યુપી ગેંગ રેપ મુદ્દે મોદી મોડા મોડા જાગ્યા
નવીદિલ્હી, તા.30 સપ્ટેમ્બર 2020, બુધવાર
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગ રેપનો ભોગ બનેલી ૧૯ વર્ષીય યુવતીના મુદ્દે નરેન્દ્ર મોદી મોડા મોડા જાગ્યા છે આ યુવતી મંગળવારે સફદગજંગ હોસ્પિટલમાં મોતને ભેટી હતી. બુધવારે મોદીએ યોગી આદિત્યનાથ સાથે ચર્ચા કરીને દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની સૂચના આપી.
યોગી આદિત્યનાથે પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી. યોગી સરકારે આ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી હોવાની માહિતી પણ યોગીએ આપી. સીટ સાત દિવસમાં રીપોર્ટ આપશે અને આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે એવી માહિતી પણ યોગીએ આપી. વિશ્લેષકોના મતે, મોદીની સૂચના વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલું ડેમેજ કંટ્રોલ છે.
આ ઘટનામાં યોગી જ્ઞાાતિવાદને આધારે વર્ત્યા છે એવા આક્ષેપો પહેલાં જ શરૂ થઈ ગયેલા તેથી મોદીએ બહુ પહેલાં યોગીને સૂચના આપવાની જરૂર હતી. યુવતી પર થયેલા અમાનુષી અત્યાચાર સામે યોગી ચૂપ રહ્યા તેથી એસસીમાં ભારે આક્રોશ છે. આ આક્રોશ ભાજપને નડે નહીં એટલે મોદીએ મેદાનમાં આવવું પડયું છે.
શાહે બિહારના ચૂંટણી જંગમાં મોરચો સંભાળ્યો
અમિત શાહે છેવટે બિહારના ચૂંટણી જંગમાં મોરચો સંભાળ્યો છે. બુધવારે શાહના નિવાસસ્થાને જે.પી. નડ્ડા, બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને બિહારની ચૂંટણી માટે પ્રભારી નિમાયેલા દેવેન્દ્ર ફડણવિસ વચ્ચે બે કલાક લાંબી બેઠક ચાલી.
એલજેપીના ચિરાગ પાસવાન સોમવારે નડ્ડાને મળ્યા હતા. નીતિશ પાસવાનને ૨૭ બેઠકોથી વધારે આપવા તૈયાર નથી ત્યારે પાસવાનને એનડીએમાં રાખવા શું કરવું એ મુદ્દે ચર્ચા થઈ હોવાનું મનાય છે. ભાજપે મંગળવારે દેવેન્દ્ર ફડણવિસને સત્તાવાર રીતે ચૂંટણી પ્રભારી નિમ્યા છે. ફડણવિસ અને ભૂપેન્દ્ર યાદવની કામગીરી અંગે પણ ચર્ચા થયાનું મનાય છે. બિહારમાં ભાજપ અને જેડીયુ લગભગ સરખી બેઠકો પર ચૂંટણી લડવાનાં છે ત્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરે એ માટેની વ્યૂહરચના પણ ચર્ચાઈ હતી.
સૂત્રોના મતે, શાહે બેઠકો ભલે શરૂ કરી પણ એ ચૂંટણી સભાઓને સંબોધે તેવી શક્યતા નથી. તેના બદલે એ ભાજપના નેતાઓ વચ્ચે સંયોજકની ભૂમિકામાં રહેશે. સાથી પક્ષો જેડીયુ-એલજેપી સાથે બેઠકોની વહેંચણીનો મુદ્દો પણ મોદીએ શાહ પર છોડયો હોવાનું કહેવાય છે.
કૃષિ કાયદા મુદ્દે સુપ્રીમમાં જંગનો તખ્તો તૈયાર
મોદી સરકારે બનાવેલ કૃષિ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મોટો જંગ ખેલાય એવાં એંધાણ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોને બંધારણની કલમ ૨૫૪(૨) હેઠળ તમામ વિકલ્પો અજમાવીને આ ખેડૂત વિરોધી કાયદાઓનો અમલ નહીં કરવા કહ્યું હતું. સોનિયાની સૂચના પછી મહારાષ્ટ્રમાં આ કાયદાઓનો અમલ નહીં કરવાની જાહેરાત ઉધ્ધવ ઠાકરે સરકાર દ્વારા કરી દેવાઈ. રાજસ્થાન સરકારે પણ વટહુકમ લાવીને આ કાયદાઓનો અમલ નહીં કરવાની જાહેરાત કરી છે. ભાજપ વિરોધી પક્ષોનું શાસન હોય એવાં બીજાં રાજ્યો પણ આ જ રસ્તે ચાલશે એ નક્કી છે. સામે ભાજપે પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી છે એ જોતાં બંને પક્ષો વચ્ચે કલમ ૨૫૪(૨)ના બંધારણીય અર્થઘટન મુદ્દે જંગનો તખ્તો તૈયાર છે.
કલમ ૨૫૪(૨) હેઠળ રાજ્ય સરકારે બનાવેલા કોઈ પણ કાયદાને દેશની સંસદ રદ કરી શકતી નથી કે સુધારો કરી શકતી નથી. રાજ્યો અગાઉથી અમલી તેમના એપીએમસી એક્ટનો અમલ કરીને નવા કૃષિ કાયદાનો અમલ ના કરે એવી સોનિયાની સલાહ છે.
વેંકૈયાએ મોદીને સમજાવીને થરૂરને બચાવી લીધા
ભાજપના વિરોધને અવગણીને ફેસબુકના એક્ઝીક્યુટિવ્સને બોલાવનારા શશિ થરૂરને ઈન્ફર્મેશન ટેકનોલોજી પરની સંસદીય સમિતીમાંથી દૂર કરાશે એવું લાગતું હતું પણ થરૂર બચી ગયા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાહ નાયડુએ થરૂરને સમિતીના ચેરમેનપદે ચાલુ રાખવાનો નિર્ણય લેતાં ભાજપના ઘણા સાંસદો નિરાશ થઈ ગયા છે.
થરૂરે જમ્મુ અને કાશ્મીરમાં ૪ જી ઈન્ટરનેટ સેવાનો મુદ્દો સમિતીના એજન્ડા પર મૂકતાં પણ વિવાદ થયો હતો. ભાજપના સાંસદોએ ઉગ્રતાથી તેનો વિરોધ કરીને થરૂરને દૂર કરવા માગણી કરી હતી. મોદી સમક્ષ પણ આ અંગે રજૂઆત કરાઈ હતી.
સૂત્રોના મતે, થરૂરને ઉપરાષ્ટ્રપતિ નાયડુ સાથેના સંબંધો ફળ્યા છે. ભાજપ સાંસદોની રજૂઆત પછી મોદી થરૂરને બીજી સમિતીમાં મૂકવાના મતના હતા પણ નાયડુએ મોદીને સમજાવ્યા હતા કે થરૂરને બદલવાથી ભાજપ પોતાની સામેના વિરોધને જરાય સહન નથી કરી શકતો એવી છાપ પડશે. થરૂરે ઉઠાવેલા મુદ્દાથી ભાજપને કોઈ નુકસાન નથી ત્યારે આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ નહીં બનાવવા નાયડુએ કહ્યું હતું. મોદીના ગળે આ વાત ઉતરી જતાં થરૂર બચી ગયા.
પરાળીની સમસ્યાથી છૂટકારો કે નવો ભ્રષ્ટાચાર ?
દિલ્હી અને આસપાસના વિસ્તારોનાં ખેતરોમાં પાક લેવાઈ જાય પછી બચતી પરાળી મોટી સમસ્યા છે. ખેડૂતો આ પરાળીને બાળે છે તેના કારણે ઉઠતા ઘુમાડાના કારણે દિલ્હીવાસીઓ પરેશાન છે. આ ઘુમાડાના કારણે પ્રદૂષણની સમસ્યા પેદા થાય જ છે પણ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ મુદ્દે દિલ્હીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એ પાડોશી રાજ્યો સાથે વિખવાદ પણ થયા કરે છે.
અરવિંદ કેજરીવાલ સરકારે બિહારના પુસામાં આવેલા ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઈન્સ્ટિટયુટની મદદથી આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢયો હોવાનો દાવો કર્યો છે. ઈન્સ્ટિટયુટે બનાવેલા પ્રવાહીને પરાળી પર છાંટી દેવાશે. પંદર દિવસ પછી પરાળી સાવ ઓગળીને ખાતર બનવા માંડશે. આ પધ્ધતિથી ખેતરોને કુદરતી ખાતર પણ મળશે. દિલ્હી સરકાર પોતાના વિસ્તારમાં આવેલાં ખેતરોમાં આ પ્રવાહીનો છંટકાવ કરાવશે.
જો કે વિપક્ષો આ દાવાને કેજરીવાલ સરકારે ભ્રષ્ટાચાર કરવા માટે શોધી કાઢેલો નવો નુસખો ગણાવી રહ્યા છે. સરકાર પ્રવાહીના છંટકાવ માટેનાં ટેંકર ભાડે લેવાના નામે ગોલમાલ કરશે એવો તેમનો આક્ષેપ છે.
કોરોનાની રસીના ખર્ચ મુદ્દે ગોળ ગોળ જવાબ
કોરોનાની રસી બનાવી રહેલી કંપનીના સીઈઓએ દેશનાં તમામ લોકોને કોરોનાની રસી આપવા પાછળ ૮૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવી ટ્વિટ કરી એ મુદ્દે વિવાદ થઈ ગયો હતો. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે અઠવાડિયા પછી આ દાવાને ખોટો ગણાવ્યો છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણના દાવા પ્રમાણે આ વાત સાથે સરકાર સહમત નથી. મજાની વાત એ છે કે, એ ખરેખર કેટલો ખર્ચ થશે તેનો આંકડો ના આપી શક્યા.
તેમણે ગોળ ગોળ જવાબ આપીને કહી દીધું કે, સરકાર પાસે દેશનાં તમામ લોકોને રસી આપવા માટે પૂરતી રકમ છે. સૂત્રોના મતે, ભૂષણે ગમે તે કહે પણ આ મુદ્દે વાસ્તવમાં તો સરકાર ગોથાં જ ખાઈ રહી છે ને ઉંઘતી ઝડપાઈ છે. મોદી સરકારે કોરોનાની રસી મુદ્દે પાંચ નિષ્ણાતોની સમિતી બનાવી છે. આ સમિતીની પાંચ બેઠકો થઈ પણ તેમાં કુલ કેટલો ખર્ચ થશે એ મુદ્દે ચર્ચા જ નથી થઈ. કંપનીના દાવા પછી હવે સરકારે આ ક્વાયત શરૂ કરી છે તેથી તેની પાસે કોઈ જવાબ નથી.
***
કોરોનાનો બીજો રાઉન્ડઃ ફરી લોકડાઉનના ભણકારા
કોવિડ-૧૯ના બીજા રાઉન્ડના કારણે એવી અટકળો શરૂ થઇ હતી કે દેશમાં ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડશે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્વવ ઠાકરે એ કોવિડ-૧૯ સંક્રમણના બીજા રાઉન્ડનો ભય વ્યક્ત કર્યો હતો.વધુને વધુ લોકો કામે જતા હોઇ કેસો વધી રહ્યા છે.
ઉપરાંત રાષ્ટ્રીય આપદા પ્રબંધને પણ ૨૫ સપ્ટેમ્બરથી લોકડાઉનની ભલામણ કરી હતી. ચારે તરફ ફરી રહેલા આ સંદેશામાં કહેવામાં આવ્યું હતું કે ' કોવિડ-૧૯ને નિયંત્રિત કરવા અને દેશમાં મૃત્ય દર ઘટાડવા માટે પ્લાનિંગ કમિશન સાથે ચર્ચા કરીને રાષ્ટ્રીય આપદા પ્રબંધન ભારત સરકારને અપીલ કરે છે અને વડા પ્રધાન કાર્યલય તેમજ ગૃહ મંત્રાલયને આદેશ આપે છે કે ૨૫ સપ્ટેમ્બર,૨૦૨૦ની રાતથી દેશમાં ફરીથી લોકડાઉન લાદો. જો કે પીઆઇબીએ આવો કોઇ પરિપત્ર જારી ન કરાયો હોવાનું કહ્યું હતું.
એમનેસ્ટી ઇન્ટરનેશનલની ઘરેલુ બાબતોમાં દખલ હતી
નોબેલ પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલે તેના બેન્ક ખાતા સ્થગિત કરી દેવાતા ભારત ખાતેની પોતાની ઓફિસને તાળા મારી દીધા હતા જેને આ સ્વંયસેવી સંસ્થાએ મોદી સરકારના બદલાના રાજકારણ સાથે સરખાવ્યું હતું.
પરંતુ ગૃહ મંત્રાલયે પોતાના બચાવમાં એમનેસ્ટીના આરોપોને પાયાવિહોણો ગણાવ્યા હતા.
સંસ્થાના બેન્ક ખાતા બંધ કરાયા તેની એક મહિના પહેલાં એમનેસ્ટી ઇન્ટરનેશનલે બે નિવેદનો કર્યા હતા.
એક જમ્મુ-કાશ્મીર રાજ્યના દરજ્જા સબંધીત હતો અને બીજો દિલ્હી તોફાનોના છ મહિના અંગેનો હતો.બંને એહેવાલોમાં મોદી સરકારની ભારે ટીકા કરાઇ હતી. તોફાનો અંગે પણ સંસ્થાએ કહ્યું હતુૂં કે માનવાધિકારોનો ભંગ કરાયો હતો. પોલીસે ન્યાયપૂર્વક કામગીરી કરી ન હતી.
ઓગસ્ટમાં 11 કરોડ લોકોને કોરોના થયો હતો
એપ્રિલ,૨૦૨૦માં દેશના ૭૦ જિલ્લાઓના ૭૦૦ ગામડાઓને આવરી લેતા ભારતના બીજા સેરો સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૦ વર્ષ કરતાં મોટી વયનાઓમાં કોરોના સંક્રમણનો દર ૬.૬ ટકા હતો.એવો પણ અંદાજ મૂકવામાં આવ્યો હતો કે ઓગસ્ટમાં દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા નવ થી અગિયાર કરોડની વચ્ચે થઇ હોવી જોઇએ.
એ વખતે સંક્રમણનો દર ૭.૧ ટકા હતો. માત્ર પુખ્ત વ્યક્તિઓમાં જ કરાયેવા બીજા સર્વેમાં મ મહિનાની શરૂઆતમાં ૬૪ લાખ લોકો સંક્રમિત થયા હોવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા આ સર્વેમાં ઓગસ્ટમાં ૨૬થી ૩૨ નહીં ઓળખાયેલા પણ સંક્રમિત કેસો વધારે હતા.
એનો અર્થ એ થયો કે ઓગસ્ટમાં૩૬૯૧૧૬૬ કેસો થયા હતા. સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે દસ વર્ષ કરતાં વધુ વયના દર પંદર પૈકી એ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થયું હતું.
- ઇન્દર સાહની
Comments
Post a Comment