યૂ.એન.ની સલામતિ સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ ક્યારે

- ભારતનું કહેવું છે કે આજે નવી વૈશ્વિક પરિસ્થિતિ અનુસાર સલામતિ સમિતિનું ગઠન થવું જોઇએ કારણ કે સાત દાયકા પહેલા જ્યારે સલામતિ સમિતિની રચના થઇ ત્યારે સંજોગો જુદાં હતાં, સમસ્યાઓ અને પડકારો જુદાં હતાં જ્યારે આજે આતંકવાદ, પરમાણુ પ્રસાર, ક્લાયમેટ ચેન્જ જેવા પડકારો છે


કોરોનાકાળમાં દુનિયાભરમાં મોટા ભાગના કાર્યક્રમો વર્ચ્યુઅલ સ્તરે આયોજિત થઇ રહ્યાં છે. યૂ.એન.ની મહાસભાના ૭૫મા સત્રનું પણ વર્ચ્યુઅલ સ્તરે આયોજન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરતા કોરોના અંગે ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદનો મુદ્દો ઉઠાવ્યો. વડાપ્રધાને કહ્યું કે ક્યાં સુધી ભારતને યૂ.એન.ના નિર્ણય લેવાના માળખાથી દૂર રાખવામાં આવશે? 

તાજેતરમાં જ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે અને આગામી બે વર્ષ સુધી ભારત યૂ.એન. સિક્યોરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય રહેશે. યૂ.એન.ની સલામતિ સમિતિમાં કુલ ૧૫ દેશો હોય છે જેમાં પાંચ દેશ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન કાયમી સભ્યો છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષે બે વર્ષના કાર્યકાળ માટે પાંચ અસ્થાયી સભ્યોને ચૂંટવામાં આવે છે. પ્રાદેશિક સંતુલન જાળવી રાખવા માટે સલામતિ સમિતિમાં અસ્થાયી સભ્યોને ચૂંટવાની પરંપરા છે.

સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિમાં સ્થાન મળ્યા બાદ ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સમાનતાને આગળ વધારવા માટે અન્ય સભ્ય દેશો સાથે મળીને કામ કરશે. ભારતને આઠમી વખત સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિમાં સભ્યપદ મળ્યું છે. આ પહેલાં પણ ભારત પોતાની જવાબદારી સારી રીતે નિભાવી ચૂક્યું છે. સલામતિ સમિતિના અસ્થાયી સભ્ય તરીકે ભારત પહેલી વખત છેક ૧૯૫૦માં ચૂંટવામાં આવ્યું હતું. જોકે સલામતિ સમિતિમાં ભારતની સૌથી મજબૂત સ્થિતિ ૧૯૭૦ના દાયકામાં હતીં. એ દાયકામાં ભારત ૧૯૭૨-૭૩ અને ૧૯૭૭-૭૮ એમ બે વખત અસ્થાયી સભ્ય બન્યું હતું. તો ૧૯૯૩થી ૨૦૧૦નો સમયગાળો એવો હતો જેમાં ભારતને સલામતિ સમિતિમાં સ્થાન મળ્યું નહોતું. 

સલામતિ સમિતિમાં હાજરીથી કોઇ પણ દેશનો યૂ.એન.ની કાર્યપ્રણાલિમાં દબદબો વધી જાય છે. ભારત આઠ વર્ષ બાદ સલામતિ સમિતિમાં પહોંચ્યું છે અને ખાસ તો એ મહત્ત્વનું એટલા માટે છે કે ચીન સાથે સરહદી વિવાદ વણસેલા છે અને  નેપાળ પણ ભારતના પ્રદેશો પર પોતાનો દાવો કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિનું મુખ્ય કાર્ય વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. એ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં નવા સભ્યોને ઉમેરવા અને તેના ચાર્ટરમાં બદલાવ સાથે જોડાયેલા કામ પણ સલામતિ સમિતિના ફાળે આવે છે. સલામતિ સમિતિ દુનિયાભરના દેશોમાં શાંતિ મિશન પણ મોકલે છે. એ ઉપરાંત દુનિયાના કોઇ પણ ભાગમાં અશાંતિ હોય અને લશ્કરી કાર્યવાહીની જરૂર હોય તો સલામતિ સમિતિ રિઝોલ્યુશન મારફતે એ લાગુ કરે છે. 

પહેલા વિશ્વયુદ્ધ બાદ લીગ ઓફ નેશન્સની કાર્યશૈલીની અસફળતા બાદ દુનિયાને સમજાયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા પ્રસારની નીતિ ત્યારે જ સફળ થઇ શકશે જ્યારે તમામ દેશો પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને સમગ્ર વિશ્વને એક માનીને આગળ વધે. આ માટે પ્રયાસો આદરવામાં આવ્યાં.

આ સંદર્ભે લંડન મેનિફેસ્ટો, એટલાન્ટિક ચાર્ટર, યૂ.એન. મેનિફેસ્ટો, મોસ્કો મેનિફેસ્ટો, તહેરાન મેનિફેસ્ટો અને ડમ્બારટમ ઓફ કોન્ફન્સ જેવા જુદાં જુદાં મેનિફેસ્ટો સામે આવ્યાં. બીજી ઓક્ટોબર, ૧૯૪૪માં વોશિંગ્ટન ડીસીમાં નિર્ણય લેવામાં આવ્યો કે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય સમિતિ સલામતિ સમિતિ હશે જેના પાંચ કાયમી સભ્યો હશે. 

એ વાતને વર્ષો વીતી ગયાં અને દુનિયા ઘણી બદલાઇ ચૂકી છે. ભારત આજે દુનિયામાં લશ્કરી અને આર્થિક રીતે ઘણું શક્તિશાળી રાષ્ટ્ર બની ચૂક્યું છે. આજે ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યસ્થા છે, દુનિયાનું સૌથી મોટું ગ્રાહક બજાર છે અને ચીન બાદ સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા છે.

ભારત પાસે દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી સેના છે. અમેરિકા અને રશિયા બાદ ભારતમાં દર વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ બહાર પડે છે. ભારતના સોફ્ટવેર એન્જિનિયરોની આખી દુનિયામાં બોલબાલા છે અને અનેક ભારતીયો અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં કામ કરે છે. આટલી બધી ઉપલબ્ધિ છતાં ભારતને યૂ.એન.ની સલામતિ સમિતિનું કાયમી સભ્યપદ નથી મળી શક્યું.

ભારત ઘણાં સમયથી સલામતિ સમિતિમાં સુધારો કરવાની માંગ કરી રહ્યું છે. ભારતનું કહેવું છે કે સલામતિ સમિતિમાં વાસ્તવિક પરિસ્થિતિની ઝલક દેખાવી જોઇએ. આજે નવી વૈશ્વિક પરિસ્થિતિ અનુસાર સલામતિ સમિતિનું ગઠન થવું જોઇએ. સાત દાયકા પહેલા જ્યારે સલામતિ સમિતિની રચના થઇ ત્યારે સંજોગો જુદાં હતાં, સમસ્યાઓ અને પડકારો જુદાં હતાં.

આજે આતંકવાદ, પરમાણુ પ્રસાર, ક્લાયમેટ ચેન્જ જેવા પડકારો છે જે એ જમાનામાં નહોતાં. વર્તમાન સમયની સમસ્યાઓ ઉકેલવા માટે સાત દાયકા પહેલા રચાયેલી સમિતિ સક્ષમ નથી. 

જોકે પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સ્વાર્થના કારણે સલામતિ સમિતિમાં સુધારણાના પ્રયાસો શક્ય બની શક્યા નથી. અમેરિકા અને રશિયા જેવા દેશો ભારતને કાયમી સભ્યપદ આપવાની તરફેણમાં તો છે પરંતુ તેઓ ભારતને વીટો પાવર આપવા નથી માંગતાં. છેલ્લા ઘણાં સમયથી સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ઇશારે ચાલતું હોવાના આક્ષેપ થાય છે અને અનેક વખત એમાં તથ્ય પણ જણાયું છે. ખરેખર તો અમેરિકા સમક્ષ લાચાર બની જવાના કારણે સલામતિ સમિતિ પોતાનું મહત્ત્વ જ ગુમાવી રહી છે. ઘણાં વિકાસશીલ દેશોને લાગે છે કે યૂ.એન. પોતાની પ્રાસંગિકતા જ ખોઇ ચૂક્યું છે. 

યૂ.એન.ની સલામતિ સમિતિનું કાયમી સભ્યપદ મેળવવા માટેની તમામ લાયકાત ભારત પાસે છે પરંતુ ચીન અને અમેરિકા જેવા દેશો એનો વિરોધ કરે છે. ચીનનો વિરોધ તો સમજાય એવી વાત છે કારણ કે ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વ મળે એ તેનાથી જરાય સહન થતું નથી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભારતનું મહત્ત્વનું સાથીદાર બની રહેલું અમેરિકા પણ ભારતને વીટોપાવર સાથેનું સ્થાયી સભ્યપદ મળે એ માટે રાજી નથી.

ભારતને વીટોપાવર વિનાનું કાયમી સભ્યપદ ખપતું નથી. અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિમાં વીટો વાપરવાની શક્તિ માત્ર પાંચ દેશો પાસે જ હોય એ વાત જ આજના સમયમાં ન્યાયોચિત નથી લાગતી. 

સલામતિ સમિતિમાં સુધારણા સમયની માંગ છે અને જો એ વેળાસર ન કરવામાં આવી તો સંયુક્ત રાષ્ટ્ર પ્રાસંગિકતા ખોઇ બેસશે. ભારતને સલામતિ સમિતિનું કાયમી સભ્યપદ જોઇએ છે અને એ પણ વીટો પાવર સાથે. જોકે હાલ ભારતને જે અસ્થાયી સભ્યપદ મળ્યું છે એનો પણ યોગ્ય ઉપયોગ થઇ શકે એમ છે.

થોડા દિવસો પહેલાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી બોર્ડનું અધ્યક્ષપદ ભારતને મળ્યું છે. આમ હાલ કપરા સમયમાં ભારતને બે મોટી તક હાથ લાગી છે જેનો પૂરો ફાયદો ઉઠાવી શકાય એમ છે. વૈશ્વિક રાજનીતિની દુનિયામાં ભારતની સક્રિયતા વધે એ જરૂરી છે.

વૈશ્વિક ફલક પર કૂટનીતિમાં સક્રિય રહ્યાં વિના આપણે પૂરી શક્તિ, ક્ષમતા, યોગ્યતા અને કૌશલ્યનો લાભ નહીં મેળવી શકીએ. ચીન જે રીતે ભારતને સોફ્ટ ટારગેટ સમજી રહ્યું છે એ તેનો ભ્રમ ભારતની આંતરરાષ્ટ્રીય સક્રિય કૂટનીતિ જ દૂર થઇ શકશે. ચીનની દાદાગીરી સામે આજે દુનિયાના દેશો ચૂપ છે પરંતુ હવે આગળના સમયમાં જ ખબર પડશે કે કોણ આપણા શત્રુ છે, કોણ મિત્ર છે અને કોણ તટસ્થ છે. વૈશ્વિક ફલક પર ચીન આપણા કરતા અસમાન રીતે આગળ છે કારણ કે તેની પાસે વીટોપાવર છે. જેના કારણે ચીન તેની વિરુદ્ધની કોઇ પણ હિલચાલને નિષ્ક્રિય કરી શકે છે. 

જોકે ભારતને જે સમર્થન મળી રહ્યું છે એ ઉત્સાહિત કરનારું છે. વર્તમાન કોરોના સંકટ અને એ પછીની વૈશ્વિક વ્યવસ્થામાં નેતૃત્ત્વ કરવાનો ભારત પાસે સુવર્ણ અવસર છે. 

કદ અને આંતરરાષ્ટ્રીય દબદબાને જોતાં ભારતને નજરઅંદાજ કરવું હવે સ્થાયી સભ્યો માટે શક્ય નથી. એટલું જ નહીં, સલામતિ સમિતિના ટેબલ પર પહોંચ્યા બાદ ચીન માટે પણ ભારત વિરુદ્ધ કોઇ હિલચાલ કરવી મુશ્કેલ બની જશે. એ સાથે જ ભારત આતંકવાદ વિરુદ્ધના પોતાના અભિયાનને વધારે પ્રભાવશાળી રીતે આગળ વધારી શકશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે