રાષ્ટ્રપતીએ 3 કૃષિ બિલ પર હસ્તાક્ષર કરતા બન્યો કાયદો, સરકાર ટૂંક સમયમાં જ બહાર પાડશે જાહેરનામું

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર 2020 રવિવાર

તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ અંગે દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને પંજાબમાં ઘણો વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ સહિત આખો વિપક્ષ આ બિલ પાછા ખેંચી લેવાની માંગ કરી રહ્યો હતો, અને હરિયાણા તથા પંજાબમાં પણ ખેડૂત નેતાઓ સહિત મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધા વિરોધની વચ્ચે રાષ્ટ્રપતિએ કૃષિ સંબંધિત આ ત્રણેય બિલ પર હસ્તાક્ષર કર્યા છે, જે બાદ હવે આ કાયદા બન્યા છે. જો રિપોર્ટની વાત માની લેવામાં આવે તો, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડી શકે છે.

કોંગ્રેસ સહિત અન્ય વિરોધી પક્ષોનાં ભારે વિરોધ છતાં તાજેતરમાં કૃષિ બિલ આવશ્યક વસ્તું (સુધારો) બિલ, 2020, ખેડુતો વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020 અને ખેડુત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ અંગે કરાર બિલ, 2020, સંસદના બંને ગૃહોમાં પસાર થયા હતા. ત્યારબાદ તેઓને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. તમામ વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને તેમને હસ્તાક્ષર ન કરવા માટે વિનંતી કરી હતી.

પીએમ મોદીએ બીલ પર કહી આ વાત 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ સંબંધિત બીલો વિશે વાત કરતા કહ્યું કે ગામો, ખેડુતો અને દેશનું કૃષિ ક્ષેત્ર 'આતમનિર્ભર ભારત'નો આધાર છે અને જેટલું તેઓ મજબૂત છે, ' આતમ નિર્ભર ભારત'નો પાયો વધુ મજબૂત થશે. હરિયાણાના સોનીપત જિલ્લાના ખેડૂત કંવર ચૌહાણની વાત વર્ણવતા મોદીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેને માર્કેટની બહાર પોતાના ફળો અને શાકભાજી વેચવામાં મુશ્કેલી આવતી હતી. હરિયાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક સફળ ખેડુતો અને ખેડૂત જૂથોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે તાજેતરના સમયમાં કૃષિ ક્ષેત્રે પોતાને ઘણાં નિયંત્રણોથી મુક્ત કર્યા છે અને અનેક દંતકથાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો