દિલ્હીની વાત : મોદીએ બુલેટ ટ્રેનને બચાવવા જયશંકરને ઉતાર્યા
નવી દિલ્હી, તા.29 સપ્ટેમ્બર 2020, મંગળવાર
નરેન્દ્ર મોદીએ પોતાના અત્યંત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બચાવવા માટે વિદેશ મંત્રી જયશંકરને મેદાનમાં ઉતાર્યા છે. જયશંકર ૬૭ ઓક્ટોબરે ક્વેડ બેઠકમાં ભાગ લેવા જાપાન જાય ત્યારે જાપાન સરકાર સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બચાવવાની ખાસ ચર્ચા કરવાના છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુ.એસ. એ ચાર દેશોનું બનેલું ક્વેડ ગ્રુપ ચીનની વધતી દાદાગીરીને રોકવા માટે સાથે મળીને કામ કરે છે. ભારતમાં સરકારી રાહે કામ ચાલતું હોવાથી બુલેટ ટ્રેનનું કામ ધીમી ગતિએ ચાલે છે તેથી અકળાયેલી જાપાની કંપનીઓએ પ્રોજેક્ટમાંથી ખસી જવાની ચીમકી આપી છે. જયશંકર જાપાનાના વિદેશ પ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા કરશે.
પીએમઓના સૂત્રોના મતે, જાપાનની કંપનીઓને પડતી તકલીફો દૂર કરવા માટે પીએમઓમાં એક ડેસ્ક ઉભી કરાય અને કંપનીઓ તેની સાથે સીધો સંપર્ક કરી શકે એ પ્રકારનું માળખું ગોઠવવાની ઓફર મોદીએ કરી છે. જયશંકરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધીઓ સાથે બેઠકની પણ તૈયારી બતાવી છે કે જેથી તેમનામાં વિશ્વાસનો માહોલ ઉભો કરી શકાય.
શાહ ગૂપચૂપ ઓફિસમાં આવીને જતા રહ્યા
અમિત શાહે લગભગ મહિનાના ગાળા પછી સોમવારે ગૃહ મંત્રાલયમાં હાજરી આપી પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કર્યું. ગૃહ મંત્રાલયના મોટા ભાગના સ્ટાફને પણ શાહ નોર્થ બ્લોકમાં આવેલી ઓફિસમાં આવ્યા છે એ વાતની ખબર ના પડે એ રીતે શાહ ગૂપચૂપ આવીને જતા રહ્યા.
ગૃહ સચિવ અજય ભલ્લા સહિતના કેટલાક સીનિયર અધિકારીઓને જ શાહના આગમનની જાણ કરાઈ હતી. ભલ્લા સહિતના સીનિયર અધિકારીઓ સાથે શાહે બેઠક કરી અને કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા પણ કરી. એઈમ્સમાં ભરતી થયા પછી શાહ પહેલી વાર ઓફિસમાં આવ્યા હતા છતાં તેમણે સ્ટાફને મળવાનું પણ ટાળ્યું.
સામાન્ય રીતે શાહ ઓફિસમાં આવે ત્યારે પત્રકારો સાથે સ્મિતની આપલે કરતા હોય છે પણ આ વખતે પત્રકારોને પણ શાહના આગમન વિશે ખબર ન પડવા દેવાઈ. સૂત્રોના મતે, કોરોનાની સારવાર પછી શાહ સતર્ક થયા છે. ડોક્ટરોએ તેમને હમણાં સાવચેતી ખાતર કોઈ જોખમ નહીં લેવા કે વધારે લોકોના સંપર્કમાં નહીં આવવા કહ્યું છે તેથી એ ચૂપચાપ આવીને જતા રહ્યા.
કમલનાથને હનુમનાજીનું વરદાન મળી ગયું
કેન્દ્રીય ચૂંટણી પંચે મંગળવારે ૧૧ રાજ્યોની ૫૬ વિધાનસભા બેઠકો અને બિહારની એક લોકસભા બેઠકનો કાર્યક્રમ જાહેર કર્યો. ચૂંટણી પંચે મધ્યપ્રદેશની ૨૮ બેઠકોનો કાર્યક્રમ પણ જાહેર કર્યો કે જ્યાં ખરાખરીનો જંગ છે. આ જાહેરાત પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસી નેતા નરેન્દ્ર સલુજાએ કરેલી ટ્વિટની લોકોએ ભારે મજા લીધી.
સલુજાએ ટ્વિટ કરી કે, હનુમાન ભક્ત કમલનાથને જીતનું વરદાન મળી ગયું છે કેમ કે આ આખી ચૂંટણી સાથે મંગળવાર જોડાયેલો છે. ચૂંટણી જાહેર મંગળવારે થઈ છે, મતદાન પણ મંગળવારે થવાનું છે અને પરિણામ પણ મંગળવારે આવશે તેથી કમલનાથ માટે હવે બધું મંગલમય છે.
યુઝર્સે મજાક કરી કે, કમલનાથે પોતાની જીતમાં કોઈ શંકા ના રહે એ માટે પોતાનું નામ પણ બદલીને મંગલનાથ જ કરી નાંખવું જોઈએ ને બધી બેઠકો પર મંગલ નામના ઉમેદવારોને જ ઉતારવા જોઈએ. કેટલાકે કટાક્ષ કર્યો કે, ભાજપ રામનું નામ લેતો ત્યારે કોંગ્રેસ તેને કોમવાદી કહેતી. હવે કોંગ્રેસ રામભક્ત હનુમાનનું નામ જીતવા માટે વટાવે છે ત્યારે શું કહીશું ?
બાબરી ધ્વંશના ચુકાદા પહેલાં ભાજપમાં ઉત્તેજના
બાબરી મસ્જિદ ધ્વંશ કેસનો ચુકાદો આવતી કાલે ૩૦ સપ્ટેમ્બરે આવવાનો છે ત્યારે ભાજપમાં ઉત્તેજનાનો માહોલ છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિતના ભાજપના જૂના દિગ્ગજો આ કેસમાં આરોપી છે. હાલમાં હયાત ૩૨ આરોપીના ભાવિનો ફેંસલો લખનૌની સીબીઆઈ કોર્ટ કરશે.
ભાજપમાં એક વર્ગ માને છે કે, અડવાણી-જોશી સહિતના તમામ આરોપીઓને કોર્ટ છોડી મૂકશે. રામમંદિર વિવાદ કોર્ટના ચુકાદાના કારણે શાંતિથી ઉકેલાઈ ગયો છે ત્યારે નવો વિવાદ ઉભો ના થાય એટલે કોર્ટ ભાજપના નેતાઓને રાહત આપશે. મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ પણ હિંદુ-મુસ્લિમ એકતાને મજબૂત કરવા આરોપીઓને છોડી મૂકવા અપીલ કરી છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે આ કેસમાં લીધેલું વલણ જોતાં કોર્ટનો ચુકાદો અલગ હશે એવું માનનારો વર્ગ પણ છે. અલાહાબાદ હાઈકોર્ટે આરોપીઓ સામેના કાવતરાના આરોપો પડતા મૂક્યા હતા પણ સુપ્રીમ કોર્ટે આ આરોપોને યથાવત રાખવા આદેશ આપ્યો હતો. કોર્ટે આ કેસમાં થઈ રહેલી ઢીલ બદલ સીબીઆઈને બરાબર ઝાટકી હતી. આ કારણે કોર્ટ કોઈને રાહત નહીં આપે.
પી.કે.ની ખોટ પૂરવા નીતિશે છ મહારથીને ઉતાર્યા
નીતિશ કુમારને ૨૦૧૫ની ચૂંટણીમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોર આ વખતે જેડીયુ સાથે નથી. નીતિશ કુમારે પી.કે.ની ખોટ પૂરવા માટે જેડીયુના છ ધુરંધરોને મેદાનમાં ઉતારવા પડયા છે.
લલનસિંહ, આર.સી.પી. સિંહ, વિજય ચૌધરી, વશિષ્ઠ નારાયણ સિંહ, અશોક ચૌધરી અને સંજય ઝા એ છ મહારથીને નીતિશે જેડીયુને જીતાડવાની અને ભાજપ સાથે સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિશના તમામ વ્યૂહરચનાકાર ઉચ્ચ જ્ઞાાતિમાંથી આવે છે એ સૂચક છે.
બીજી તરફ પ્રશાંત કિશોર પણ રાજકીય રીતે સક્રિય નથી અને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પણ એ સક્રિય નથી ત્યારે એ ક્યાં ગાયબ થઈ ગયા એ સવાલ પૂછાઈ રહ્યો છે. પી.કે.એ જુલાઈમાં છેલ્લી કોમેન્ટ કરી હતી અને એ પછી એ દેખાતા જ બંધ થઈ ગયા છે. સૂત્રોના મતે કોંગ્રેસે પી.કે.ને બિહારમાં પોતાના માટે કામ કરવા કહેલું પણ પી.કે.ને કોંગ્રેસ પાસેથી કોઈ આશા નથી. આ કારણે તેમણે મમતા બેનરજીને ફરી જીતાડવાની વ્યૂહરચના અને પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
યુ.પી. ગેંગ રેપ પીડિતાની હોસ્પિટલ બદલાતાં વિવાદ
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગ રેપનો ભોગ બનેલી એસ.સી. યુવતીનું મંગળવારે વહેલી સવારે મોત થઈ ગયું. આ યુવતી પર થયેલા પાશવી અત્યાચારોના કારણે તેને ડોકમાં મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયાં હતાં તેથી તેની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને રવિવારે રાત્રે દિલ્હી ખસેડાઈ હતી.
આ યુવતીને યોગ્ય સારવાર ના મળે તે માટે યુપી પોલીસે પરિવારને અંધારામાં રાખીને હોસ્પિટલ બદલી દીધી હોવાનો વિવાદ શરૂ થયો છે. યુવતીના પરિવારજનોને માહિતી અપાઈ હતી કે, યુવતીને એઈમ્સ લઈ જવાશે પણ તેના બદલે સફદરજંગ હોસ્પિટલ લઈ જવાઈ હતી. સફદરજંગ એઈમ્સની સામે જ આવેલી છે.
યુવતીને બીજી હોસ્પિટલ લઈ જવાઈ છે એવી ખબર ના પડે એટલે એઈમ્સ ખાતે પોલીસનો ખડકલો પણ કરી દેવાયો હતો. એઈમ્સની ગણના દેશની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં થાય છે જ્યારે સફદરજંગ હોસ્પિટલ સરકારી ઢબે ચાલતી હોસ્પિટલ છે. યુવતીની હાલત ખરાબ હતી ત્યારે તેને એઈમ્સમાં લઈ જવાની જરૂર હતી. તેના બદલે કોના આદેશથી બીજી હોસ્પિટલમાં લઈ જવાઈ એ સવાલ ઉભો થયો છે.
* * *
ગંેગરેપની પીડિતા દલિત યુવતીનું અવસાન, યોગીનું મૌન
ઉત્તર પ્રદેશના હાથરસમાં સવર્ણ સમાજના લોકો દ્વારા સામુહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૯ વર્ષની દલિત યુવતીને ન્યાય મળે એ માટે વરિષ્ઠ નાગરિકો, કર્મશીલો, રાજકારણીઓ અને ફિલ્મ કલાકારોએ અવાજ ઉઠાવ્યો હતો, તેમ છતાં મુખ્ય મંત્રી યોગીએ હજુ સુધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી તે બાબત નાગરિકતોને ખુંચે છે. ઉત્તર પ્રદેશના રાજકારણની નિષ્ણાંતો માને છે કે યોગી તો વેબિનાર અને ઓનલાઇન ઉદઘાટનોમાં જ પડયા છે તેમને યુવતીના બળાત્કારની કંઇ પડી નથી. આ ઘટના અને યોગીનું મૌન એવા સમયે સામે આવ્યા જ્યારે રાજ્યમાં ખાસ કરીને નબળા વર્ગના લોકોના બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યાના સમાચારો અવારનવનાર જોવા સાંભળવા મળે છે. બાળકોની હત્યા કરાય છે અને તેમનું શોષણ પણ કરાય છે છતાં યોગી મૌન ધારણ કરીને બેઠા છે. લખીમપુર ખીરી જિલ્લાના સિંગાઇ બ્લોકના મથીયા ગામમાંથી આવા તો અનેક કેસ સામે આવી રહ્યા છે.
તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળકનું બળાત્કાર કર્યા પછી શેરડીના ખેતરમાંથી મૃત્યદેહ મળ્યું હતું.૧૪ ઓગસ્ટે ૧૩ વર્ષની એક બાળકી પર બળાત્કાર ગુજારાયો હતો અને ૨૬ ઓગસ્ટે તેની હત્યા કરાઇ હતી. તેમ છતાં સરકારમાંથી કોઇએ પણ આ ઘટનાના 'યુપીની નિર્ભયા' ગણાવી નહતી. વાસ્તવમાં યોગીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રીનો એવોર્ડ મળતા તેઓ મદમસ્ત બન્યા હોવાનું લોકો કહે છે. જો કે દલિતો અને મહિલાઓ સામેના ઉતપિડનના કેસમાં વધારો થતો જ જાય છે.આટલી ભયંકર ઘટનાઓ બનતી હોવા છતાં યોગી સરકાર માત્ર એકશન પ્લાન બનાવાવમાં જ વ્યસ્ત હોય એવું મનાય છે.
કૃષિબિલઃ માત્ર ટીવી નિવેદનો અને ટ્વિટર જ પુરતા નથી
ભાગ્યેજ એવું બન્યુ હોય કે ૧૮ વિરોધ પક્ષો અને ૩૧ ખેડૂત સંગઠનો મોદી સરકારના કૃષિ કાયદા વિરૂધ્ધ એક સામટા ભેગા થયા હોય. પરંતુ નિષ્ણાંતો પૂછે છે કે કેવી રીતે વિરોધ પક્ષો જનતાને ખેતી લક્ષી સુધારા અંગે જઇને સમજાવશે? ટ્વિટર પર મજબૂતાઇથી વાત કરવી તેમજ સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠા બેઠા ટીવી માટે બાઇટ આપવી પુરતા નથી. બિહાર અને બંગાળમાં આગામી દિવસોમાં યોજાવવાની ચૂંટણીઓ માટે તેમણે મહેનત કરવી પડશે. ઉપરાંત વિપક્ષોમાં એકતાનો પણ અભાવ છે. કોંગ્રેસ પોતાની રીતે દેશ વ્યાપી આંદોલનો કરે છે જ્યારે બાદલ અને ચૌટાલા સિવાય ક્ષેત્રિય પક્ષો આ અંગે ગંભીર હોય એવું દેખાતું નથી.
અકાલી દળની વિદાય નીતીશ માટે આશિર્વાદ
ગયા વર્ષે ભાજપ સાથે છેડો ફાડનાર શિવસેના પછી અકાલી દળે પણ એનડીએના સાથ છોડયા પછી બિહારમાં ચૂંટણીઓની તૈયારીઓ થઇ ચૂકી છે. જદયુ અને એલેજેપી સાથે બેઠકોની વહેંચણીના મુદ્દે કંઇ ચોક્કસ ઉપાય આવ્યો નથી. નીતીશ કુમાર ભાજપના બે નજીકના સાથીઓની વિદાય પછી ભાજપનો સૌથી નજીકનો સાથી પક્ષ બની શકે છે. હવે એનડીએમાં ભાજપના એકમાત્ર વિશ્વાસપાત્ર સાથી જદયુ જ છે. કેન્દ્રમાં ભલે તેઓ મોદી સરકારમાં ભાગીદાર નથી, પણ બિહારમાં એના ૧૫ સાંસદો છે. પંદર વર્ષના શાસન અને સરકાર વિરોધી લોકજુવાળ છતાં નીતીશ કુમાર લોકપ્રિય નેતા મનાય છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment