કવિતા કરનારો જીવંત કવિતા પર આશક બની ગયો !
- કસ્તૂરીમૃગ ઘાયલ થાય, તો જ એની નાભિમાંથી કસ્તૂરીની ખુશબો હાંસલ થાય. કવિ તો ઘાયલ જ સારો, બેગમસાહેબાને પૂછું કે સુંદરીઓ સાથેના સંગ્રામમાં કયો શૂરવીર નથી હાર્યો !
યે ગરીબી આજ ભી ઝૂઠે બર્તન માંજતી હૈ,
ફિર ભી રોટીયોં કી બહુત કમી દીખતી હૈ
ઈસ દુનિયા મેં આદમી અબ કહાં મિલતે હૈં,
સિર્ફ હમેં આદમિયત કી હી લાશ મિલતી હૈ.

લવંગ એ તો દેવનું પુષ્પ ! લવંગિકા પણ સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરેલું પુષ્પ હતું.
બાદશાહ શાહજહાંના વૈભવી દરબારના ઝવેરાત ઝાંખા પાડી દે એવી લવંગિકાને કવિશ્વર પંડિત જગન્નાથે નીરખી. કવિના દિલને એ નાઝનીત બૅચેન બનાવી ગઈ. એને જોતાં જ કવિ-જગતના કેસરી સિંહસમા જગન્નાથની આખી તાસીર જ બદલાઈ ગઈ. આ કવિરાજે જહા (દુનિયા) નાં શાહ બાદશાહ શાહજહાં પાસે લવંગિકાની માગણી કરી.
કવિતા કરનારો એક જીવંત કવિતા પર આશક બની ગયો. શાહજહાંએ એ કવિને એના દિલની સલ્તતનને પદભ્રષ્ટ કરનારી સુંદરી લવંગિકા આપી અને કહ્યું, 'બાંદી, જા અને કવિરાજની કવિતા બની જા પણ ઠહર, તેું પણ કવયિત્રી છે ! ખુદાએ તને હુશ્નની પરસ્તી સાથે શાયરીની પર સરપરસ્તી આપી છે. એક કાવ્ય...'
આંગળીઓથી પરવાળા જેવા ઓષ્ઠને કરડતી લવંગિકા ધીરેથી બોલી :
'આંખની કાલીન પર. જાનની બિછાત,
જોબનની મંજિલ પર, સર્વસ્વની ખેરાત.'
'શાબાશ ! જખમી કવિરાજના દિલની મલમપટ્ટી તું જ કરી શકીશ. કવિરાજ, જોજો, સ્નેહસંગ્રામમાં અમારી દાસી પાસે ન હારો.'
'હજૂર, કસ્તૂરીમૃગ ઘાયલ થાય, તો જ એની નાભિમાંથી કસ્તૂરીની ખુશબો હાંસલ થાય. કવિ તો ઘાયલ જ સારો, બેગમસાહેબાને પૂછું કે સુંદરીઓ સાથેના સંગ્રામમાં કયો શૂરવીર નથી હાર્યો ! શાહી ભાલા કરતાં વધુ તીક્ષ્ણ ભાલા, સિપાહીના ભાથાના તીર કરતાંય વધુ વેધક તીર, તોપના ગોળા કરતાંય વધુ ભયંકર નાઝનીનોની તીરંદાજી-ગોલંદાજી ખુદ બાદશાહ સલામતે પણ શું નથી અનુભવી ? ખતા માફ, ખુદાવિંદ !'
'માફ ! માફ ! માફ ! કવિરાજ ! હવે તમારી કવિતાને લઈને સિધાવો ! કોઈ વાર અમનેય યાદ કરજો.'
કવિરાજ પંડિત જગન્નાથે પોતાના પ્યારની કદર કરનાર શાહી દંપતીને કુરનિશ ભરી. આકાશમાં ચંદ્ર સુધા વરસાવતો હતો, યમુનાના તીરે ગોવાળો બંસી વગાડતા હતા. એ વેળા કવિની અભિસાર રાત્રિ જાગી હતી. દિવસ પલટાઈ ગયા. રાત્રી બદલાઈ ગઈ. કાવ્યકુંજના કેસરીને પોતાની મહોબ્બતના દામ ચૂકવવાનો સમય આવી પહોંચ્યો.
કાવ્ય-કલાનો શોખીન શહેનશાહ રાજક્રાંતિના બવંડરમાં ફસાયો. સહુથી નાના પુત્ર ઔરંગઝેબે એને પકડીને કેદ કર્યો. હિંદુ ફિલસૂફી અને તત્ત્વજ્ઞાાનનો અભ્યાસી શાહજાદો દારાસિકોહ રાજશેતરંજની ચાલ બરાબર ચાલી ન શકયો. નાના ભાઈએ એની પણ કત્લ કરી. કવિરાજનો આશ્રયદાતા ને ગુણજ્ઞા સિપેહસાલાર આસફખાં પણ થોડે દિવસે મૃત્યુ પામ્યો ! દિલ્હી દરબારમાંથી સંગીત, કાવ્ય ને કલાને દેશવટો મળ્યો !
કલાકાર કોનું નામ ! તેઓએ પોતાના હૃદયદર્દને માર્મીક રીતે વ્યક્ત કરવા એક જનાજો કાઢ્યો. તમામે તમામ દરબારી વિદ્વદ્મંડળીના આલમફાઝલો તેમાં જોડાયા. ઝરૂખા પરથી આલમગીરી બાદશાહ ઔરંગઝેબે ડોકિયું કરતાં કહ્યું :
' અરે ! કોણ ગુજરી ગયું ?'
'હજૂર, કવિતા ને સંગીતના દેવી !' કહેવામાં કટાક્ષ હતો. ચતુર, કાબેલ બાદશાહ ઔરંગઝેબ એ સમજ્યા ! એણે કહ્યું, 'અરે ! એને એવી રીતે દફનાવજો કે ફરીથી બહાર ન નીકળી શકે ! ' છેલ્લો પ્રયાસ વ્યર્થ ગયો. વનમાં દવ લાગ્યાની આશંકાથી માળામાંથી પંખી ઊડી જાય, એમ વિદ્વદમંડળી યત્રતત્ર વિખરાઈ ગઈ. સ્વપ્નની એ સુંદર સૃષ્ટિ નાશ પામી !
કવિરાજ પંડિત જગન્નાથ અને કવિતારાણી લવંગિકાની વાસંતિક દુનિયામાં પાનખરના પડઘા પડયા. પંડિતરાજના આ લગ્નથી સમાજનો લાલ ડોળો તેમના પર ઘૂરકતો હતો જ. સમાજે પંડિત રાજને સ્પષ્ટ કહેવરાવ્યું હતું કે : 'તમે તમારી ભૂલ કબૂલ કરો. એ યવન સ્ત્રીનો ત્યાગ કરો. પ્રાયશ્વિત કરી શુદ્ધ થાઓ, તો જ સમાજ તમને સ્વીકારે. નહિ તો તમારી સાથે સર્વ વ્યવહારો બંધ છે.'
કવીશ્વર પંડિતરાજે ઉત્તરમાં કહ્યું :' પ્રાયશ્ચિત અને શુદ્ધનો આદેશ સ્વીકારું છું. પણ બંને જણ માટે. કવિતારાણી લવંગિકાનો ત્યાગ નહિ કરી શકું. એ મૂળે હિંદુ માતાની પુત્રી છે. ઊંચામાં ઊંચી આર્યકન્યા જેટલી પવિત્ર છે. હિંદુ ધર્મ પર આસ્થા રાખે છે. સંસ્કૃત વિદ્યામાં પારંગત છે. ગંગાજળથી શુદ્ધ થઈ એણે મારો હાથ ગ્રહ્યો છે !'
સમાજના કાન બીજી કોઈ પણ દલીલ માટે બહેરા હતા. એને ત્યાં તો જન્મનું જ મહત્વ હતું. ગંગાજળની કે આસ્થાની એને પડી નહોતી ! છતાં શાહી મહેરબાનીનાં વાદળો વરસતાં રહ્યાં, ત્યાં સુધી સમાજ એમની સામે આંગળી પણ ઊંચી ન કરી શક્યો, ન પંડિતરાજને પણ સમાજની તમા રહી.
એક દિવસ આખી દુનિયા પલટાઈ ગઈ ! પંડિતરાજ સામે સમાજનો બહિષ્કાર સખ્ત બન્યો. દિલ્હીમાં વસવું અશક્ય બન્યું. પોતાના એકના એક પુત્રને લઈને પંડિતરાજ ચાલી નીકળ્યા. મેવાડ, બંગાળ ને મથુરાના પ્રવાસ ખેડવા લાગ્યા. કવિતામાં એ કાળે એમનો હરીફ નહોતો. પણ તમામ જગાએ સમાજે એમના બહિષ્કારની પહેલેથી જ તજવીજ કરી રાખી હતી. હડકાયા શ્વાનની જેમ બધેથી એમને જાકારો મળ્યો. એવામાં બંગાળના કાળા જ્વરે એકના એક પુત્રને ઘેરી લીધો. પુત્ર-મૃત્યુએ કેસરીનાં હાડ ગાળી નાંખ્યા !
અસ્થિપિંજર બનેલાં બંને એકબીજાની છાયા બનીને જીવતરનો પ્રવાસ ખેંચી રહ્યાં. લવંગિકાએ ઘણી વાર પોતે મરીને પંડિતજીનો રાહ સરળ કરી આપવા ઈચ્છયું. પણ પંડિતજીએ તો કહી દીધું 'તારું મૃત્યુ સાંભળીશ કે બીજી પળે માથું ફોડીને મરી જઈશ. સખી ! જીવશું-મરશું સાથે !'
હિંદુ આત્મા કાશીક્ષેત્રમાં પોતાના હાડ પાડવા ઈચ્છે છે. બંને કવિ-આત્માઓ એક દિવસ કાશી આવી પહોંચ્યા, પણ નિર્બળોને સતાવવામાં સામર્થ્ય લેખતો સમાજ અહીં પણ હાજર હતો. ગલીએ ગલીએથી કાંકરા વરસ્યા ! માર્ગમાં મરેલા ઉંદર મળ્યા ! એમનો બહિષ્કાર થયો. રહેવાને ઘર ન મળ્યું. ખાવાને અન્ન ન મળ્યું.
કવીશ્વર પંડિત જગન્નાથ ફારસીના અજબ વિદ્ધાન હતા. સિપેહસાલાહ આસફખાંને વર્ણવતું 'આસફ-વિલાસ'ને શાહજાદા દારાને બિરદાવતું 'જગદાભરણ' કાવ્ય લોકોની જબાન પર રમતું હતું. એવું એકાદ કાવ્ય રચીને તેઓ રાજાનો આશ્ચય મેળવી શકત. પણ હવે એવી રૂચિ ઓસરી ગઈ હતી !
સમાજ સામે વેર લેવાની પણ તક હતી. નવ મુસ્લિમોની નામાવલિમાં નામ લખાવ્યા પછી, શાહી મહેરબાની પણ એમની કદમબોસી કરવા તૈયાર હતી. એ સત્તાના બળે સમાજની એક એક વ્યક્તિને તેઓ હેરાન કરી શકત ! અનેક હડધૂત જીવોએ આ રાહ પકડી પોતાની દુભાયેલી આંતરડી ઠારી હતી. પણ આ કેસરીને એમ ખડ ખાવું ગમ્યું નહીં ! કાવ્યજગતના વયોવૃદ્ધ કેસરીએ એ તુચ્છ દેડકાંનો ચારો ન રૂચ્યો ! એણે ભૂખે મરવું પસંદ કર્યું. રસ્તા પર સૂઈ રહેવું સ્વીકાર્યું. !
અને એક દિવસ આવા માનહીન જીવનથી થાક્યા, તો ગંગાજીની ગોદમાં ચિર વિરામની ઈચ્છાએ સજોડે પ્રયાણ કર્યું !
ગંગાના પવિત્ર 'મણિકકર્ણિકા'ના ઘાટ પર વયોવૃદ્ધ પંડિતજીના મુખમાંથી ઉચ્ચ સ્વરે કાવ્ય સંભળાયું : સંસ્કૃતમાં
દિશાઓને ભરી દેતા એ સૂર હતા. એક એક કાવ્યપંકિતમાં અદભૂત લાલિત્ય હતું ! એમાં મનના લવલેશ ડંખ નહોતા ! મૃત્યુ સમયને શોભતી પવિત્ર ઉદારતા હતી !
આખું તીર્થક્ષેત્ર ત્યાં ઉભરાઈ ગયું. પંડિતરાજ કવિતારાણી લવંગિકા સાથે એક એક શ્લોક એક એક પગથિયું ઊતરતા હતા. પિસ્તાલીસ શ્લોક થતાં ગંગાજળ એમના પગને સ્પર્શર્યું ! ગંગાનાં ઘૂમરી લેતાં જળ દોડી દોડીને પંડિતજીને વળગવા આવ્યાં ! આવો, આવો, પંડિતરાજ ! તમારા પાય પખાળું !
એક શ્વોક વધુ, એક પગથિયું વધુ ને પાણી ગોઠણભેર થયાં ! રે મા ગંગા ! તું જાણે વર-વહુને ગોદમાં તેડીને ખડી રહી ! રે ! તને આભડછેટ ન લાગી !
એક શ્લોક વધુ, એક પગથિયું વધુ ને પાણી કમ્મરપૂર થયાં ! મા જાહ્નવી જાણે બંનેને અંકમાં લેવા તલસી રહી હતી ! એક શ્લોક વધુને પાણી ગળાબૂડ !
'પંડિતરાજ ! પાછા વળો !' જનમેદનીમાંથી હાહાકાર ઊઠયો.
પણ પાછા વળવા માટે તો કવીશ્વર પંડિત જગન્નાથ આવ્યા નહોતા. અને જીવતા પાછા વળેલા માનવી માટે તો સમાજ એટલો ને એટલો જ કઠોર હતો ! મરેલાની પૂજા જ એનાં મંદિરોમાં હતી. જીવતા દેવને વસવા જગ્યા નહોતી.
સહુ જોતા રહ્યા ને વિદ્યાનો સાગર પોતાની કવિતારાણી સાથે ગંગામૈયાના અનંત ઊંડાણમાં ઊતરી ગયો. ઊંડાં ગંગાજળ કીમતી ખજાનાની જેમ બંનેને હૈયામાં સંઘરીને બેસી ગયાં !
પ્રસંગકથા
અંતે ઠેરના ઠેર !
ઘણા વર્ષો બાદ બે મિત્રની મુલાકાત થઈ ! વિદેશથી થોડા સમય માટે ભારત આવેલા નરેનને એનો મિત્ર મળ્યો. બંનેએ પોતાની કોલેજકાળની દોસ્તી વિશે ઘણી વાતો કરી, જીવનના આવેલા પરિવર્તનની ચર્ચા કરી. મેશેી સ્વાભાવિક રીતે જ પોતાના મિત્ર નરેનને પૂછ્યું,
'તારી પત્ની કેવી છે ? તારી બરાબર સંભાળ રાખે છે ને ?'
કહ્યાગરા કંથ નરેને પત્ની વિશે પ્રશંસાનાં પુષ્પો વેરવા માંડયા અને કહ્યું, 'અરે, એ મારી એકેએક બાબતનું ધ્યાન રાખે છે. કોઈપણ વસ્તુ માગું એટલે ઘડીના ય વિલંબ વિના હાજર કરી દે છે.'
મહેશે કહ્યું, 'વાહ, આવી પત્ની તો કોઈ ભાગ્યશાળીને જ મળે. જે મગે તે તત્કાળ હાજર કરે.'
નરેને કહ્યું, 'એક દિવસ અમે થોડાં મિત્રોને ઘેર ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું. સરસ મજાના તૈયાર પીઝા લઈ આવ્યા. મિત્રોએ હોેંશે હોંશે આરોગ્યા, બધા મિત્રો વિદાય પામ્યા, ત્યારે અર્ધી રાત થઈ ચૂકી હતી. અર્ધી રાત્રે મેં મારી પત્નીને કહ્યું કે ગરમ પાણી લાવ અને મારી પત્ની કશી ય આળશ વગર તરત જ પાણી ગરમ કરીને લઈ આવી.'
'બહુ વિચિત્ર વાત કહેવાય. અર્ધી રાત્રે પાણી ગરમ કરવાનું કહેવું તે.'
નરેને કહ્યું, 'હા, કારણ કે હું ઠંડા પાણીથી પ્લેટ ધોઈ શકતો નથી.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે નરેન જેવી જ કોંગ્રેસ પક્ષની દશા છે. પ ક્ષના સિનિયર નેતાઓ ગમે તેટલા ધમપછાડા કરે, પણ ગાંધીકુટુંબની પરસ્તી એ છોડી શકતા નથી.
તેઓ નેતૃત્વ પરિવર્તનની વાત કરે છે. ક્યારેક નિવેદનો આપે છે, તો કવચિત્ સોનિયાજીને પત્રો પાઠવે છે, પણ અંતે તો એમનેું નેતૃત્વ સ્વીકારવું પડે છે. ભવ્ય ભૂતકાળ ધરાવતા આ પક્ષની આજે કેવી અવદશા છે ! ગાંધીકુટુંબની બહાર પક્ષને નેતૃત્વ આપે તેના પ્રત્યે એ નજર પણ દોડાવી શકતો નથી.
રાજકારણમાં કૉંગ્રસ પક્ષ પીછેહઠ કરે છે, પણ એને રોકી શકતા નથી. પક્ષમાં લોકશાહીની વાતો થાય છે, પરંતુ એને અમલમાં મૂકી શકતા નથી. વાતો ઘણી થાય, વિચારો રજૂ થાય, પત્રો લખાય. નિવેદનો થાય પણ અંતે તો ઠેરના ઠેર !
આજની વાત
બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ : જહાંપનાહ, વિશ્વમાં ભારતીય ટેલિવિઝન ચેનલોને એક બાબતમાં કોઈ પ રાજય આપી શકે તેમ નથી.
બાદશાહ : કઈ બાબત ?
બીરબલ : જહાંપનાહ, આ ટી.વી. ચૅનલ વીર રસની બાબતમાં બેમિસાલ છે. યુદ્ધની ઘટના હોય, પાકિસ્તાન કે ચીનની યોજના હોય, નેતાઓનું વિવાદાસ્પદ વિધાન હોય કે પ્રેમની કરૂણાંતિકા હોય - બસ, એને યુદ્ધમાં પલટાવવાનું અજોડ શોર્ય આ એન્કરો પાસે છે. આ ચૈનલ્સ જોઈએ તો એમ લાગે કે ભારત એ કોઈ દેશ નથી, પણ યુદ્ધભૂમિ છે.
Comments
Post a Comment