ફી નક્કી કરતી વખતે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઇએ


'ચોસઠ દા'ડે ચૌદે વિદ્યા, શીખ્યા બેઉ ભાઇ, ગુરુ સુત ગુરુ દખણામાં આપી, વિઠ્ઠલે લીધી વિદાય...' આખ્યાનકાર પ્રેમાનંદે સુદામા ચરિત્રમાં નોંધ્યું છે. મહત્ત્વની વાત એ કે બાળકે પહેલાં વિદ્યા પ્રાપ્ત કરી, પછી ગુરુદક્ષિણા આપી. એનો અર્થ એ કે પ્રાચીન ભારતમાં ભણવું ફરજિયાત હતું, ફી મરજિયાત હતી. આજે ઊલટું થયું છેે. ફી ફરજિયાત છે, ભણવું મરજિયાત છે. દરેક બાળકને યોગ્ય શિક્ષણ મળે એ રાજ્યની ફરજ છે. દુનિયાના ૧૩૫ દેશોમાં દરેક બાળકને ફરજિયાત શિક્ષણ મળે એ બાબતને મૂળભૂત અધિકાર (ફન્ડામેન્ટલ રાઇટ) તરીકે સ્વીકારવામાં આવ્યું છે. 

આપણે ૧૯૪૭માં આઝાદ થયા. પરંતુ દરેક બાળકને ફરજિયાત શિક્ષણના મુદ્દાને મૂળભૂત અધિકારોમાં છેક ૨૦૦૨માં ગોઠવવામાં આવ્યો. બંધારણની જોગવાઇ ૨૧-એમાં ૮૬મો સુધારો કરવામાં આવ્યો અને એ સમયે દરેક બાળક માટે શિક્ષણ મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર બન્યો. છ વર્ષથી ૧૪ વર્ષના દરેક બાળકને રાજ્યે ફ્રી અને ફરજિયાત શિક્ષણ આપવું એવી આ જોગવાઇ આ સુધારામાં કરવામાં આવી. કેટલા રાજ્યોના નેતાઓ આ વાત જાણે-સમજે છે ? એની તપાસ કોઇ ઇન્વેસ્ટિગેટિવ પત્રકારે કરવી જોઇએ.

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં રાજ્ય સરકારની આકરી ટીકા કરી. હજ્જારો બાળકોનાં માતાપિતાને ફૂટબૉલની જેમ ફંગોળવામાં આવતા હતા. સ્કૂલ્સની ફી કેટલી હોવી જોઇએ એ કોણ નક્કી કરે ? આ મુદ્દા પર રાજ્ય સરકારે હાથ ઊંચા કરી દઇને જવાબદારી હાઇકોર્ટ પર નાખી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારનો કાન આમળ્યોઃ આ જવાબદારી તમારી છે, કોર્ટની નહીં. કયા ધોરણના વર્ગની કેટલી ફી લેવી એ ભલે સ્કૂલ્સ નક્કી કરે. પરંતુ એ નિર્ણયમાં બાળકોનાં માતાપિતાને સહભાગી કરવા જોઇએ. તેમને અંધારામાં રાખીને સ્કૂલ ફી નક્કી કરી શકે નહીં. 

અને ફીની વાત નીકળી છે ત્યારે બીજા એકાદ બે મુદ્દા પણ સમજવા જેવા છે. શિક્ષિકા મટીને પત્રકારત્વમાં આવેલી એેક યુવતીએ પોતાનો અનુભવ વર્ણવ્યો- 'પગાર તરીકે મને પચીસ હજારનો ચેક આપતા. એ ચેક વટાવાઇ જાય અને બેંકમાં મારા ખાતામાં પૈસા જમા થઇ જાય એટલે માત્ર આઠ હજાર રુપિયા મારે રાખવાના.

બાકીના પૈસા સ્કૂલને પાછા આપવાના...' પ્રાઇવેટ સ્કૂલની આ વાત છે. કામનો ઢસરડો ખૂબ. વળતર નજીવું. પછી શિક્ષક ટયુશન દ્વારા કે બીજી રીતે આવક રળવાના પ્રયાસ કરે તો શી નવાઇ !

આટલું ઓછું હોય એમ સ્કૂલ યુનિફોર્મ અમે કહીએ એ દુકાનેથી જ લેવાનો, પાઠયપુસ્તકો અને એક્સેસાઇઝ બુક્સ અમે કહીએ એ દુકાનેથી જ લેવાની, બૂટમોજાં અમે કહીએ એ દુકાનેથી જ લેવાનાં. આમ એમાં પાછું ગાંધી-વૈદનું સહિયારું.

વિરોધ કરનારાં માતાપિતાનાં બાળકો સાથે અછૂત જેવો વ્યવહાર. ફી ગમે ત્યારે ગમે તેટલી વધારી દે તો પણ ચૂં કે ચાં કરવાની નહીં. અમારે ત્યાં તમારા બાળકને ભણાવવાની ગરજ હોય તો અમે કહીએ એમ કરવું પડશે, નહીંતર લઇ જાઓ તમારા ભૂલકાને અહીંથી.

અને આટઆટલું હોવા છતાં માતૃભાષા ગુજરાતીમાં મોટા ભાગનાં બાળકો કક્કાના ચૌદમા અક્ષર જેવા. સૌથી વધુ નાપાસ કયા વિષયમાં ? તો ક્હે  ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. એક વિચાર આવે છે. સરકાના શિક્ષણ ખાતામાં કેળવણીકારો કેટલા હોય છે ? શિક્ષણ પ્રધાન કઇ યોગ્યતાને આધારે નક્કી થાય છે ? કોણ જાણે. આ એક બાબતમાં ખરેખર 'રામરાજ્ય' દેશના મોટા ભાગનાં રાજ્યોમાં પ્રવર્તે છે. 

કાળઝાળ મોંઘવારીને પહોંચી વળવા માતાપિતા બંને નોકરી કરતાં હોય તો પણ સંતાનના શિક્ષણ પાછળ થતા ખર્ચને પહોંચી વળતાં નથી. બાળકને ભણાવવું તો પડે. શ્રમિકોની વાત ન્યારી કે બે છેડા ભેગાં કરવા બાળકને પણ કામે લગાડી દે. એવા ઘણાં બાળકોને ભણવાની ઉત્કટ ઇચ્છા હોય છે.

આપણે બધાંએ જોયું છે, બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ગરીબ મજૂરનાં, રિક્શાવાળાનાં, ઘેર ઘેર ઝાડુપોતાં કરનાર બાઇનાં બાળકો સુખી પરિવારનાં બાળકો સાથે જોરદાર સ્પર્ધા કરે છે. એટલે ફલાણી સ્કૂલ ઉત્તમ અને ફલાણી ઊતરતી એવાં કાટલાં ચાલે નહીં. જેને ભણવું જ છે એ ગમે તે સ્કૂલમાં ખંતથી ભણશે. ફીની બાબતમાં સ્કૂલ્સના તઘલખી નિર્ણયો ચાલે નહીં.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે