દિલ્હીની વાત : મોદીએ બિહારનું પ્રવચન યુ.એન.માં આપી દીધું ?


નવીદિલ્હી, તા.26 સપ્ટેમ્બર 2020, શનિવાર

નરેન્દ્ર મોદીના યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના પ્રવચન વિશે લોકોમાં ભારે ઉત્તેજના હતી પણ મોદીના પ્રવચનમાં એકાદ-બે મુદ્દાને બાદ કરતાં કશું નવું નહોતું, મોદીએ યુ.એન. સીક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદથી ભારતને ક્યાં સુધી વંચિત રખાશે એ મુદ્દો ઉઠાવ્યો. કોરોના રોગચાળાથી વિશ્વને બચાવવા માટે યુનાઈટેડ નેશન્સે શું કર્યું એવો સવાલ પણ તેમણે કર્યો.

આ બંને મુદ્દા સમયસરના છે પણ એ સિવાય તેમણે મોટા ભાગનો સમય તો પોતાની સરકારે ભારતમાં પાંચ વર્ષમાં શું કર્યું તેની વાતો જ કરતાં મોદી યુનાઈટેડ નેશન્સના બદલે ચૂંટણી સભામાં બોલતા હોય એવું વધારે લાગતું હતું.

મોદીનું આ પ્રવચન પહેલાંથી રેકોર્ડ કરી રખાયેલું હતું. તેના કારણે સોશિયલ મીડિયા પર તો એવી જોક પણ ચાલી કે, મોદીએ ભૂલથી બિહારની ચૂંટણી સભા માટેનું રેકોડગ યુ.એન.માં નથી મોકલી આપ્યું ને ?

વિશ્લેષકોના મતે, મોદીએ ચીન સાથેના સંઘર્ષને વૈશ્વિક સ્તરે ઉઠાવી ચીનને ખુલ્લુ પાડવાના બદલે યુ.એન.નો ઉપયોગ પણ પોતાની વ્યક્તિગત ઈમેજ મજબૂત કરવા માટે કર્યો છે.

નડ્ડાની ટીમ પર શાહ નહીં, મોદીનો સિક્કો

જે.પી. નડ્ડાએ અંતે ભાજપની નવી ટીમ જાહેર કરી દીધી. નડ્ડા અમિત શાહની જ ટીમને મોટા ભાગે જાળવશે એવું મનાતું હતું. તેના બદલે નડ્ડાએ ધરમૂળથી ફેરફારો કરીને નવી જ ટીમ બનાવી છે અને શાહની નજીક ગણાતા મોટા ભાગના માણસોને દરવાજો બતાવી દીધો છે. જમાલ સિદ્દીકી, તેજસ્વી સૂર્યા, લાલસિંહ આર્ય સહિતના મોરચા પ્રમુખો શાહના વફાદારોને ખસેડીને આવ્યા છે.

ભાજપનાં સૂત્રોના મતે, નડ્ડાની નવી ટીમ એ વાતનો સંકેત છે કે હવે ભાજપ સંગઠન હવે શાહના ઈશારે નહીં પણ સીધું મોદીની સૂચનાથી કામ કરશે. શાહે પોતાના વફાદારોને સંગઠનમાં મૂક્યા હતા. મોદીએ જે રાજ્યોમાં ભાજપ મજબૂત નથી એ રાજ્યોના નેતાઓને મહત્વ આપ્યું છે. કેરળના અબ્દુલ્લા કુટ્ટી  ઉપપ્રમુખ અને આંધ્ર પ્રદેશનાં ડી. પુરંદેશ્વરી  મહામંત્રી આ વ્યૂહરચનાના ભાગરૂપે નિમાયાં છે.

સંઘના રામ માધવ અને મુરલીધર રાવને પડતા મૂકાયા તેનું સૌને આશ્ચર્ય છે પણ સૂત્રોના મતે બંનેને મોદી સરકારમાં પ્રધાન બનાવાશે. રામ માધવને તો કાશ્મીરમાં લેફ્નનન્ટ ગવર્નરના સલાહકાર બનાવાશે એવી પણ અટકળો ચાલી રહી છે.

મનમોહને કોંગ્રેસી નેતાઓને ઘરે ના આવવા દીધા

ડો. મનમોહનસિંહે શનિવારે બર્થ ડે પરિવાર સાથે શાંતિથી ઉજવ્યો. ૮૮ વર્ષ પૂરાં કરનારા મનમોહનને પક્ષીય રાજકારણને બાજુ પર મૂકીને નેતાઓએ શુભેચ્છા આપી. કોંગ્રેસના કેટલાક નેતા મનમોહનસિંહને ઘરે જઈને શુભેચ્છા પાઠવવા માગતા હતા પણ મનમોહને નમ્રતાથી ઘરે આવવાના બદલે ફોન પર જ શુભેચ્છાનો સ્વીકાર કરી લીધો.

સૂત્રોના મતે, મનમોહનને મળવા આવવાની ઈચ્છા વ્યક્ત કરનારામાં મનિષ તિવારી સહિતના તેમના જૂના કેબિનેટ સાથીઓ હતા. આ નેતાઓ ઘરે આવે તેના કારણે નવી અટકળો શરૂ થાય એવું મનમોહન ઈચ્છતા નથી.

સૂત્રોના મતે, સીડબલ્યુસીની બેઠકમાં યુવા નેતાઓએ યુપીએ સરકારને નિશાન બનાવીને કરેલા પ્રહારો પછી મનમોહન ડિસ્ટર્બ છે. કોંગ્રેસની અવદશા માટે પોતાને કે પોતાની સરકારને જવાબદાર ગણાવાય છે એ યોગ્ય નથી એવું તેમનું માનવું છે. સોનિયા ગાંધીએ કરેલા ઉપકારો તથા તેમનામાં મૂકેલા વિશ્વાસના કારણે એ કોંગ્રેસથી સાવ અલિપ્ત થઈ શકે તેમ નથી પણ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થઈને ફરી અપમાનિત થવાની પણ તેમની ઈચ્છા નથી  તેથી પોતાના સ્વભાવથી વિપરિત તેમણે જૂના સાથીઓથી અંતર જાળવ્યું.

ગુજરાતની તમિલ સ્કૂલને મુદ્દે મોદી મૂંઝવણમાં

ગુજરાતની એક માત્ર તમિલ માધ્યમની સ્કૂલ બંધ થઈ એ મુદ્દે મોદી સરકાર મૂંઝવણમાં છે.  અમદાવાદની આ ખાનગી સ્કૂલ પૂરતા વિદ્યાર્થીઓ નહીં હોવાના કારણસર બંધ કરી દેવાઈ છે.  ડીએમકેએ મોદીને પત્ર લખીને આ સ્કૂલ ચાલુ રહે એ જોવા વિનંતી કરી છે. એ. રાજાએ મોદીને લખ્યું છે કે, મોદી પોતાના પ્રવચનોમાં તમિલ કવિઓને વારંવાર ટાંકે છે ત્યારે તેમના વતનમાં તમિલ માધ્યમની સ્કૂલ બંધ થાય એ શરમજનક કહેવાય. મોદીએ પોતાની વગ વાપરીને એવું ના થવા દેવું જોઈએ.

બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ પણ મોદીને પત્ર લખીને આ સ્કૂલનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી છે. રાજા અને પલાનીસ્વામી બંનેએ ગુજરાત સરકારને પણ પત્ર લખ્યા છે.

પલાનીસ્વામી ભાજપના સાથી છે તેથી તેમની સરકાર ખર્ચ ઉઠાવે તો ડીએમકે તમિલનાડુમાં આ મુદ્દાને ગજવીને મોદીને તમિલ વિરોધી ચિતરવામાં કોઈ કસર ના છોડે. મોદી ગુજરાત સરકારને આ સ્કૂલનો ખર્ચ ઉઠાવવા આદેશ આપે તો બીજી ભાષાની સ્કૂલો મદદ માટે લાઈન લગાવી દે તેથી મોદી સરકાર મૂંઝવણમાં છે.

બંગાળમાં શાખાઓ ઘટતાં ભાગવત ભાજપથી નારાજ

ભાજપની પિતૃ સંસ્થા આરએસએસના વડા મોહન ભાગવત કોલકાત્તાની બે દિવસ પછી ભાજપથી નારાજ છે. ભાગવતે બંગાળમાં સંઘે કુદરતી આફતો અને લોકડાઉનના સમયમાં કરેલી કામગીરીની સમીક્ષા કરીને સંતોષ વ્યક્ત કર્યો પણ સંઘને ભાજપ તરફથી યોગ્ય સહકાર નથી મળી રહ્યો એ મુદ્દે ભાગવત નારાજ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપને સત્તામાં લાવવા માટે સંઘે પૂરી તાકાત લગાવી દીધી છે પણ ભાજપ સંઘને મદદ કરતો નથી એવી વ્યાપક ફરિયાદો ભાગવતને મળી. તેના કારણે સંઘની શાખાઓ ધીરે ધીરે ઘટી રહી છે. ૨૦૧૯માં બંગાળમાં સંઘની ૧૪૦૦ શાખાઓ ચાલતી હતી અને અત્યારે એ ઘટીને ૫૦૦ થઈ ગઈ છે.

સંઘના નેતાઓની ફરિયાદ છે કે, ભાજપ બંગાળમાં મોટા પાયે બીજા પક્ષના લોકોને ભરી રહ્યો છે અને તેમને સંઘને મદદ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં કોઈ રસ નથી તેનું આ પરિણામ છે.

ભાગવતે બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય મારફતે પોતાની નારાજગી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડી હોવાનું કહેવાય છે.

માંઝીને ઝેડ પ્લસથી ભાજપના નેતા પણ નારાજ

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને નીતિશ સરકારે ઝેડ પ્લસ સીક્યોરિટી આપતાં એનડીએનું ઘમાસાણ ઉગ્ર બન્યું છે. નીતિશ માંઝી પર વરસી પડતાં ભાજપના નેતા પણ નારાજ છે. તેમના મતે, માંઝી પર કોઈ નવો ખતરો ઉભો થયો નથી કે તેમની સુરક્ષા વધારવી પડે. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન અને નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને ઝેટ કેટેગરીની સુરક્ષા છે. બિહારના બીજા કેન્દ્રીય પ્રધાનોને તો વાય કેટેગરીની સુરક્ષા છે ત્યારે માંઝીને વધારે મહત્વ આપી દેવાયું છે.

ભાજપના મતે નીતિશ માંઝીને વણજોઈતું મહત્વ આપીને ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યા છે. ભાજપને પણ પોતે બોસ છે એવો અહેસાસ કરાવી રહ્યા છે.

નીતિશ સરકારના આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર મજાક પણ ચાલી રહી છે. મોદી સરકારે તાજેતરમાં કંગના રાણાવતને વાય પ્લસ સીક્યોરિટી આપી છે. યુઝર્સ મજાક કરી રહ્યા છે કે, કંગનાએ ભાજપભક્તિના બદલે નીતિશની ભક્તિ કરવાની જરૂર છે. ભાજપની આટલી ચાપલૂસી પછી કંગના વાય પ્લસમાં આવી ને માંઝી સીધા ઝેડ પ્લસ થઈ ગયા.

***

પીએમ કેર્સ ફંડ કેમ પારદર્શક નથી?

ચાલુ સપ્તાહમાં સંસદમાં પાસ કરાયેલા ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ,૨૦૨૦ (ઓફસીઆરએ)ના કારણે નાના અને મોટા સ્વંય સેવી સંગઠનોની ચિંતામાં વધારો કર્યો હતો.તેઓ માને છે કે આના કારણે તેમની સંસ્થાઓ લોકોની નજરે  માત્ર ખરાબ જ નહીં બને બલકે,મોટા એકમોમાંથી નાના એકમોને ટ્રાન્સફર કરાતી રકમને રોકી દેવામાં આવશે અને તેમના અસ્તીત્વના સવાલ ઊભા કરશે.આ મુદ્દે એક વેબિનારમાં બોલતાં પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના વડા પુનમ મુતરેજાએ કહ્યું હતું કે આ બિલના કારણે એનજીઓમાં અવિશ્વાસની ભાવના ઊભી થઇ હતી.

તો બીજી તરફ,સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ફિલાનથ્રોપીના વડા ઇન્ગ્રીડ શ્રીનાથને પૂછ્યું હતું 'પણ ઇલ્કટ્રોલ બોન્ડ મારફતે આવેલા રૂપિયા ૬૦૦૦ કરોડનું શું?એ તો વિદેશોમાંથી મોકલવામાં આવ્યા હતા.એ તો ક્યાંય દેખાતા નથી, ઉપરાંત પીએમ કેર્સ ફંડના રૂપિયા ૯૬૦૦ કરોડનો હિસાબ કોણ જોશે?એમાં પણ વિદેશથી પૈસા આવ્યા હતા અને તેને તો એફસીઆરએમાંથી મૂક્તિ પણ અપાઇ હતી?

મને ચિરાગ પાસવાનની ચિંતા નથીઃનીતીશ કુમાર

બિહારના મુખ્યમંત્રી અને જદયુના વડા નીતીશ કુમારે આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સાથી પક્ષોના વલણ અંગે તેઓ થોભો અને રાહ જુઓની નિતી અપનાવશે.એક સમારંભમાં જદયુના વડાએ કહ્યું હતું ગઠબંધનના સાથી એલજેપીની હું જરાય પરવાહ કરતો નથી.'મારી પીઠ પાછળ ચિરાગ પાસવાન શું કરે છે તેની મને ચિંતા નથી. લોકો શું કહે છે તેની પણ મને ચિંતા નથી.હું તો મારા કાર્યક્રમો પર ધ્યાન આપું છું'.તેમણે વધુમાં કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે એનડીએના તમામ સાથી પક્ષો ભેગા મળીને ચૂંટણી લડે અને જીતે. તો આ તરફ પાસવાનના પક્ષે નીતીશના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો હતો.

શું ભારત ચીન સાથે યુધ્ધ માટે તૈયાર છે?સુબ્રમણ્યમ સ્વામી

રાજ્યસભાના સાંસદ વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે કુખ્યાત છે. તેઓ પોતાના પક્ષ વિરૂધ્ધ બોલતા પણ ખચકાતા  નથી. સુશાંત સિંહની બાબત હોય કે ભારત-ચીન વચ્ચેની તંગદિલી.તેઓ બોલતા જ હોય છે.ચીન સાથેના સંઘર્ષ બદલ વ્હાઇટ પેપર અંગે તેમણે ટ્વિટર પર પોતાની વાત કહી હતી. 'ચીન સાથેના સંઘર્ષ અંગે વ્હાઇટ પેપર જારી કરવામાં શું વાધો છે? સમસ્યા આપણી છે અને તે એ કે હાલમાં આપણે ત્યાં ફસાઇ ગયા છીએ. શું ભારત ચીન સાથે યુધ્ધ માટે તૈયાર છે?' ઉલ્લેખનીય છે કે વ્હાઇટ પેપરનો અર્થ એ થયો કે સરકાર કોઇ એક મુદ્દે તેની ભાવિ યોજનાઓ અંગે માહિતી અને વિગતો આપે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો