રિઝર્વબેન્કમાં ઘરની ધોરાજી


રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી - જે એમપીસી તરીકે ઓળખાય છે, તેની દર બે મહિને મળનારી બેઠક આ વખતે યોજાઈ જ નહીં. દેશના અર્થતંત્ર સાથે સંકળાયેલી આ ઘટના કોઈ સાધારણ ઘટના નથી. તારીખ ૨૯મી સપ્ટેમ્બરથી શરૂ થનારી આ મિટિંગ ૧ ઓક્ટોબર સુધી ચાલવાની હતી, પણ બેઠકના એક દિવસ પૂૂર્વે જ રિઝર્વ બેન્કે તેને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. સત્તાવાર રીતે તો ન તો આરબીઆઇએ કોઈ કારણ આપ્યું, ન એવી જાહેેરાત કરી કે, આ મિટિંગને ક્યાં સુધી સ્થગિતિ કરવામાં આવી છે. આટલી ગોપનીયતા અર્થતંત્રમાં ચિંતાનું મોજું પ્રસરાવે તેવી છે.

જ્યારે સત્તાધીશો મૌન થઈ જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ અટકળો અને ચર્ચાના બજારને ગરમી મળે છે. બધા જ નિયમો તોડવાની ભાજપને જે ખતરનાક ટેવ પડેલી છે એ દેશને કેવા સંકટ તરફ દોરી જશે એની કલ્પના કરવી આસાન છે પણ આમજનને એની શી તમા હોય? કારણ કે એની અણસમજની તાવડીએ તો દુષ્ટ રાજનેતાઓ પોતાના રોટલા શેકે છે.

મોનિટરી પોલિસી કમિટીમાં જે બહારના સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે, તે થઈ શકી ન હોવાથી આ બેઠકને ટાળવામાં આવી છે. કમિટીમાં છ સભ્યો હોય છે, જેમાંથી ત્રણ આરબીઆઇના હોય છે, જ્યારે ઈતર ત્રણ સભ્યો આરબીઆઇ સિવાયના હોય છે. આરબીઆઇની અંદરના સભ્યોમાં ગવર્નર, ડેપ્યુટી ગવર્નર અને મોનિટરી પોલિસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય છે.

આરબીઆઇની બહારના ત્રણ સભ્યોને કેન્દ્ર સરકાર નિયુક્ત કરે છે અને તેમનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. એમપીએસની વ્યવસ્થા ઓક્ટોબર ૨૦૧૬માં શરૂ થઈ હતી અને બહારના ત્રણ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો અને ઓગસ્ટમાં થયેલી એમપીસીની છેલ્લી બેઠક પછી સરકારે નોમિનેટ કરેલા ત્રણેય સભ્યો કમિટિમાંથી ખસી ગયા હતા.

આ પછી સ્વાભાવિક રીતે જ અપેક્ષા રાખવામાં આવતી હતી કે સરકાર તેમના સ્થાને નવા ત્રણ સભ્યોની નિયુક્તિ કરશે, પણ હજુ સુધી સરકારે આ દિશામાં એક ડગલું પણ માંડયું નથી. પરિણામ એ આવ્યું કે, દેશની મૌદ્રિક નીતિ નિર્ધારિત કરનારી આ કમિટીની બેઠક નિર્ધારિત સમયે થઈ શકી નથી અને હવે તો એ પણ ખબર નથી કે તે ક્યારે યોજાશે !

એમપીસીની બેઠક માત્ર બેન્કિગ વ્યવસ્થા માટે જ નથી, પણ આખી અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્ત્વની છે. દેશના અર્થતંત્રના સંચાલનમાં જે મહત્ત્વની મિટિંગોની હિસ્સેદારી હોય છે, તેમાં એમપીસી પણ સામેલ છે. આ બેઠકમાં રિઝર્વ બેન્ક ઈકોનોમીમાં રોકડના પ્રવાહને સુનિશ્ચિત કરવાનો અને મુદ્રા સ્થિતિ દરને નિયંત્રિત કરવા માટે મુખ્ય વ્યાજદરો નિર્ધારિત કરે છે. આ સાથે દેશની આથક સ્થિતિનું વસ્તુગત મૂલ્યાંકન પણ રજૂ કરે, જેના આધારે રોકાણકારો પોતાનો ટ્રેન્ડ નક્કી કરે છે.

આ બેઠક જ સ્થગિત થતાં રોકાણકારો હવે અંઘારપટમાં છે. કોરોના અને લોકડાઉનથી જે નવા પડકારો સર્જાયા છે, તેને ધ્યાનમાં લેવામાં આવે તો એમપીસીની આ વખતે યોજાનારી બેઠક અત્યંત મહત્ત્વપૂર્વ મનાતી હતી. રિઝર્વ બેન્કે લોનની ઈએમઆઇને ટાળવા જેવી કેટલીક મહત્વની જાહેરાતો કરી દીધી છે પણ તે બહુ જ અસ્પષ્ટ છે.

મોરેટોરિયમના છ મહિના પૂરા થયા પછી રાષ્ટ્રીયકૃત બેન્કો રિઝર્વ બેન્કની માર્ગદશકા વિના જ પોતાની રીતે આગળ વધી રહી છે. સપ્ટેમ્બર માસથી બેન્કોએ હપ્તા લેવાના શરૂ કરી દીધા છે. ઉપરાંત મોરેટોરિયમના તબક્કાની બાકી રકમના વ્યાજનો પ્રશ્ન હજુ અદ્ધરતાલ લટકે છે. દરેક બેન્ક અને એના દરેક મેનેજર ગ્રાહકોને જુદા-જુદા જવાબો આપે છે.

કોરોના પછી લોકડાઉન અને એના પછી અનલોકની જે સિઝન ખુલતી ગઈ તેનાથી થનારા પ્રભાવનું સટિક મૂલ્યાંકન થાય તે જરુરી છે, જેથી બેન્કોએ રિઝર્વ બેન્કના લોનહપ્તા સંબંધિત નિર્ણયનો અમલ હવે બંધ કરવો કે ચાલુ રાખવો તેનો નિર્ણય તેઓ લઈ શકે. એમપીસીની બેઠક જ ન યોજાય તે ઘટનાએ એવી અનિશ્ચિતતા સર્જી છે, જેના માટે કોઈ તાકક કારણ જ નથી. સરકારની બેદરકારીથી કે પછી કોઈ વિચિત્ર તર્કના અવકાશી ઉત્તરણ થકી આ પરિસ્થિતિ અર્થવ્યવસ્થા પર ઠોકી બેસાડવામાં આવી છે.

આની પાછળનો ભાજપના નેતૃત્વની એનડીએ સરકારનો જે મલિન ઈરાદો હશે તે દેશના ટોચના ઈકોનોમિસ્ટસ્ની નજરમાંથી છટકી નહિ શકે અને જે પાપ હશે એ છાપરે ચડીને પોકારશે. મરજી પ્રમાણે અને સાવ ગેરવહીવટથી સરકારો ચાલતી હોવાના નમૂનાઓ ભારતની પ્રજા પાસે છે પરંતુ રિઝર્વ બેન્ક પણ મનઘડંત રીતે ચલાવવાની બદતમીઝી શાસક પક્ષ માટે એક અપરાધી અને અનૈતિક હિલચાલ પુરવાર થઈ શકે છે. આમ પણ મહત્વપૂર્ણ પદો પર નિયુક્તિમાં ઉદાસીન વલણ દાખવવાનો મેસેજ કોઈ પણ સરકાર માટે સારી બાબત હોતી નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે