાર સુધી લગભગ ત્રણ અબજ ડોલરની સહાય કરી ચૂક્યું છે જેના દ્વારા ત્યાં સંસદભવન, સડકો અને બંધનું નિર્માણ થયું છે.

ઉપરાંત અફઘાનિસ્તાનમાં અનેક માનવતાવાદી અને વિકાસશીલ પરિયોજનાઓ પર ભારત કામ કરી રહ્યું છે. એ કારણે અફઘાનિસ્તાનમાં ભારતની લોકપ્રિયતા ઘણી વધી છે. અફઘાનિસ્તાનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, સિંચાઇ, પીવાના પાણી, ઊર્જા જેવી પાયાની જરૂરિયાતોના અનેક પ્રોજેક્ટ્સ પર ભારત કામ કરી રહ્યું છે.

જોકે તાલિબાન સાથેની શાંતિવાર્તા પાકિસ્તાન માટે ફાયદાકારક સાબિત થાય એમ છે. એટલા માટે જ પાકિસ્તાની સરકાર અને તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ આ મંત્રણામાં વચેટિયાનું કામ કરી રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પાછી ખેંચાતા જ પાકિસ્તાન તાલિબાનની મદદ વડે કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપી શકે છે.

તાલિબાનને અમેરિકા સાથે વાતચીતના ટેબલ પર લાવવામાં પણ પાકિસ્તાને જ મનાવ્યું કારણ કે તે ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વહેલામાં વહેલી તકે વાપસી થાય. અફઘાનિસ્તાનમાં ફરી વખત તાલિબાનના મૂળિયા મજબૂત થાય તો તે અફઘાનિસ્તાનની સરકારને ઉખાડી ફેંકવા માટે તાલિબાનને શસ્ત્રસરંજામ પૂરો પાડી શકે છે. કારણ કે અફઘાનિસ્તાનની વર્તમાન સરકારના પાકિસ્તાન સાથેના સંબંધો સારા નથી. 

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ચાલોને નિષ્ફળ બનાવવા ભારતે પણ પોતાના હિતોની જાળવણી માટે પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. ગયા શુક્રવારે વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માર્શલ અબ્દુલ રશીદ દોસ્તમ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને શાંતિ અને સ્થિરતા લાવવા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય એ ભારતના હિતમાં છે પરંતુ તાલિબાન ફરી શક્તિશાળી બનશે તો ભારતના હિતોને નુકસાન થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો