ભારતીયોને H-1B વિઝા આપવામાં અમેરિકાના 'ઠાગાઠૈયા'
અમેરિકન ઓથોરિટીએ ઈન્ફોસીસની 59 ટકા, એમેઝોન-ગૂગલ-ટીસીએસની 15 ટકા અરજી ફગાવી
વૉશિંગ્ટન, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર
અમેરિકન સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઈએસ)ના અિધકારીઓ એચ-1બી કેટેગરીના વિઝા સતત નકારી રહ્યા છે. 2019 અને 2020માં આ કેટેગરીના વિઝાનો રીજેક્શન રેટ ખૂબ જ ઊંચો નોંધાયો છે. આંકડાના એનાલિસીસ પછી રજૂ થયેલાં તારણમાં આ દાવો કરાયો હતો.
વિદેશી યુવાનોને અમેરિકામાં નોકરીની તક આપતી એચ-1બી વિઝા કેટેગરીના નિયમો ટ્રમ્પ સરકારમાં વધારે મુશ્કેલ બન્યા છે. તેના ભાગરૂપે વિવિધ કારણો આગળ કરીને અમેરિકન ઈમિગ્રેશન વિભાગ આ કેટેગરીના વિઝા નકારી દે છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના અહેવાલ પ્રમાણે 2020ના બીજા ક્વાર્ટરમાં વિવિધ કંપનીએ એચ-1બી વિઝા માટે કરેલી અરજી સતત રીજેક્ટ કરવામાં આવી હતી. અમેરિકન સરકારના ઈમિગ્રેશન વિભાગના આંકડાના આધારે કહેવાયું હતું કે ટોચની 25 કંપનીઓમાં કામ કરવા ઈચ્છતા વિદેશી યુવાનોની અરજી અમેરિકન સરકારે નકારી દીધી હતી.
25માંથી 20 કંપનીઓમાં કામ કરવા ઈચ્છતા વિદેશી યુવાનોની અરજી નકારવાનું પ્રમાણ ટ્રમ્પના શાસનકાળમાં સરેરાશ 10 ટકા વધ્યું છે. સૌથી વધુ આઈટી કંપનીઓની અરજી નકારી દેવામાં આવી હતી. 2020ના બીજા ક્વાર્ટરમાં એ રેટ વધારેને વધારે ઊંચો ગયો હતો.
2015માં ટોચની 10 કંપનીઓ સાથે જોડાવા ઈચ્છતા આઈટી પ્રોફેશ્નલ્સના વિઝા રીજેક્શનનો રેટ એકથી પાંચ ટકા હતો. એ 2020ના બીજા ક્વાર્ટરમાં 20 ટકા પહોંચી ગયો હતો. 2015માં 25માંથી 16 કંપનીઓની અરજીનો રીજેક્શન રેટ માત્ર બે ટકા હતો. 2020ના પ્રથમ ક્વાર્ટરમાં એચ-1બી વિઝાનો નકારનો રેટ 16.6 ટકા જેટલો ઊંચો હતો.
Comments
Post a Comment