#કપલ્સચેલેન્જ: ગાંડાના ગામ હોય?
- આફ્રિકના મજૂરો મફતના ભાવે ગોલ્ડ અને ડાયમન્ડ આપી દે છે તેમ આપણે મફતના ભાવે આપણો ગોલ્ડન ડેટા વેરી રહ્યા છીએ!
ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો પડી શકે છે. વ્યવહારની દૃષ્ટિએ જોઈએ તો માણસ વાનર અને ઘેટા બંનેનો વંશજ છે. તે નકલચી તો છે જ, ઘેટાથોનમાં પણ ગમે ત્યારે જોડાઈ જાય છે. ડગલે ને પગલે ઘેટા સાથેનું પોતાનું પૂર્વસંધાન સાબિત કરે છે. સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા પણ માણસને તેની અંદરના ઘેટાથી અલગ પાડી શકતી નથી. ફેસબુક પરની કપલ્સ ચેલેન્જ આનું લેટેસ્ટ ઉદાહરણ છે.
બે-પાંચ જણા ફોટા મૂકે એટલે સડેડાટ શરૂ થઈ જાય. આગળ પાછળનો કોઈ વિચાર નહીં કે આ ફોટોગ્રાફથી ફાયદો શું, નુકસાન શું.કોણે કહ્યું કે આજની પબ્લિક પાસે સમય નથી. સોશિયલ મીડિયા ખોલીને જુઓ બધા ચોરે કુંડાળું વળીને બેઠા હોય એમ ઑનલાઇન જોવા મળશે.
દર બે દિવસે ફેસબુક પર આવી કોઈ ચેલેન્જ નીકળી પડે છે. જાણો તમે પૂર્વજન્મમાં શું હતા? તમારો ચહેરો કયા સેલેબ સાથે મળતો આવે છે? આવી બધી ચેલેન્જીસનો હેતુ વિશાળ ડેટા એકત્રિત કરવાનો હોય છે. તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું ગામ, તમારા ગમા-અણગમા, તમારા ચહેરાના હાવભાવ, તમારી સાયકોલોજી બધું જ જાણવામાં આવે છે.
ને તમે ખુશી-ખુશી જણાવો છો. મુકેશ અંબાણીએ કહેલું, ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. ડેટાની સરખામણી ખનિજતેલ અથવા ગોલ્ડ સાથે થતી રહે છે. જે ડેટા ગોલ્ડ છે તે આપણે સોશિયલ મીડિયાને ફોકટમાં આપી દઈએ છીએ. આફ્રિકાના અશ્વેતો સોના, હીરાના ખજાના પર બેઠા હોવા છતાં દરિદ્ર છે.
કારણ કે તેને આની કિંમત ખબર નથી. તેઓ ચીનાઓને, ગોરાઓેને બ્રેડના પેકેટની ભારોભાર સોનું અને ડાયમન્ડ આપી દે છે. આપણે પણ એ આફ્રિકાના અશ્વેત ખાણિયાઓથી અલગ નથી. આપણે પણ આપણા વિશેની ગોલ્ડન ઇન્ફર્મેશન મફતમાં આપી દઈએ છીએ અને એ જ ઇન્ફોર્મેશન થકી તેઓ આપણી દોરવણી કરતા રહે છે.
આવો અનુભવ કદાચ તમને પણ થયો હશે. તમે કોઈ સ્ટોર પર કપડાં લેવા જાવ છો. કપડાં ખરીદ્યા પછી દુકાનદાર તમારું બિલ બનાવે ત્યારે તમારો મોબાઇલ નંબર માગે છે.
તમે મોબાઇલ નંબર આપો એટલે એ સ્ટોર તરફથી તમને ડેઇલી મેસેજ શરૂ થઈ જાય છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે તમારો ડેટા બીજા શોરૂમ પાસે પહોંચી જાય છે અને તેઓ પણ તેમની સ્કીમ્સ, ઑફર્સના ફોન અને મેસેજ શરૂ કરી દે છે. કપડાંવાળો માત્ર કપડાં નથી વેચતો. તે તમારો ડેટા પણ વેચે છે. (બીજા સ્ટોરવાળાને.)
આવું જ કામ ટિકટોક, ફેસબુક અને તેના જેવી બીજી કંપનીઓ કરે છે. મશીન લર્નિંગ એક એવી સુવિધા છે જેમાં મશીન પ્રાપ્ત થતી ઇન્ફોર્મેશનનું એનાલિસીસ કરીને આપમેળે વધુને વધુ શીખતું જાય છે, અપડેટ થતું જાય છે. ટિકટોક થકી આપણને એમ લાગતું હતું કે આપણે સેલેબ બની ગયા, લોકો આપણા વીડિયો જોઈ રહ્યા છે જ્યારે ચીને આ ડેટાનો ઉપયોગ કરીને દુનિયાની સૌથી શક્તિશાળી ફેસ રીકગ્નિશન ટેકનોલોજી વિકસાવી લીધી.
ફેસબુકે ફેસ એપ વહેતી કરી કે તરત જ બધા જુવાનિયા પોતે ઘરડા થશે ત્યારે કેવા દેખાશે વિશેના ફોટો બનાવીને અપલોડ કરવા માંડયા. પીળી ડિઝાઇન્સ સાથેના ફોટોગ્રાફ્સ મૂકવા લાગ્યા. આપણને મજા પડી અને ફેસબુકનેય મજા પડી ગઈ. આપણને અમથે-અમથી મજા પડી જ્યારે ફેસબુકે આ બહાને ડેટાબેંક ઊભી કરી લીધી.
કોઈ પણ કાર્યની સફળતાની ચાવી એ છે કે તેને આંદોલનમાં રૂપાંતરિત કરી દો. સોશિયલ મીડિયાનું આંદોલન એટલે હેશટેગ. ટ્રેન્ડ સર્જી દો એટલે તમારી ચીજ ધડાધડ ચાલી જાય. સતયુગમાં ફોર્મ ભરાવીને ડેટા કલેક્શન કરવામાં આવતું હતું. કળિયુગ અને કોરોનાયુગમાં આવી કોઈ ઝંઝટ નથી. સીધો કોઈ ટ્રેન્ડ વહેતો મૂકી દેવાનો એટલે ગણતરીના દિવસોમાં કરોડો લોકોનો ડેટા ભેગો થઈ જાય.
આ રીતે ચાલાકીથી મેળવવામાં આવેલા ડેટાનો સદ્ઉપયોગ થાય ત્યાં સુધી વાંધો પણ નથી. ટેન્શન ત્યારે શરૂ થાય જ્યારે આ ડેટાનો ઉપયોગ કરીને તમારી પ્રાયવસીનો ભંગ કરવામાં આવે. તેનાથી પણ ખરાબ ઘટના ત્યારે બને જ્યારે આ ડેટાનો તમે કલ્પના ન કરી શકો તેટલા ખરાબ કામ માટે ઉપયોગ કરાય.
શાસ્ત્રોમાં અભણની સાથોસાથ ભણેલાને પણ ઘેટા અમથા નથી કહેવામાં આવ્યા. તેઓ સમજી જ નથી શકતા કે તેમના ડેટાનું શું થઈ રહ્યું છે. તેઓ આ બાબતે સીરિયસ પણ નથી. ચીજોને બિલકુલ હળવાશથી લઈ રહ્યા છે.
કપલ્સ ચેલેન્જ અંતર્ગત અત્યાર સુધીમાં કેવળ ઇન્સ્ટાગ્રામ પર ૪૦,૦૦૦ કરતા વધુ ફોટોગ્રાફ્સ શેર થઈ ચૂક્યા છે. પુણે પોલીસે તેના ઓફિશિયલ ટ્વિટ્ટર હેન્ડલ પર ચેતવણી આપી છે, તમારા લાઇફ પાર્ટનર જોડેના ફોટોગ્રાફ શેર કરતા પહેલા બે વખત વિચારજો. એક ક્યૂટ લાગતી ચેલેન્જ ઊંધી પણ ઊતરી શકે છે. જાગો.
નાગપુર પોલીસ કપલ્સ ચેલેન્જનો પોઝીટીવ ઉપયોગ કરી રહી છે. તેણે માસ્ક પહેરેલા કપલ્સના ફોટોગ્રાફ્સ મૂકીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. કપલ્સ ચેલેન્જમાં કેટલાક લોકો ફોટો એડિટિંગ સોફેટવેર્સની મદદ લઈને ગમતી સેલિબ્રિટી સાથે પોતાના ફોટોઝ મૂકી રહ્યા છે. અહીં સુધી વાંધો નથી, પણ આ જ વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ ગમતી છોકરી સાથે ફોટોગ્રાફ બનાવીને શેર કરી શકે છે. આવા ફોટોગ્રાફ્સ છોકરીના પરિવારજનો કે હબ્બી જોઈ જાય તો બીજી મોટી ચેલેન્જુ આવી પડે.
આ તો હજી પણ નાની વાત છે. તમે શેર કરેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ આના કરતા બીજા હજાર ગણા વધુ ખરાબ કામ માટે થઈ શકે છે. સેલેબ્સના પોર્ન વીડિયો ઘણાએ જોયા હશે. જેણે જોયા નહીં હોય તેણે તેના વિશે સાંભળ્યું તો હશે જ. શું આ બધા પોર્ન વીડિયો સાચા હશે? ના, અમુક જ સાચા હશે. મોટા ભાગના પોર્ન વીડિયોમાં પોર્નગર્લના ચહેરાને જાણીતી હસ્તીના ચહેરાથી રીપ્લેસ કરી દેવામાં આવે છે. ટેકનોલોજીની મદદથી આવું બિલકુલ શક્ય છે.
પુણે પોલીસ કહે છે કે તમે જે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો તેનો ઉપયોગ મોર્ફિંગ, રીવેન્જ પોર્ન અને ડીપ ફેક જેવા સાઇબર ક્રાઇમ માટે થઈ શકે છે. આ વિશે પોલીસને સેંકડો ફરિયાદ મળતી રહે છે. સારા ઘરની દીકરીઓના ફોટોગ્રાફ્સ પોર્ન વેબસાઇટ પર યુઝ થઈ રહ્યાના એક નહીં સેંકડો દાખલા છે.
ડીપ ફેક એક એવી ટેકનોલોજી છે જે અંતર્ગત કમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઇમેજ બનાવે છે. બીજાના બોડી પર તમારો ચહેરો એવી રીતે લાગી જાય છે જાણે એ ૧૦૦ પરસેન્ટ તમે જ છો. કોઈ પણ વીડિયો કે ફોટોગ્રાફમાં ડીપ ફેકની મદદથી સરળતાથી બીજો ચહેરો લગાડી શકાય છે.
રેડિટ નામની વેબસાઇટ પર ૨૦૧૮માં અમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઑબામાનો એક વીડિયો પ્રસિદ્ધ થયો. ફેકએપ નામની એપ્લિકેશનની મદદથી એક પોર્ન વીડિયોમાં પોર્ન ગર્લનો ચહેરો હટાવી ત્યાં શ્રીમતી ઑબામાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો. ૨૦૧૭માં આ રીતે ઇઝરાયલી અભિનેત્રી ગેલ ગેડોટની પોર્ન ક્લિપ આવી. મિશેલ ઑબામાનો ડેટા પણ સલામત નથી તો તમે અને હું કઈ ખેતીનું કેપ્સિકમ?
એક સાંજે તમે ગેલેરીમાં બેઠા હો ત્યારે એક એવો ફોન પણ આવી શકે છે. સામે છેડેથી વાત કરતો સાઇબર ક્રિમિનલ તમને તમારો ફોટોગ્રાફ પોર્ન સાઇટ પર મૂકવાની ધમકી આપી પૈસા પડાવી શકે છે. તેમની આ હરકત છોકરીઓને સ્યુઇસાઇડ કરવા પ્રેરી શકે છે. આવા ઘણાય કિસ્સા ઓલરેડી બની ચૂક્યા છે.
વ્યક્તિની સહમતી લીધા વિના તેના ચહેરાનો પોર્ન ફોટોગ્રાફ્સ કે વીડિયોમાં ઉપયોગ કરવામાં આવે અથવા એવું કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવે એ ઘટનાને રીવેન્જ પોર્ન કહે છે.
સુશાંતસિંહ રાજપૂત કેસની છાનબીનમાંથી નવરા પડયા હોઈએ તો જરાક આ દિશામાં પણ વિચારવું જોઈએ. શાળા અને કોલેજના શિક્ષણની સાથોસાથ ડિજિટલ પ્લેટફોર્મ પર કઈ રીતે વર્તવું તે વિશેનું શિક્ષણ લેવાનો સમય પણ આવી ગયો છે. તેના ડુઝ અને ડોન્ટ્સને જાણવાનો, શીખવાનો અને અનુસરવાનો સમય જઈ રહ્યો છે.
સોશિયલ મીડિયાને આપણે શા માટે બાધ્ય ન કરી શકીએ કે તે આપણો ડેટા કોઈ સાથે શેર ન કરે? ચીન પાગલ નથી કે ફેસબુક, યુટયુબ, ટ્વિટ્ટરને બદલે તેના જેવી જ ચાઇનીઝ સાઇટ્સનો ઉપયોગ કરે છે. ડેટાની રક્ષા એ જાતની રક્ષા જેટલી જ મોટી ઘટના છે. આપણે જે સાઇટ્સનો ઉપયોગ કરીએ છીએ તે સાઇટ્સ આપણો ડેટા કોઈ સાથે શેર ન કરે તે માટે આપણે જરૂર છે એક આંદોલન છેડવાની. જો તે આપણી માગણી ન સ્વીકારે તો એ જ ઘડીએ તેના પરનું આપણું અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવું જોઈએ.
આવી રીતે લાખો લોકો પોતાના અકાઉન્ટ્સ ડિએક્ટિવેટ કરી દે તો હમણા સોશિયલ સાઇટ નેટિઝન્સના પગમાં પળી જાય અને તેમના ડેટાની રક્ષા માટે જવાબદાર બને. છે દમ? કે પછી નવી ગુલામીના આદિ બની ચૂક્યા છીએ?
હોય નહીં!
નેપોટિઝમ કરતાય ખતરનાક ફેવરેટિઝમ
બોલિવુડમાં નેપોટિઝમની ચર્ચા જોરશોરથી થઈ રહી છે ત્યારે વિમેન્સ ઇરા મેગેઝિને આ ચર્ચાને નવી દિશા આપવાની કોશિશ કરી છે. તે જણાવે છે કે બોલિવુડમાં નેપોટિઝમ કરતાય વધારે ફેવરિટીઝમ છે. માત્ર સગાઓનો જ નહીં, પણ વહાલાઓનોય મામકાવાદ. માની લો કે કોઈ એક રોલ છે. તો તે સેલેબની નજીકની વ્યક્તિને મળવાની શક્યતા રહે છે. બોલિવુડમાં જબરદસ્ત ફેવરિટીઝમ ચાલે છે. આમ તો દરેક ક્ષેત્રમાં ચાલે છે. તમે કોઈ ગુ્રપ સર્કલનો હિસ્સો બની જાવ બસ. તમે કોઈ સ્ટારની નજીક હો, તેના જૂથમાં હો તો તમારી નૈયા પાર થઈ જાય. નેપોટિઝમ કરતાય વધારે ફેવરિટિઝમ કનડે છે. ક્યારેક તેના પર વાત કરવી જોઈએ. કરણ શહારુખ સાથે જ ફિલ્મો બનાવે, સલમાન કેટરિનાને જ પહેલો ચાન્સ આપે, રાજ કપૂર ખય્યામ વધુ સારા હોવા છતાં શંકર જયકિશનને જ લેતા એ ફેવરિટિઝમ.
આજની નવી જોક
લીલી(છગનને): બે એવી વાત કહો જેમાંથી પહેલી સાંભળીને હું ખુશ થઈ જાવ અને બીજી સાંભળીને મને ગુસ્સો આવી જાય.
છગન: તું મારી જિંદગી છો.
લીલી: વાહ. અને...?
છગન: લાનત છે આવી જિંદગી પર.
લીલી: હેં!?
Comments
Post a Comment