કોરોના પછીની 'ઠીકનેસ'


જેમ જેમ કોરોના વાયરસને કારણે ફેલાતા ચેપ કોવિડ -૧૯ વિષે આપણી સંપ્રજ્ઞાતા વધી રહી છે તેમ તેમ તે બિમારીનો બિહામણો ચહેરો આપણી સામે વધુ સ્પષ્ટ થઇ રહ્યો છે. કોરોનાનો ચેપ સૌથી પહેલા જે પેશન્ટને લાગ્યો તેને આજે અંદાજિત આઠ મહિના પૂરા થવા આવ્યા છે. આટલા ટૂંકાગાળામાં બે કરોડ ચાલીસ લાખ લોકોને ચેપ લાગી ચૂક્યો છે અને આઠ લાખ વીસ હજાર લોકોના મૃત્યુ થયા છે. આ જ આંકડાઓ ઉપરથી એ પણ જાણવા મળ્યું છે એક કરોડ ત્રેપન લાખ લોકો ચેપ લાગ્યા પછી સાજા થઇ ગયા છે.

પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી દોઢ કરોડ લોકો એવું માને છે કે તેઓ સફળતાપૂર્વક કોરોનાને અતિક્રમી ગયા છે, જયારે હકીકત મુજબ મોટી સંખ્યાના તેઓ ભૂતપૂર્વ દર્દીઓ હજુ પણ ઠીક થયા નથી. બહારથી તો તેઓ ઠીક છે પરંતુ તેમની આ 'ઠીકનેસ' મેડિકલી ચેલેન્જેબલ છે. એટલે કે રોગોત્તર ઠીકનેસ અને સિકનેસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. 

કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવે એટલે તે દર્દીને સ્વસ્થ જાહેર કરીને ઘરે મોકલી દેવામાં આવે છે. પરંતુ હવે તબીબો કહે છે કે હાશનો અનુભવ કરીને પાણીમાં બેસી ન જવું પરંતુ સાવધ તો રહેવું જ. કોવિડ-૧૯ ને કારણે પેદા થયેલી ઘણી ભયંકર તકલીફો આજે પણ તેના જીવ માટે જોખમકારક બનીને સાથે રહી શકે છે.

આવા લોકો અને તેની મોટી સંખ્યાને અવગણી શકાય એમ નથી અને તેમની નવી આનુષંગિક બિમારીઓનો કોઈ રામબાણ ઈલાજ પણ મળતો નથી. મેડિકલ સાયન્સનું ફોકસ અત્યારે કોરોનાની વેક્સિન ઉપર જ હોવાથી ભૂતપૂર્વ પોઝિટિવ રહેલા દર્દીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કોઈ સંશોધન થઇ રહ્યું નથી. છતાં પણ છૂટક સર્વેક્ષણ મુજબ ત્રણ ચતુર્થાંશ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, કોઈને હૃદયની તકલીફ કે ખૂબ જ થાક અને નબળાઈ કે પછી રોગપ્રતિકારક શક્તિમાં અરાજકતા જેવા સ્વાસ્થ્ય અંતરાયો અનુભવાય છે. 

ઈટાલી અને ચીનના કેસસ્ટડી બતાવે છે કે કોરોનાથી મુક્ત થઇ ગયાના ત્રણ કે ચાર મહિના પછી આ બધી તકલીફો ઊભી થઈ શકે છે. સ્વાભાવિક છે કે કોરોનાને લગતી આપણી સમજણ અને તેના ઈલાજમાં ખૂબ જ્ઞાાનસંવર્ધન(અપગ્રેડેશન)ની જરૂર છે.

આ જ મુદ્દાને લઇને કોવિડમાંથી સાજા થઇ ગયેલા એક લોકોનું જૂથ બન્યું અને તેનું પ્રતિનિધિમંડળ ડબ્લ્યુએચઓના ડિરેક્ટર ડૉ. એડ્નોમ જઈ. ટેડ્રોસને હમણાં મળ્યું. તેઓનું કહેવાનું હતું કે તેની તકલીફોને નજરઅંદાજ કરવાને બદલે તેને સ્વીકારવામાં આવે અને પૂર્વવત જિંદગી ફરી જીવવા મળે તેના માટે તે બધાને મદદ મળે. ડબ્લ્યુએચઓના પ્રમુખે આ મુદ્દા ઉપર સહમતી જાહેર કરી ઉપરાંત બીજા દેશોના સહકાર સાથે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વચન આપ્યું. હવે તકલીફ એ છે કે ડબ્લ્યુએચઓના નિયમોનું રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તર ઉપર અમલીકરણ થતું નથી અને હવે તો તે સંસ્થા ઉપર વિશ્વસનીયતાને સંલગ્ન સવાલો પણ ઉઠયા છે. 

આર્થિક સંકડામણને જોતા દરેક દેશની સરકાર પોતાના દેશની સ્થિતિ બેહતર બનાવવા ચાહે છે. પરંતુ તે ત્યારે જ શક્ય બનશે જ્યારે આ બિમારીને લગતા એક પણ પાસાને ઓછું મહત્ત્વ આપવામાં ન આવે અને તેનો સંપૂર્ણ અભ્યાસ થાય. નહિતર તો વારંવાર હતા ત્યાં ને ત્યાં જેવી દશા થાય.

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ રિસર્ચે કોવિડ-૧૯ ને લગતા અમુક આંકડાઓ જાહેર કર્યા છે જેના પરથી આશાના આછાં કિરણો જોઈ શકાય છે. એ વાત સાચી કે દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા લગભગ બત્રીસ લાખ થઇ ગઈ છે અને મૃતકોની સંખ્યા સાંઈઠ હજાર જેટલી છે. તાજેતરના અહેવાલ મુજબ સાજા થઇ જનારા લોકોનો દર પંચોતેર ટકા જેટલો છે. મૃત્યુદર બે ટકાથી નીચે જઈ રહ્યો છે.

સહુને વેક્સિનના વિકલ્પમાં મીઠાં મધુરાં આશ્વાસનોની જરૂર છે. મુંઝવણ વેળાએ છળ પણ કામમાં લેવાની માણસજાતને ટેવ છે. પર્યાવરણમાં જેમ સત્ય સહુ જાણે છે છતાં પ્રકૃતિવિરોધી જીવનશૈલી છે એમ કોરોનાથી વિમુખ થઈને કે સત્યનો અસ્વીકાર કરીને ફાવે તેમ હવે જીવન જીવી શકાય નહિ. ક્યારેક લોકસમસ્તને એમ લાગે છે કે ડૉક્ટરો અને વૈજ્ઞાાનિકો હવે ડરાવે નહિ તો સારું. પરંતુ વૈજ્ઞાાનિકો લાચાર છે કે કોરોના સંબંધિત વિકરાળ સત્ય તેમણે ઉચ્ચારવા જ પડે છે.

દુનિયાભરમાં આજ સુધીમાં થયેલા મૃત્યુમાં અરધા ઉપરાંતના કેસ એવા છે જેમાં દિવંગત વ્યક્તિની ખુદની લાપરવાહી જ જવાબદાર હતી. આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જેમણે જીવન પસાર કરવાનું છે એના નવા નિયમો હવે તો જગજાહેર છે. એને જેઓ નહિ અપનાવે એમને માટે આ પૃથ્વી નથી. નિયમ બહાર પગ મૂક્યો કે તરત જ ફસાઈ જવાનું જોખમ. પંચવટીમાંથી લંબાઈને લક્ષ્મણરેખા હવે તો ચોતરફ ફેલાઈ ગયેલી છે અને એનું ઉલ્લંઘન થાય એમ જ નથી. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન