આંખે બંધ કર લૂં તો મન મેં ભી તૂં હૈ
એમજીઆરથી લઈ ધનુષ, કમલ હાસનથી માંડી સલમાન સુધીના લીડ હીરોનો અવાજ બન્યા
જાવેદ અખ્તરે એસ. પી. બાલાસુબ્રમણ્યમનો એક સરસ કિસ્સો કહેલો, મોહમ્મદ રફીના અવસાન પછી કિશોર કુમાર બોલીવુડમાં ચારેતરફ છવાઈ ગયા હતા. એ સમય ફક્ત એક જ ગાયક એવો હતો જે કિશોર કુમાર સાથે ટક્કર ઝીલી શકે એમ હતો. એ એસ. પી. બાલાસુબ્રમણ્યમ. સાગર ફિલ્મ શૂટ થઈ રહી હતી.
ઋષિ કપૂર અને કિશોર કુમાર પર એક ગીત ફિલ્માવવામાં આવેલું, યૂં હીં ગાતે રહો, યૂં હી મુસ્કુરાતે રહો. ઋષિ કપૂરને કિશોર કુમાર અવાજ આપવાના હતા. સવાલ એ ઊભો થયો કે કમલ હાસનને અવાજ કોણ આપશે? આર. ડી. બર્મન મ્યુઝિક આપી રહ્યા હતા. અમને એસ.પી.ની કાબેલિયત પર શક નહોતો, પણ કિશોર કુમાર જેવી મસ્તી પણ આવવી જોઈએને. એસ. પી. એ જ્યારે ગાયું ત્યારે અમારો આ ડર અલોપ થઈ ગયો.
બંને ગાયકોએ પોતાનો હિસ્સો અલગ-અલગ રેકોર્ડ કરેલો. એસ. પી.નું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ જાવેદ અખ્તરે કિશોર દા પાસે એસ. પી.ના ગાયનના વખાણ કર્યા. કિશોર દા કહે, ચલો દેખતે હૈ.
એ ગીત દ્વારા એસ. પી.એ સાબિત કરી દીધું કે તેઓ દરેક મૂડના ગાયક છે, દરેક ભાષાના પણ. ગીત યુટયુબ પર અવેલેબલ છે. સાંભળશો તો તરત જ અંદાજ આવશે કે કિશોરદાની ઉંમર થઈ ગઈ છે અને એસ.પી. તેમના પર હાવી થતા લાગે છે.
એસ.પી.નો અવાજ મધ ઘોળેલો છે, પણ આ મધ પહાડી મધમાખીઓનું છે. કરાડ ઢોળાવ પર ઊગેલા વૃક્ષમાં બાંધવામાં આવેલા મધપૂડાનું છે. તેમનો તાર સ્વર મોહમ્મદ રફીની યાદ અપાવે છે, પણ તેમના અવાજમાં જે થીકનેસ છે તે તેમને રફીથી ૧૮૦ ડિગ્રીએ જુદા પાડે છે. દક્ષિણ ભારતમાં તેમણે ગાવાનું શરૂ કર્યું તેના દોઢ દાયકા પછી બોલીવુડમાં આવ્યા. તેમની પહેલા યેસુદાસ એન્ટ્રી પાડી ચૂક્યા હતા, કિંતુ યેસુ માત્ર અમોલ પાલેકરનો અવાજ બનીને રહી ગયા.
એસપીએ ૪૦,૦૦૦થી વધુ ગીત ગાયાં છે અને યેસુએ ૮૦,૦૦૦થી ઝાઝા, પણ એસપી બોલીવુડમાં વધારે સફળ થયા. બોલીવુડમાં પાર્શ્વ ગાયનમાં સફળતાના ઉતુંગ શિખરો સર કરનારા પહેલા દક્ષિણ ભારતીય ગાયક.
ભગતે ટુ સ્ટેટ લખી એના દાયકાઓ પહેલા બોલિવુડમાં એક દુજે કે લિયે બનેલી. ઉત્તરની છોકરી અને દક્ષિણના છોકરાની પ્રેમકથા. ફિલ્મ નિર્દેશકે કમલ હાસનના અવાજ તરીકે એસ. પી.ને લેવાનું કહ્યું. સંગીતકાર લક્ષ્મીપ્યારે આ માટે તૈયાર નહોતા. તેમને વાંધો એ હતો કે દક્ષિણ ભારતનો ગાયક સાચા હિંદી ઉચ્ચારણો ન કરી શકે અને ગીતની મજા મરી જાય. તમામ ભય છતાં નિર્દેશકનો આગ્રહ હોવાથી એસ.પી.ને લેવાયા. ને એક દુજે કે લિયેના બધા ગીતો એન્થેમ બની ગયાં.
હમ બને તુમ બને એક દુજે કે લિયે, તેરે મેરે બીચ મેં કૈસા હૈ યે બંધન અંજાના, હમ તુમ દોનો જબ મિલ જાયેંગે. પહેલા જ બોલ પર સિક્સ. ચાર ભાષામાં ગાયેલા ગીતો માટે તેમને નશનલ અવોર્ડ મળેલા છે તેમાંથી એક ભાષા એટલે હિંદી. તેમણે કુલ ૧૬ ભાષામાં ગાયું. ૪૦,૦૦૦ ગીતો તેમણે ગાયા હોવાનું કહેવાય છે, એક્ઝેટ કેટલા ગાયા એ તો તેમને પોતાનેય યાદ નહોતું રહ્યું.
મોહમ્મદ રફીના તેઓ બાળપણથી ફેન હતા. તેમને ખૂબ સાંભળતા. તેમના કારણે જ પાર્શ્વ ગાયન તરફ આકર્ષાયા. આપણે તેમને વોઇસ ઑફ સલમાન તરીકે ઓળખીએ છીએ, પણ એ પહેલા તો તેઓ વોઇસ ઑફ એમજીઆર, વોઇસ ઑફ કમલ હાસન, વોઇસ ઑફ રજનિકાંત બની ચૂક્યા હતા. કમલ હાસનનો તો બોલચાલનો અવાજ પણ એસ.પી. સાથે તદ્દન મળતો આવતો.
કોલેજમાં ભણતા ત્યારે રેડિયો માટે ગાવા ગયેલા. રેડિયો પર તેમણે સ્ત્રીના અવાજમાં એન્કરિંગ કરેલું. આ માટે મિમિક્રી બિલકુલ નહોતી કરી. નવયુવાન હતા ત્યારે તેમનો અવાજ સ્ત્રૈણ હતો. આ વિશે તેમને લગીરે સંકોચ નહોતો. તેમની પ્રતિભા જોઈને આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટર દંગ રહી ગયેલા. એ પહેલા ક્યારેય કોઈ છોકરાએ છોકરીના અવાજમાં રેડિયો પર હોસ્ટિંગ કર્યું નહોતું.
ત્રણે પેઢીના ગાયકોનો અવાજ બન્યા. એમજીઆરનો અવાજ પણ હતા અને ધનુષનો અવાજ પણ બન્યા. વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું. દશાવતારમાં કમલ હાસનના રોલ્સનું ડબિંગ કરેલું. ગાંધી ફિલ્મના તમિલ વર્ઝનમાં બેન કિંગ્સલેને અવાજ આપેલો. અનિલ કપૂરની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેમનો અવાજ બનેલા.
સલમાન માટે ઘણા બધા ગીતો ગાયા, પણ એક સમય એવો આવ્યો જ્યારે સલમાને તેમને પડતા મૂકી દીધા. આ સલમાન ૯૦ના દશકના સલમાન કરતા જુદો હતો. બોલીવુડ હવે એવા સમયમાં પ્રવેશી ચૂક્યું હતું જેમાં કોના માટે કોણ ગાશે તેનું મહત્ત્વ ઘટી ગયું હતું. એટલે જ હવે કોઈ સિંગર કોઈ હીરોના વોઇસ તરીકે નથી ઓળખાતો. આજે પણ સારા ગીતો આવે છે, પણ યાદ રહેતા નથી. કારણ કે તે જેના પર ફિલ્માવવામાં આવે છે તેની સાથે કોઈ તાલમેલ હોતો નથી. પહેલાના ગાયકો કોણ હીરો છે, તેનો સ્વભાવ કેવો છે, ફિલ્મનો મૂડ કેવો છે એ બધું ધ્યાને લઈને ગાતા.
તેથી ગીતમાં એક અનુસંધાન આવતું. હવે તે નથી આવતું. દેવ આનંદનો કિશોર કુમાર જુદો હોય, રાજેશ ખન્નાનો જુદો હોય, અમિતાભ બચ્ચનનો જુદો હોય તેમ એસ. પી. પણ રજનિકાન્ત માટે અને કમલ હાસન માટે અલગ-અલગ અવાજમાં ગાતા. આજે આ સજ્જતા ગાયબ થઈ ગઈ છે. પ્રોફશનલિઝમ વધે તેમ ક્વોલિટી વધવી જોઈએ, તેના બદલે ઊલટું થઈ રહ્યું છે.
૪૦,૦૦૦માંથી બોલીવુડમાં તેમણે ૧૦ ટકા ગીતોય નહીં ગાયા હોય. તોય આજે તેમના જવાથી બોલીવુડને તેમને ખોટ લાગે તે તેમની સિદ્ધિ છે. તેમણે બોલીવુડમાં ઓછું ગાયું, પણ જેટલું ગાયું તેટલું યાદગાર. તેઓ એન્જિનિયર બનવા માગતા હતા અને બની ગયા ગાયક. આને જ ડેસ્ટિની કહે છે. જે લખેલું છે એ થાય છે. અપાર મહેનત કરો તો સફળતા મળે એ સાાચું પણ એય લખેલુંહોવું જોઈએ.
લખેલું હોય તો ઈતિહાસ લખાઈ જાય છે. જેમ કે... આતે જાતે... હસતે ગાતે... સોચા થા મૈને મન કહી બાર... કેવું અદ્ભુત! આખો મેં તૂં હૈ, આંસુ મેં તું હૈ, આખેં બંધ કર લૂં તો મન મેં ભી તૂં હૈ... જે ફેફસાં તેમના અવાજને ચાંદ સુધી લઈ જવામાં મદદ કરતા હતા એ જ ફેફસાંએ તેમનો સાથ છોડયો. કોરોનાથી તેમનું અવસાન થયું. દુઃખ થાય, પણ સાથોસાથ એક વખત એવોય વિચાર આવે કે તેઓ વેળાસર જતા રહ્યા.
અત્યારનું ભારત પહેલા જેવું રહ્યું નથી. હવે પ્રતિભાઓ પર હુમલા વધી ગયા છે. વિચારધારાની લડાઈ બળકટ બની હતી ત્યાં સુધી તો હજીય સહ્ય હતું, હવે મારા સિવાય કોઈ હીરો નહીંનું આંદોલન શરૂ થયું છે. પ્રતિમાઓની જેમ જ પ્રતિભાઓનું ખંડન થઈ રહ્યું છે. એ મોરારિ બાપુ હોય કે પછી દિપિકા પાદૂકોણ, બધાને ડાઉનસાઇઝ કરવામાં આવી રહ્યા છે.
નવા પ્રકારના મૂર્તિ ભંજકો સત્તામાં આવ્યા છે. તેમનો ઉદ્દેશ એક જ છે, મારા સિવાય કોઈ હીરો ન હોવો જોઈએ. હું એક જ નાયક અને બીજા બધાય સામાન્ય માણસ. મારી હાઈટ ૧૨ ફુટ, બીજા બધાની ઊંચાઈ પાંચ ફુટ આઠ ઇંચ.
નાયકનું નાયકત્વ સોફ્ટ પાવર છે. બે દેશોના સંબંધમાં તેની ભૂમિકા હોય છે, પણ એવું વર્તમાન શાસકોને પસંદ નથી. કારણ કે તેમને પસંદ નથી કે કોઈ તેમના કરતા મોટો રોલ કરે. કોઈ એક વિચારધારાના લોકોની નાસમજદારી માટે અને કોઈ એક વ્યક્તિનો અહમ સંતોષવા આવું કરવામાં આવે એ ઠીક નથી.
એસ.પી. બાલાસુબ્રમણ્યમના જવાથી દુઃખ થયું, પણ તેઓ વેળાસર જતા રહ્યા. તેમની ઇમેજ પર કોઈ કાદવ ઉછાળવાની પોલિટિકલ ચેષ્ટા થાય એ પહેલા જતા રહ્યા.
જીકે જંકશન
- દર વર્ષે ૨૮મી સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ મનાવવામાં આવે છે. ફ્રાંસના પ્રસિદ્ધ રસાયણજ્ઞા અને સૂક્ષ્મજીવ વિજ્ઞાાની લુઇસ પાશ્ચરે સૌપ્રથમ હડકવાની રસી શોધેલી. ૨૮મી સપ્ટેમ્બરે તેમનો જન્મ દિવસ હોવાથી દર વર્ષે આ દિવસે અભિયાન ચલાવી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાય છે.
- લેબેનોનના નવનિયુક્ત વડા પ્રધાન મુસ્તફા અદીબે રાજીનામું આપી દીધું હતું. બેરુતમાં વિસ્ફોટ થયો ત્યારથી ત્યાં રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે. મહારાષ્ટ્ર સરકારે લૂઝ સિગારેટ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકામાં પણ લૂઝ સિગારેટ વેચી શકાતી નથી. લૂઝ સિગારેટને કારણે ટેક્સ ચોરી થાય છે.
- કેન્દ્ર સરકારે તમિલનાડુમાં ન્યુટ્રીનો વેધશાળા સ્થાપવાની ઘોષણા કરી છે. કર્ણાટકના મૂર્ધન્ય સાહિત્યકાર જી. એસ. અમુરનું તાજેતરમાં નિધન થયું હતું. તેમણે અંગ્રેજી અને કન્નડ ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન કરેલું.
- મહારાષ્ટ્રના રાજ્યપાલે આયુર્વેદિક કિમો રીકવરી કિટનું લોકાર્પણ કર્યું હતું. ડૉ.કૃષ્ણા સક્સેનાએ પુસ્તક લખ્યું છે અ બૂકે ઑફ ફ્લાવર્સ. તાજેતરમાં તેનું વિમોચન રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
- એનસીએઇઆર (ધ નેશનલ કાઉન્સીલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રીસર્ચ)ના મત પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતની જીડીપી -૧૨.૨૧ ટકા રહેશે. ઓડિશા રાજ્ય સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા બાય રોડ અભિયાન શરૂ કર્યું છે.
- ફેસબુકે નાના વ્યવસાયોની મદદ માટે બિઝનેસ સ્યુટ નામનું ફીચર લોન્ચ કર્યું છે. ફિનલેન્ડના રેસિંગ ડ્રાઇવર વોલ્ટરી બોટાસ રશિયન ગ્રાન્ડ પ્રીક્સ ૨૦૨૦માં વિજેતા બન્યા છે.
- રસાયણ અને ખાતર મંત્રાલયે દેશમાં ૧૦ પ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે. દર વર્ષે ૨૬મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પરમાણું હથિયાર નાબૂદી દિવસ મનાવવામાં આવે છે. કેરળ સરકારને બિનચેપી રોગો અટકાવવા માટે પુરસ્કૃત કરવામાં આવી છે.
- જાણીતા વિજ્ઞાાની શેખર બસુનું અવસાન થયું છે. આસામ સરકારે ટુરિઝમ ઉદ્યોગને પુનઃજીવિત કરવા માટે લોન આપવાની ઘોષણા કરી છે. કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગને સખત નુકસાન થયું છે.
- પશ્ચિમ બંગાળની સરકારે દુર્ગાપૂજા સમિતિઓને રૂા.૫૦,૦૦૦નું ડોનેશન આપવાની ઘોષણા કરી છે. બાહ એનડૉને માલીના રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવ્યા છે.
આજની નવી જોક
લીલી (છગનને): તમે તો કથા સાંભળવા ગયા હતાને? તો આવીને મને ઊંચકી કેમ લીધી?
છગનઃ ગુરુજી કહે છે, તમારા દુઃખનો ભાર તમારે જાતે ઉપાડવો પડશે.
લીલીઃ હેં!?
Comments
Post a Comment