દિલ્હીની વાત : મોદીનું ખાસ વિમાન હવે આવતા મહિને આવશે

મોદીનું ખાસ વિમાન હવે આવતા મહિને આવશે
નવીદિલ્હી, તા.26 ઓગસ્ટ 2020, બુધવાર
નરેન્દ્ર મોદી માટે ખાસ બનાવાયેલું વીવીઆઈપી બોઈંગ વિમાન 'એર ઈન્ડિયા વન' હવે આવતા મહિને ભારત આવશે. આ વિમાન આ અઠવાડિયે ભારત લવાશે એ નક્કી હતું. મોદી સરકારે ઈન્ડિયન એરફોર્સ અને એર ઈન્ડિયાના સીનિયર પાયલોટની ટીમ પણ વિમાનને ભારત લાવવા મોકલી દીધી હતી.
આ ટીમે કરેલા ઈન્સ્પેક્શનમાં કેટલીક ઓપરેશનલ બાબતોમાં સુધારાની જરૂર જણાતાં હવે આ વિમાન સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારત લવાય તેવી શક્યતા છે. અમેરિકના પ્રમુખના ખાસ વિમાન 'એર ફોર્સ વન' પરથી પ્રેરણા લઈને બનાવાયેલા આ વિમાનમાં મોદી માટે ઓફિસ, બેડરૂમ સહિતની તમામ સવલતો હશે. અભેદ્ય કિલ્લા જેવા આ વિમાનમાં આધુનિક ગેઝેટ્સ અને મિસાઈલ ડીફેન્સ સિસ્ટમ સહિતની અત્યાધુનિક સીક્યુરિટી સિસ્ટમ હશે.
ભારત ૮૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આવાં બે વિમાન ખરીદવાનું છે. આ વિમાન પર અશોક ચક્રનું ચિહ્ન હશે તેમજ ભારત અને ઈન્ડિયા લખેલું હશે. મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વિદેશ પ્રવાસમાં તેનો ઉપયોગ કરશે. મોદી આ વિમાનમાં પહેલો પ્રવાસ સાઉદીના નવેમ્બરમાં યોજાનારા રીયાધના જી ૨૦ સમિટમાં કરશે.
તબિયત સારી હોવા છતાં શાહ હોસ્પિટલમાં કેમ ?
દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. ૧૭ ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા.
શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે. છેલ્લા એક અઠવાડિયામાં શાહના બે વાર કોરોના રીપોર્ટ કરાયા ને બંને વાર રીપોર્ટ નેગેટિવ આવ્યા એવા પણ અહેવાલ છે. શાહ એ રીતે સ્વસ્થ હોવા છતાં કેમ હજુ હોસ્પિટલમાં છે એ સવાલ પૂછાઈ રહ્યો છે.
સૂત્રોના મતે, એઈમ્સના ડોક્ટરોએ શાહને હમણાં સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે કે જેથી તબિયત ના બગડે. કોરોનાની સારવાર વખતે પણ ડોક્ટરોએ શાહને સંપૂર્ણ આરામ કરવા કહેલું પણ શાહે એ સલાહને ગણકારી નહોતી. તેના કારણે ચાર દિવસમાં જ ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડયું તેથી શાહ આ વખતે ડોક્ટરોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે.
બે મહિનામાં નવા પ્રમુખ શોધવા સોનિયાની સૂચના
કોંગ્રેસે સોનિયા ગાંધીને છ મહિના માટે વચગાળાનાં પ્રમુખ બનાવ્યાં છે પણ સોનિયાએ સીડબલ્યુસીના નેતાઓને ઓક્ટોબરના અંત સુધીમાં નવા પ્રમુખની પસંદગી કરી લેવા સૂચના આપી દીધી છે. નવેમ્બરની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા પ્રમુખની પસંદગી કરી લેવાય અને ચૂંટણી પતે પછી તરત જ એઆઈસીસીની બેઠકમાં તેની વરણી થઈ જાય એવું સોનિયા ઈચ્છે છે. તેનું કારણ આવતા વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે.
૨૦૨૧માં એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરી એ પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. આ તમામ રાજ્યો કોંગ્રેસ માટે મહત્વનાં છે. કેરળ, આસામમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરવા માગે છે જ્યારે પુડુચેરીમાં સત્તા જાળવવાનો પડકાર છે. તમિલનાડુમાં તેનો સાથી પક્ષ ડીએમકે સત્તા મેળવે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ચિત્રમાં નથી પણ ફરી બેઠી થવા ડાબેરીઓ સાથે જોડાણ કર્યું છે તેની કસોટી છે. નવા પ્રમુખને કમ સે કમ છ મહિના મળે તો પક્ષનો દેખાવ સુધરે તેથી સોનિયા બે મહિનામાં નવા પ્રમુખનું નામ નક્કી કરાવી દેવા માગે છે.
'રાઈટ ટુ રીકોલ'ની જાહેરાત કરી ચૌટાલાએ ચોંકાવ્યા
હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ હરિયાણામાં 'રાઈટ ટુ રીકોલ' કાયદો બનાવવાની જાહેરાત કરીને સાથી પક્ષ ભાજપ સહિત સૌને ચોંકાવી દીધા છે. ચૌટાલાનો દાવો છે કે 'રાઈટ ટુ રીકોલ' કાયદો લાવી પોતે દાદા દેવીલાલનું સપનું પૂરું કરશે.
ચૌટાલાએ જાહેરાત કરી છે કે, આવતા મહિને શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્રમાં 'રાઈટ ટુ રીકોલ' કાયદો લવાશે અને મતદારોને સારું કામ નહીં કરનારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધીઓને ઘરભેગા કરવાનો અધિકાર અપાશે. આ કાયદા પ્રમાણે પંચાયતના સભ્ય સામે વરસમાં એક વાર 'રાઈટ ટુ રીકોલ'નું હથિયાર અજમાવી શકશે.
ચૌટાલાએ બીજી જોગવાઈઓ જાહેર કરી નથી પણ વિશ્લેશકોના મતે, ચૌટાલાની જાહેરાત રસપ્રદ છે. ભારતમાં 'રાઈટ ટુ રીકોલ' કાયદા અંગે ચર્ચા થઈ છે પણ કોઈએ એવી હિંમત બતાવી નથી. ચૌટાલાએ એ હિંમત બતાવી તેની વિશ્લેષકો પ્રસંશા કરી રહ્યા છે.
સૂત્રોના મતે, ચૌટાલાએ ભાજપને પૂછયા વિના જ આ જાહેરાત કરી દીધી છે પણ ભાજપ બોલી શકે તેમ નથી કેમ કે ખટ્ટર સરકાર ચૌટાલાના ટેકાથી ટકેલી છે.
મમતાના બદલાયા તેવર, સોનિયા પર ઓળઘોળ
સોનિયા ગાંધીએ જીએસટી, જેઈઈ-નીટ પરીક્ષાના મુદ્દે બોલાવેલી ભાજપ-એનડીએ સિવાયના પક્ષોના મુખ્યમંત્રીઓની બેઠકમાં મમતા બેનરજીના વલણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ જ મમતાએ થોડા મહિના પહેલાં સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં હાજર રહેવા ઈન્કાર કરી દીધો હતો. બુધવારની બેઠકમાં મમતા હાજર તો રહ્યાં જ પણ રાજીવ ગાંધીને યાદ કરીને સોનિયાની સહાનુભુતિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો.
મમતાએ એવો મુદ્દો ઉભો કર્યો કે, રાજીવે વડાપ્રધાન તરીકે કરેલી કામગીરીની યોગ્ય કદર નથી થઈ કે તેમના નામે કોઈ સરકારી યોજના પણ નથી એ દુઃખદ કહેવાય. સોનિયાએ મમતાને બેઠકનું સંચાલન કરવા કહ્યું ત્યારે પણ મમતાએ જવાબ આપ્યો કે, તમે હાજર હો ત્યારે હું એવી ગુસ્તાખી કઈ રીતે કરી શકું ?
સૂત્રોના મતે, મમતાના નરમ તેવર પાછળ રાજકીય સ્વાર્થ છે. બંગાળમાં ભાજપ શક્તિશાળી બની ગયો છે ત્યારે તેનો મુકાબલો કરવા કોંગ્રેસ-ડાબેરી એક થઈ ગયા છે. આ જોડાણ મમતાને નુકસાન કરી શકે છે તેથી તેને રોકવા મમતા સોનિયાને માન આપી રહ્યાં છે.
સિંધિયા સમર્થકોને જીતાડવા સંઘના શરણે
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા સંપૂર્ણપણે ભાજપના રંગે રંગાઈ જવા માગતા હોય એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શરણે ગયા છે. એક સમયે સંઘને ગાળો દેનારા સિંધિયાએ નાગપુરમાં સંઘના મુખ્યમથકની મુલાકાત લીધી અને સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસસ્થાનની મુલાકાત પણ લીધી. સિંધિયાએ સંઘના વડા મોહન ભાગવતને મળવાનો પ્રયત્ન પણ કર્યો. ભાગવત ના મળ્યા તેથી સિંધિયાએ બીજા હોદ્દેદારોને મળીને સંતોષ માનવો પડયો.
ભાજપનાં સૂત્રોના મતે, સિંધિયાએ મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાઓ દ્વારા તેમને સ્વીકારાયા નથી તેના કારણે સંઘને શરણે જવું પડયું છે. શિવરાજસિંહ ચૌહાણે સિંધિયાને સ્વીકાર્યા છે પણ ભાજપના બીજા બે દિગ્ગજ નેતા પ્રભાત ઝા અને જયભાણસિંહ પવૈયા હજુ સિંધિયાની વિરૂધ્ધ છે.
ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાઓને મળવા ગયેલા ગયેલા સિંધિયાને મળવાનો આ બંને નેતાએ ઈન્કાર કરી દીધો હતો. પવૈયાએ તો સિંધિયા સાથે મતભેદો હોવાની ટ્વિટ પણ કરી હતી. આ મતભેદોની કિંમત પોતાના સમર્થકો વિધાનસભાની ચૂંટણીમાં ના ચૂકવે તેથી સિંધિયા સંઘના શરણે ગયા છે.
***
કોવિડ-19નો ગ્રામીણ વિસ્તારમાં કેર
શહેરી કેન્દ્રોમાંથી કોવિડ-૧૯ના કેસો શહેરની વસ્તીના પ્રમાણમાં ખુબ વધારે તો છે જ પરંતુ હવે તો ગ્રામીણ ભારતમાં પએ કોરોનાએ ચિંતા વધારી છે.આંકડાઓ બતાવે છે કે ઓગસ્ટમાં આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા ભાગના કેસ ૫૮૪ જિલ્લાઓમાંથી આવ્યા હતા જેને ગ્રામીણ અથવાતો સંપુર્ણ ગ્રામીણ કહી શકાય છે.
નિષ્ણાંતોએ બહુ પહેલા જ ચેતવણી આપી હતી કે ગામડાઓમાં સારવારની સુવિધાઓના અભાવના કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ભયાનક બની શકે છે. ત્યાં ટેસ્ટથી લઇ સારવાર સુધીની સુવિધાઓનો અભાવ હોય છે.'સરવાર,સાધનો, ડોકટરો અને કોવિડ-૧૯ના દર્દીઓના આરોગ્ય પર નજર રાખનાર સારી ગુણવત્તાના ચેસ્ટ એક્સ રે મશીનોનો અભાવ હોય છે'એમ દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ ડાયરેકટર ડો.સુરેશ કુમારે કહ્યું હતું. કોરોનાના મોટા ભાગના કેસ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવશે.
આરોગ્ય મંત્રાલયમાં પણ કોરોનાના કેસમાં વધારો ચિંતાનું કારણ
જ્યાં આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણની ઓફિસો આવેલી છે તે નિર્માણ ભવનમાં કોરોનાના વધેલા કેસોના કારણે ચિંતામાં વધારો થયો હતો. ૧૪ ઓગસ્ટે સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોના પોઝિટિવ જણાયા પછીથી ત્યાં પણ ભયનું વાતાવરણ દેખાય છે. ભારતમાં કોરોના અંગેની જાણકારી આપવાની તમામ જવાબદારી તેમના શીરે હતી. તેઓ જ પોઝિટિવ થતા આઇસોલેશનમાં ગયા હતા.સોમવારે તેઓ ફરજ પર પાછા ફર્યા હતા.
સૂત્રો અનુસાર જેઓ સંક્રમિત થયા હતા તેમાં આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ અને અન્ય કેટલાક અધિકારીઓનો સમાવેશ થતો હતો. જે કર્મચારીઓની તબીયત સારી ન હતી તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. આગમી સપ્તાહમાં આખી ઇમારતને સેનેટાઇઝ કરવાનું મંત્રાલયે વિચાર્યું હતું.
ઉજ્જવલા યોજનાનો ફિયાસ્કો
વડા પ્રધાન મોદીએ મોટા ઉપાડે ગેસ વગરની ગૃહિણીઓ માટે ઉજ્જવલા યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ એવા અહેવાલો મળી રહ્યા છે કે નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાયા નથી. એલપીજી સીલિન્ડરના ભાવ એટલા વધારે છે કે લાભાર્થીઓ પૈકીની આશરે ત્રણ ટકા મહિલાઓ એલપીજીનો ઉપયોગ કરતી નથી.
વડા પ્રધાને આઠ કરોડ ઘરોને મફતમાં કનેકશન આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. પણ તેઓ એલપીજી ખરીદી શકતા નહીં હોવાથી તેની પરની સબસીડી વધારવી પડશે, એમ સૂત્રોએ કહ્યું હતું.
લોકડાઉનના કારણે 1.1 કરોડ નોકરીઓ ગઇ
સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર, લોકડાઉનમાં અનેક લોકોની નોકરીઓ છીનવાઇ ગઇ હતી.પગારદારો પર તેની ખુબ નકારાત્મક અસર પડી હતી.'એપ્રિલ અને જુલાઇ વચ્ચે ૨૦૧૯-૨૦૨૦માં સરેરાશ સરખામણીમાં એકંદરે ૧.૧ કરોડ નોકરીઓ ઓછી થઇ હતી.
પરંતુ ૪૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓમાં જોબ લોસનું પ્રમાણ વધારે હતું. ૧.૯૬ કરોડો લોકોએ નોકરી ગુમાવી હતી, એમ આ સંસ્થાના વડા મહેશ વ્યાસે કહ્યું હતું.લોકડાઉનના કારણે વય મુજબની કર્મચારીઓની નોકરી ઘટતી જાય છે.શટડાઉનમાં યુવાનો આ અવકાશમાં જગ્યા ન હતી કારણ કે વૃધ્ધો ત્યાં પહેલાથી જ બેઠા હતા.
કોંગ્રેસ સમાં બિન ગાંધી પ્રમુખો 13 હતા
કોંગ્રેસનો ઇતિહાસ દર્શાવે છે કે દેશ આઝાદ ત્યાર પછીથી તેના પ્રમુખોમાં ૧૩ તો બિન ગાંધી પરિવારના હતા અને કોંગ્રેસના માત્ર પાંચ જ હતા.આઝાદી પછીના સમયમાં મોટા ભાગે જવાહર લાલ નહેરૂ, ઇન્દિરા ગાંધીસ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ ગાંધી પરિવારમાંથી પ્રમુખ બન્યા હતા.
સોનિયા ગાંધી સૌથી વધારે સમય સુધી પ્રમુખપદે રહ્યા છે. ગાંધી-નહેરૂ પરિવાર સિવાયના પ્રમુખોમાં આચાર્ય ક્રિપલાણી, પટ્ટાભિ સિતારમૈયા, પુરૂષોત્તમ ટંડન, ઉછરંગ ભાઇ ઢેબર, સંજીવ રેડ્ડી, કામરાજ, નિજલિંગપ્પા, જગજીવન રામ, શંકર દયાલ શર્મા, ડી.કે. બરૂઆ,કે બી રેડ્ડી,પી વી નરસિંહરાવ અને સિતારામ કેસરીનો સમાવેશ થતો હતો.
'૨૪ એકબર રોડ'ના લેખક અનમે પત્રકાર રશીદ કિદવાઇ કહે છે કે મોટા ભાગે કોંગ્રેસનું પ્રમુખપદ ગાંધી નહેરૂ પરિવાર પાસે જ રહ્યું હતું. બિન ગાંધી પરિવારના પ્રમુખો પણ ગાંધી પરિવાર તરફી જ હતા, એમ એક રાજકીય વિષ્લશકે કહ્યું હતું. જો કે ગાંધીઓના પ્રમુખપદને બિન ગાંધી પ્રમુખોના કાર્યકાળ સાથે સરખાવી ના શકાય, કારણ કે તેમના કાર્યકાળમાં ખુબ વધારે તફાવત હોય છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment