દિલ્હીની વાત : મોદીએ અગ્રવાલને ખજાનચી નિમતાં યોગી ધૂંઆપૂંઆ


નવી દિલ્હી, તા.28 સપ્ટેમ્બર 2020, સોમવાર

નડ્ડાની નવી ટીમમાં રાજેશ અગ્રવાલના ખજાનચી તરીકે સમાવેશથી યોગી આદિત્યનાથ નારાજ હોવાના સમાચાર છે. અગ્રવાલ યોગી સરકારમાં નાણાં મંત્રી હતા પણ મતભેદોના કારણે ગયા વરસે યોગીએ તેમને રવાના કરી દીધા હતા.

અગ્રવાલ યુપીમાં ભાજપના સૌથી વરિષ્ઠ સભ્યોમાં એક છે. ૧૯૯૩થી બરેલી બેઠક પરથી સળંગ વિધાનસભામાં ચૂંટાતા અગ્રવાલને યોગીએ મંત્રીમંડળમાંથી જ બહાર કરી દીધા હતા. યોગીએ અગ્રવાલને યુપી ભાજપની કારોબારીમાંથી પણ દૂર કરીને રીતસર અપમાનિત કર્યા હતા.

હવે મોદીની સૂચનાથી અગ્રવાલને રાષ્ટ્રીય સ્તરે મહત્વનો હોદ્દો મળતાં યોગી ધૂંધવાયા છે પણ મોદી સામે કશું બોલી શકાય તેમ નથી. 

અગ્રવાલ ઉત્તર પ્રદેશના વેપારીઓ પર જોરદાર પકડ ધરાવે છે. વૈશ્ય સમાજમાંથી આવતા અગ્રવાલ ૧૯૯૦ના દાયકાથી ભાજપના સૌથી મોટા ફંડ રેઈઝ મનાય છે.  મોદી તેમની આ શક્તિનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે કરશે.

ભાજપનાં સૂત્રોના મતે, અગ્રવાલની પસંદગી કરીને મોદીએ યોગીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે અને ભાજપમાં તેમનું સ્થાન શું છે તેનો અહેસાસ કરાવી દીધો છે.

બેંગલુરૂ આતંકનું એપીસેન્ટર, લોકો યેદુરપપ્પા પર બગડયા

ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખ તેસજ્વી સૂર્યાએ બેંગલુરૂને આતંકવાદી પ્રવૃત્તિઓનું એપીસેન્ટર ગણાવતાં ભાજપમાં જ ગણગણાટ છે. આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી યેદુરપ્પાએ પણ સૂર્યાની વાતમાં સૂર પૂરાવ્યો છે.

સૂર્યાએ કહેલું કે, બેંગલુરૂમાં આંતકવાદને પોષવાની પ્રવૃત્તિઓ બેફામ ફૂલીફાલી છે તેથી તેને આતંકી પ્રવૃત્તિઓનું ઈન્ક્યુબેશન સેન્ટર ગણાવી શકાય. સૂર્યાએ અમિત શાહને બેંગલુરૂમાં નેશનલ ઈન્વેસ્ટિગશન એજન્સી (એનઆઈએ)નું કાયમી થાણું નાંખવા પણ અપીલ કરી છે.

સૂર્યાનું નિવેદન યેદુરપ્પા સરકાર પર સીધો પ્રહાર છે. સૂર્યાની વાતનો અર્થ એ થાય કે, યેદુરપ્પા કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી શક્યા નથી. તેમના શાસનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બેફામ બની છે.

આ વાત સામે યેદુરપ્પાએ વાંધો લેવાનો હોય તેના બદલે તેમણે ટેકો આપતાં લોકોએ સવાલ કર્યા કે,  બેંગલુરૂમાં આતંકી પ્રવૃત્તિઓ બેફામ છે તો તમે બેઠા બેઠા શું કરો છો? આઈ.ટી. ક્ષેત્રે વિદેશ રોકાણ આકર્ષવામાં બેંગલુરૂ અને હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલે છે ત્યારે મુખ્યમંત્રી પોતાની રાજધાનીને અસલામત કઈ રીતે ગણાવી શકે એવા સવાલ પણ થઈ રહ્યા છે.

ધનખડે કરકસરના બદલે વધારે રકમ માગતાં વિવાદ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીશ ધનખડ મમતા બેનરજી સરકાર પાસે રાજભવન માટે વધારાની રકમની માગણી કરીને નવા વિવાદમાં સપડાયા છે. ધાવકરે રાજભવનના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા ૧૬ કરોડ રૂપિયા ઉપરાંત વધારાના ૫૪ લાખ રૂપિયાની માગણી કરી હતી.

મમતા સરકારે આ માગણીને નકારી કાઢી છે પણ સવાલ પણ ઉઠાવ્યો છે કે, આખો દેશ અત્યારે કરકસરના પગલાં ભરી રહ્યો છે ત્યારે ધાનકરને આ વધારાની રકમ શું કરવા જોઈએ છે ?

ધાનકરની માગણીને કારણે ભાજપની હાલત પણ કફોડી થઈ  છે. કોરાનાના કારણે કેન્દ્ર- રાજ્ય સરકારોએ ખર્ચ ઘટાડયો છે. મોદીએ જ કરકસરનાં પગલાંની શરૂઆત કરી પછી સાંસદો અને ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં ૩૦ ટકાનો કાપ મૂકાયો છે.  સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો દોઢ વર્ષ માટે સ્થગિત કરાયો છે.

વિપક્ષ શાસિત રાજ્યો મોદીની પહેલને અનુસરી રહ્યાં છે ત્યારે મોદીએ મૂકેલા ધનખડ સરકારે નક્કી કરેલા બજેટ કરતાં વધારે રકમની માગણી કરી રહ્યા છે. ભાજપ પણ આ માગણીનો બચાવ કરી શકે તેમ નથી.

સીબીઆઈના ત્રણ ભૂતપૂર્વ વડા જેલભેગા થશે ?

સીબીઆઈના ત્રણ ભૂતપૂર્વ વડા રણજીત સિંહા, એ.પી. સિંહ અને આલોક વર્માને મોદી સરકાર જેલભેગા કરી દેશે એવું લાગે છે. માંસની નિકાસના બિઝનેસ સાથે સંકળાયેલા મોઈન કુરૈશીના કેસમાં કોર્ટના આકરા વલણ પછી સીબીઆઈએ ગૃહ મંત્રાલય પાસે ત્રણેય સામે પગલા લેવાની મંજૂરી માગી છે. આ ત્રણેય અધિકારી મોદી સરકારની ગુડ બુકમા નહોતા તેથી તેમના પર તવાઈ આવી શકે છે.

સીબીઆઈએ  એફઆઈઆરમાં સિંહા અને સિંહે વરસો સુધી કુરેશીને છાવર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. આલોક વર્માએ આ બંને ભૂતપૂર્વ વડા સામેની તપાસને આગળ વધવા નહોતી દીધી. વર્માએ  કુરેશી ઉપરાંત બીજા આરોપીને પણ છાવર્યા હતા. આ તમામ આરોપના સમર્થનમાં પુરાવા હોવાનો દાવો પણ કરાયો છે. કોર્ટે તેની સામે સવાલ કર્યો કે, પુરાવા હોવા છતાં તેમની સામે કેમ કોઈ પગલાં નથી લેવાયાં ?

કોર્ટની ટકોર પછી હરકતમાં આવેલી સીબીઆઈએ ત્રણેય અધિકારી ફરતે ગાળિયો કસવાની તૈયારી શરૂ કરી છે. ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળે તેની રાહ જોવાઈ રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

આઝાદને કાશ્મીર જઈને કામ કરવા સોનિયાનું ફરમાન

કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલો ઉઠાવીને સોનિયા ગાંધીને પત્ર લખનારા કોંગ્રેસી નેતાઓની આગેવાની લેનારા ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીર જઈને કોંગ્રેસ માટે કામ કરવા કહી દેવાયું છે. આઝાદ હાલમાં રાજ્યસભામાં કોંગ્રેસના નેતા છે પણ તેમની મુદત ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં પૂરી થાય છે.

આઝાદ ૨૦૧૫માં જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા પણ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી તેથી આઝાદ માટે ફરી કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાવાની તક નથી. કોંગ્રેસ બીજા રાજ્યમાંથી આઝાદને મોકલવા ઈચ્છુક નથી.

આઝાદને કહી દેવાયું છે કે, હવે કોઈ રાજ્યમાંથી કોંગ્રેસ રાજ્યસભાના સભ્યોને મોકલી શકે તેમ કાશ્મીર જઈ કોંગ્રેસને મજબૂત કરવા મચી પડો કે જેથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જીતવાની તક વધે. સંસદનું સત્ર ચાલુ હતું ત્યારે જ આઝાદને આ સંદેશો આપી દેવાયેલો.

આઝાદ વરસોથી દિલ્હી જ રહ્યા છે. કાશ્મીરમાં કાર્યકરો સાથે તેમનો સીધો સંપર્ક નથી તેથી તેમણે બીજા વિકલ્પ વિચારવા માંડયા છે.  સંસદના શિયાળુ સત્ર પહેલાં એ કોઈ ધડાકો કરશે એવી શક્યતા છે.

યુપીની બળાત્કાર પીડિતાને લવાતાં એઈમ્સની કિલ્લેબંધી

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગ રેપનો ભોગ બનેલી દલિત યુવતીની તબિયત બગડતાં દિલ્હીમાં એઈમ્સ ખાતે ખસેડાઈ છે.

 સોમવારે વહેલી સવારે યુવતીને ગૂપચૂપ દિલ્હી એઈમ્સમાં ખસેડી દેવાઈ હતી.  આ યુવતીના પરિવારજનોને મીડિયા કે રાજકારમીઓ ના મળી શકે એ માટે એઈમ્સમાં કિલ્લેબંધી કરી દેવાઈ છે.

આ યુવતી પર ચાર હવસખોરોએ બળાત્કાર ગુજાર્યા પછી તેની જીભ પણ કાપી નાંખી હતી. તેની કરોડરજ્જુનું હાડકુ પણ તોડી નાંખ્યું હતું. યુવતીની હાલત એટલી ખરાબ હતી કે, નવ દિવસ પછી તે ભાનમાં આવી હતી. અત્યારે પણ તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.

આ મુદ્દે યુપીમાં રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે અને યોગી સરકારના માથે બરાબર માછલાં ધોવાઈ રહ્યાં છે. યુપીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી છે તેમાં આ મુદ્દો ભાજપને ભારે પડે એવો ભાજપને ડર છે.

 આ કારણે યુવતીને અલીગઢની હોસ્પિટલમાં રખાઈ હતી ત્યાં પણ કોઈને જવા નહોતા દેવાતા. દિલ્હીમાં પણ આ જ સ્થિતી પેદા કરી દેવાઈ છે. 

* * *

અકાલી દળના બસપા અને આપ સાથે જોડાણની શક્યતા

પંજાબના રાજકરણમાં અકાલી દળના ભાજપ સાથેના છુટેછેડાના કારણે હવે નવા સમીકરણો ઊભા થયા છે. ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એક નવાજ ગઠબંધનનો ઉદય થશે, એમ જાણકારો કરે છે. અકાલીઓ માને છે કે ખેડૂતો અને જમીન વિહોણા લોકોના હિત માટે તેમણે આપેલી કુરબાની એળે નહીં જાય.

હવે શીખ, જાટ અને દલિતો મતબેન્ક ઊભી થશે. આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે અકાલી દળના જોડાણની પુરેપુરી શકયતા દેખાય છે. અકાલી દળનો મત હિસ્સો ૨૦૦૭માં ૩૭.૦૯ હતો તે ઘટીને ૨૦૧૭માં ૨૫.૨ થયો હતો.

જ્યારે ભાજપનો ૨૦૦૭માં ૮.૨૮ ટકા હતો જે ઘટીને ૨૦૧૭માં ૪.૧૩  ટકા થયા હતો. રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડતી માયાવતીના બહુજન પાર્ટીને ૨૦૦૭માં ૫.૪ ટકા જ્યારે ૨૦૧૭માં ૧.૫ ટકા મત મળ્યા હતા. ૨૦૧૭માં એક મોટા પરિબળ તરીકે ઊભરી આવેલી આમ આદમી પાર્ટીનો વોટ શેર૨૦૧૭માં ૨૩.૭ ટકા હતો જેના કારણે ભાજપ અને અકાલી દળના મતમાં ગાબડું પડયું હતું.

નકલી ટ્વિટ્સની પાછળ વડા  પ્રધાન કાર્યાલયનો અધિકારી : સ્વામી

ભાજપના રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્મય સ્વામીએ પીએમઓના એક અધિકારીને પોતાની સામે ટ્વિટર યુધ્ધ માટે જવાબદાર ઠેરવ્યો હતો. સ્વામીનો આરોપ કવેળાનો નથી. ભાજપે સ્વામીની ચેતવણીની ઐસી તૈસી કરીને આઇટી સેલના વડા તરીકે ફરીથી અમીત માલવનિયાને નિમ્યા હતા.

તેમણે અગાઉ કહ્યું હતું કે માલવિયાએ જ અગાઉના કેટલાક ટ્વિટને નાણાકીય સહાય પુરી પાડી હતી. સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે 'હવે જ્યારે માલવિયાને નિમી જ દીધો છે ત્યારે મારે પૂછવું છું શું અગાઉના ટ્વિટ્સ માટે તેમણે પૈસા ખર્ચ્યા હતા કે પોતાના ખિસ્સામાંથી આપ્યા હતા. હવે વાત સ્પષ્ટ થઇ ગઇ છે.

સ્વામીએ પીએમઓના માહિતી ટેકનોલોજી અને સંદેશા વ્યવહાર માટેના ખાસ ફરજ પરના અધિકારી અધિકારી હિરેન જોશીને આના માટે જવાબદાર ઠેરવ્યો હતો જેઓ સ્વામી વિરૂધ્ધ ઝુંબેશ ચલાવે છે. સ્વામીની ટ્વિટના તરત જ પછી ભાજપના તાજીન્દ્ર પાલ સિંહ બગ્ગાએ સ્વામી પર પપલટ વાર કરીને સ્વામીની વફાદારી પર સવાલ ઉઠાવ્યા હતા. 

બગ્ગાએ તો સ્વામી પર ૧૯૯૦ના અંતે વાજપેયીને દગો આપ્યોનો અને સોનિયા ગાંધીની તરફેણ કરવાનો આક્ષેપ કરી દીધો હતો.બગ્ગાએ લખ્યું હતું કે 'શું એ સાચું છે કે તમે ૨૦૧૪ ઓકોટબર મહિનામાં એક મહિલા પત્રકારને મળ્યા હતા અને કહ્યું હતું કે હું છ મહિના પછી વડા પ્રધાન મોદીના કૌભાંડોને ટુંક સમયમાં ઉઘાડા પાડીશ, પણ તમે એ કરી શક્યા નહી.

તમારો એજન્ડા નિષ્ફળ રહ્યો. અમને તમારા ઇતિહાસની જાણ છે. તમે તો સોનિયા ગાંધીની તરફેણ કરવા પૂર્વ વડા પ્રધાન વાજપેયીને પણ દગો દીધો હતો.તમને કંઇ જ ના મળતા તમે હવે વિરાટ હિન્દુ બનવાના સપના જુઓ છો.

- ઇન્દ સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો