બકરા સમાજે ગાંધીજીની બકરી નિર્મલાના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી


બકરાસમાજના ઓફિશ્યલ ફેસબુક પેજ 'બેંએએ બેંએએ'માં પોસ્ટ અપડેટ થઈ : 'મહાત્મા ગાંધીજીનો હેપ્પી બર્થ ડે આવી રહ્યો હોવાથી આપણા સમાજની એક બેઠક મળશે. સ્થળ અને સમયની વિગતો સૌથી છેલ્લે આપવામાં આવી છે. 'ગાંધીજીએ આપણાં સમાજને આપેલું સમ્માન' એવા વિષય પર ચર્ચા થશે. એ પછી ગાંધીજીની બકરી 'નિર્મલા'ને પણ આ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે'

સોશિયલ મીડિયાના માધ્યમથી બકરાસમાજના સભ્યો સુધી આ પોસ્ટ પહોંચી ગઈ. ગાંધીજયંતીની પૂર્વસંધ્યાએ આખોય બકરાસમાજ નિયત સ્થળે એકઠો થઈ ગયો હતો. નક્કી કરેલા સમયે બેઠક શરૂ થઈ.

'બેંએએએએ બેંએએએએએ'ના અવાજથી બકરાસમાજના બધા જ સભ્યોએ એકબીજાનું અભિવાદન કર્યું.

'આપ સૌની મોટી સંખ્યામાં હાજરી જોઈને આનંદ થયો' બકરાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ (કાર્યકારી પ્રમુખ) બાબાલાલ બકરાએ હાજર સભ્યોનું સ્વાગત કર્યું.

'બકરીઓ પણ આટલી મોટી સંખ્યામાં કામ-કાજ મૂકીને આવી છે તે સારી વાત છે. આવા સંમેલનોમાં ભાગ લેવો જ જોઈએ.' સમાજની મહિલાપાંખના સંયોજક બકુલાબેન બકરીએ બકરીઓને સંબોધીને કહ્યું.

બાબાલાલ બકરા સમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ બન્યા તે પછી બકરાસમાજે તેમનાં શ્રીમતિજી બકુલાબેન બકરીને મહિલાપાંખનું સુકાન સોંપ્યું હતું. પતિ-પત્નીને જવાબદારી સોંપી હોય તો નવરાશના સમયમાં બંને સમાજના હિતનું વિચાર્યા કરે - એમ વિચારીને સમાજના વડીલોએ એક જ ઘરમાં મહત્વની જવાબદારી સોંપી હતી. આ બંનેના ટીકાકારો સગાવાદના મુદ્દે ટીકા પણ કરતા હતા, પરંતુ બકુલાબેન તો બાબાલાલને ય ગણકારતા હોય ત્યારે ટીકાકારોને તો શાના ગણકારે?

'આજે આપણે ગાંધીજીને યાદ કરવા ભેગા થયા છીએ' બાબાલાલ બકરાએ બેઠકનો મુખ્ય એજન્ડા જણાવીને ઉમેર્યું : 'ગાંધીજીએ આપણાં સમાજને આપેલું સમ્માન - એવા વિષય પણ આપણે સૌ મળીને ચર્ચા પણ કરીશું'

'ગાંધીજી તો ગાંધીજી હતા' સાવ છેલ્લેથી કોઈનો અવાજ સંભળાયો.

'ગાંધીજીએ આપણને ગાય-ભેંસની લગોલગ સમ્માન આપીને જંગલના મુખ્યપ્રવાહ સાથે જોડવાનું કામ કર્યું હતું' મંચ ઉપર જગ્યા મેળવનારા બકરાસમાજના પૂર્વપ્રમુખ બકરાભાઈ બાધોડકાએ કહ્યું. પૂર્વપ્રમુખ બાધોડકાજીની ઉંમર થઈ ગઈ હતી એટલે તેમણે થોડાં સમય પહેલાં જ નિવૃત્તિ લીધી હતી. એમના સમયગાળામાં મોટા શિંગડા ધરાવતા 'બાધોડકા બકરા'નું એક ગુ્રપ તૈયાર થયું હતું. તેમણે બકરાસમાજને જરૂર પડયે શિંગડાં ભેરવવાનું શીખવ્યું હતું. બકરાસમાજે એ પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને 'બાધોડકા'ની પદવી આપી હતી.

'તેમણે આપણને કેવી રીતે સમ્માન આપ્યું હતું?' યુવા બકરાઓના ગુ્રપમાંથી સવાલ આવ્યો.

'સારો સવાલ છે. જો ખબર ન હોય તો જાણકારી મેળવવામાં કોઈ સંકોચ રાખવો ન જોઈએ' બાબાલાલ બકરાએ સવાલ કરનારા બકરાઓ તરફ જોઈને આગળ ચલાવ્યું : 'ઘરડા બકરાઓ પાસેથી સાંભળ્યું છે એ તમને કહી સંભળાવું છું. આપણી પડદાદી નસીબદાર હતી કે તેમને ગાંધીજીની નજીક રહેવા મળ્યું. જે સમયે જંગલવાસીઓ ગાય-ભેંસના દૂધને જ મહત્વનું ગણતા એ વખતે ગાંધીજીએ બકરીનું દૂધ પીને આપણાં આખા સમાજની છાતી ગજગજ ફૂલાવી દીધી હતી.

પછી તો જંગલમાં કેટલાય જંગલવાસીઓ બકરીઓને સાથે રાખતા થયા હતા. બકરીનું દૂધ જાહેરમાં પીતા હતા. બકરીના દૂધનું સ્વાસ્થ્યમાં કેટલું મહત્વ છે - એવાં વિષયો અંગે ચર્ચા થવા લાગી હતી. સ્વાસ્થ્યવર્ધક બકરીનું દૂધ એવાં હેડિંગ સાથે લેખો પણ પ્રસિદ્ધ થવા લાગ્યા હતા.'

'ગાંધીજીએ જેનું દૂધ પીધું હોય એ બકરી કેટલી લકી હશે!' બકરીઓએ અંદરો અંદર ગણગણાટ કર્યો.

બાબાલાલે આગળ ચલાવ્યું : 'આ આપણાં પડદાદી લકી તો હતાં. કહે છે કે તેમણે ગાંધીજી સાથે છેક પૃથ્વીના બીજા છેડે આવેલા બ્રિટનના જંગલનો પ્રવાસ કર્યો હતો.'

'ગાંધીજી એ જંગલમાં કેમ ગયા હતા?' એક યુવા બકરાને વિસ્મય થયું.

'ગાંધીજીને કંઈક કામ પડયું હશે એટલે ગયા હશે, પણ આપણી પડદાદીને સાથે લઈ ગયા એ કેટલી મોટી વાત છે?' પૂર્વપ્રમુખ બાધોડકાજીએ ઉમેર્યું : 'ગાંધીજી સાથે પ્રવાસ કરનારી આપણી પડદાદી બકરીનું નામ નિર્મલા હતું. વિદેશના જંગલના પ્રવાસ કરનારા નિર્મલાજી આ જંગલના પ્રથમ બકરી હતાં. સારું થયું કે આપણાં બકરાસમાજે તેમને નાત બહાર મૂક્યા ન હતા. નહીંતર ગાંધીજી પહેલી વખત વિદેશ ગયા ત્યારે તેમને નાત બહાર મૂકાયા હતા બોલો!'

'તો તો એ વખતે પડદાદી નિર્મલાનું આપણાં સમાજે સમ્માન કર્યું હશેને?' બકુલાબેન બકરીએ કૂતુહલથી બાધોડકાજી સામે જોઈને પૂછ્યું.

'ત્યારે આપણો સમાજ આજના જેટલો શિક્ષિત ન હતો! સક્ષમ પણ ન હતો. હવે બકરીઓનું દૂધ વેચાતું થયું હોવાથી આપણો સમાજ થોડો સદ્ધર થયો છે. એ વખતે તો ગણ્યા-ગાંઠયાં જંગલવાસીઓ જ આપણી જાળવણી કરીને મહત્વ સમજતા હતા. વૈજ્ઞાાનિક રીતે આપણાં સમાજનું મહત્વ સિદ્ધ થયું ન હતું એટલે જંગલવાસીઓ ગાય-ભેંસ જેટલું મહત્વ બીજા કોઈને ખાસ આપતા ન હતા.'

'આપણાં બકરાઓને બિચારાઓને ખબર જ નહોતી પડતી કે આ રીતે વિદેશમાં જવું એ મોટી વાત છે. પણ એ પછીની પેઢીને જેમ જેમ સમજાતું ગયું કે વિદેશના જંગલોમાં જવું કેટલું અઘરું છે તેમ તેમ નિર્મલાને વધારે માન-પાન મળવા લાગ્યાં' બાબાલાલ બકરાએ બાધોડકાજીની વાતમાં ઉમેરો કર્યો.

'મેં તો હમણાં જ એક પુસ્તકમાં વાંચ્યું કે બ્રિટનના જંગલમાં નિર્મલાદાદી ગયા એ વખતે ગાંધીજી સાથેના ફોટોઝ પણ અખબારોમાં આવ્યા હતા. બ્રિટનના જંગલવાસીઓને તો ભારે આશ્વર્ય થયું હતું.' નવી પેઢીના એક ભણેલા-ગણેલા બકરાએ નવી માહિતી આપીને બધાનું ધ્યાન ખેંચ્યું. ઘણી યુવાન બકરીઓએ એ તેજસ્વી યુવા બકરા સામે ગરદન લાંબી કરી કરીને જોઈ લીધું.

બાબાલાલ બકરાએ એ બકરાને તેનો પરિચય આપવાનું કહ્યું. એ યુવા બકરાએ મોટેથી તેનું નામ જણાવ્યું : ગૌરવ ગોટ. એ બકરાનું નામ સાંભળીને ઘણી બકરીઓએ ઈન્સ્ટામાં તેને શોધીને ફોલો કરવાનું શરૂ કરી દીધું. કેટલીક અતિ ઉત્સાહી બકરીઓએ તો 'હાય'નો મેસેજ પણ કરી દીધો.

'મને એક સવાલ એ થાય છે કે નિર્મલાદાદીની આટલી મહેનત પછીય આપણને ગાય જેટલું સમ્માન કેમ નથી મળ્યું?' ભણેલા-ગણેલા ગૌરવ ગોટે સમાજના આગેવાનો સામે જોઈને બીજો સવાલ પણ કર્યો : 'જંગલમાં નિર્મલાદાદીની વાત અંગે જાગૃતિ કેમ નથી?'

એ સવાલોનો જવાબ આપવા બાધોડકાજી કંઈક બોલવા જતા હતા ત્યાં ૨૦ વર્ષની પાકટ વયે પહોંચી ગયેલા એક વયોવૃદ્ધ બકરાએ ઉભા થઈને કટાક્ષ કર્યો : 'અરે ભાઈ, આ જંગલમાં ગાયની વાત અલગ છે. ગાયસમાજ સાથે તું આપણી સરખામણી ન કર. ને બીજી વાત, જંગલમાં નિર્મલાદાદી વિશે ખાસ કોઈ જાણતું નથી એમાં ચિંતા કરવાની જરૂર નથી.

ગાંધીજી વિશેય જંગલવાસીઓ ક્યાં ખાસ કંઈ જાણે છે? એટલે તો આ તમારું નવું નવું કંઈક વોટ્સએપ આવ્યું છે એમાં દરરોજ એકાદ જૂઠાણું ચાલે છે અને એને ઈતિહાસ માનીને તમારી પેઢી એને ઉત્સાહભેર ફોરવર્ડ કરે છે. હું તો કહું છું કે ગાંધીજયંતીએ ગાંધીજીને યાદ ન કરો તો કંઈ નહીં, પણ તેમના વિશે જૂઠાણાં ફોરવર્ડ ન કરો તોય ઘણું છે'

'તમારી વાત સાચી હશે, પણ હું તો નિર્મલાદાદીના જીવન અંગે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીશ અને જંગલમાં જાગૃતિ લાવીશ'

ગૌરવ ગોટની વાતને આખાય બકરાસમાજે વધાવી લીધી. 'બેંએએએ બેંએએએએ'ના અવાજથી વાતાવરણ ગૂંજી ઉઠયું અને તે પછી સભા સમાપ્ત થઈ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો