મહારાજા સિંહ પાસેથી દાણા ચરનારા મોરભાઈ માનીતા સાથે હસીના હરણીની ખાસ વાતચીત

'નમસ્કાર! હું છું આપની પ્યાઆઆરી હસીના હરણી અને આપ જોઈ રહ્યાં છો - 'જંગલ ન્યૂઝ'. આજે મારી સાથે સ્ટૂડિયોમાં ઉપસ્થિત છે શ્રીમોરભાઈ માનીતા. મહારાજા સિંહના શુભ પંજે ભોજન મેળવવા સદભાગી થયેલા શ્રીમોરભાઈને તો આપ સૌ ઓળખતા જ હશો. ઈન્સ્ટાગ્રામમાં ખુદ મહારાજા સિંહે મોરભાઈ માનીતાનો વીડિયો શેર કર્યો હતો. એટલું જ નહીં, મોરભાઈના સન્માનમાં મહારાજા જેવા મહારાજાએ કવિતા લખી હતી. તો બીજી તરફ મોરભાઈએ પણ મહારાજાના મનોરંજન ખાતર ડાન્સ કરીને મિત્રતા નિભાવી હતી.
એવા આ મોરસમાજના નવા સેલિબ્રિટી મોરભાઈ માનીતા આપણી સાથે તેમના અનુભવો શેર કરશે. મહારાજા સિંહે દાણો ચર્યા પછી મોરભાઈનો આ પ્રથમ ઈન્ટરવ્યૂ છે. તો ચાલો વાતો કરીએ શ્રીમોરભાઈ માનીતા સાથે...'
હસીના હરણી : (એન્કરને શોભે એવું કૃત્રિમ સ્મિત આપીને) 'માનીતાજી! 'જંગલ ન્યૂઝ'માં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું'
મોરભાઈ માનીતા : (કેમેરા સામે જોઈને) 'ધન્યવાદ હસીનાજી!'
હસીના હરણી : 'તો અમારા દર્શકોને જણાવો કે મહારાજા સિંહ અને તમારી દોસ્તી કેવી રીતે થઈ?'
મોરભાઈ માનીતા : 'હું છેલ્લાં આઠ-દસ વર્ષથી મારા પરિવાર સાથે મહારાજા સિંહની ગુફાની નજીક રહું છું. મહારાજા સિંહને ખૂબ નજીકથી જોતાં મને ખ્યાલ આવ્યો કે આમ તો મહારાજા સિંહ કોઈને દાણો નાખે એવાં નથી, પરંતુ જો હું કેમેરાપોઝ આપવાની કળા વિકસાવીને મહારાજાના ફોટોસેશનમાં સહકાર આપું તો વાત બને એમ હતી.....'
હસીના હરણી : 'હમ્મમ્મ હમ્મમ્મ....પછી શું થયું?'
મોરભાઈ માનીતા : 'એક વખત મહારાજા સિંહ મોર્નિંગ વૉક કરતા હતા ત્યારે તેમનું ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીનું સેશન ચાલતું હતું. એ વખતે તક જોઈને મેં હિંમત કરી. મહારાજા સિંહ જે રસ્તે આવતા હતા ત્યાં વચ્ચે હું ભાવવિભોર થઈને નૃત્ય કરતા કરતા પહોંચી ગયો.
હસીના હરણી : 'ઓહ વાઉ.. સો અમેઝિંગ....'
મોરભાઈ માનીતા : (હસીનાને આટલી વાતમાં શું અમેઝિંગ લાગ્યું એ ન સમજાતા આગળ ચલાવ્યું) 'મારા નસીબ સારા કે મહારાજાના ફોટોગ્રાફર્સે મને કેમેરામાં એવો આબાદ ઝીલી લીધો કે મહારાજાની છટામાં ચાર ચાંદ લાગી ગયા.'
હસીના હરણી : 'સુપર્બ... તમારું સૌંદર્ય તો જગવિખ્યાત છે જ, એમાં મહારાજા સિંહની છટા ભળે એટલે કંઈ કહેવાપણું હોય?'
મોરભાઈ માનીતા : (સહેજ શરમાઈને) 'જી. થેન્ક્યુ. મહારાજા સિંહ સમજી ચૂક્યા હતા કે તેમની તસવીરો મારા કારણે મનોહર બની હતી. મહારાજા સિંહ તો પારખુ રાજકારણી છે. કોણ, કેટલું, ક્યારે લાગશે એ તેઓ કાચી સેકન્ડમાં ઓળખી કાઢે છે. મને ય તેમણે ઓળખી કાઢ્યો. બસ, એ પળથી અમે સાથે શૂટિંગ શરૂ કર્યું. તમે જે વીડિયો જોયો એ તો પસંદ કરેલા અંશો છે, બાકી અમારા બંનેનું સાથે જે શૂટિંગ થયું એ તો બે-ત્રણ ટીબીની હાર્ડડ્રાઈવમાં ય માંડ સમાય એટલું છે.'
હસીના હરણી : 'તમારો અનુભવ કેવો રહ્યો? આટલા મોટા રાજકારણી સાથે શૂટિંગ કરતા હતા ત્યારે નર્વસ થયા હતા?'
મોરભાઈ માનીતા : 'મારો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો. મેં રાજકારણીઓમાં એક્ટિંગની આટલી સુંદર આવડત હોય એવું ક્યારેય વિચાર્યું પણ ન હતું. આ મારો અંગત મત છે, પણ મને કહેવા દો કે જો મહારાજા સિંહ એક્ટર હોત તો જંગલના મોટા-મોટા એક્ટર્સને પાછળ રાખી દેત.'
હસીના હરણી : 'તમને ક્યારેય એવો ડર ન લાગ્યો કે ક્યાંક મહારાજા સિંહનો ખતરનાક પંજો પડશે તો શું હાલત થશે? તમને એવી બીક ન લાગી કે ક્યાંક મહારાજા તમને સવારનો નાસ્તો ન બનાવી નાખે? તો તો તમારો પરિવાર રઝળી પડત (હસીનાએ અવાજથી સ્ટૂડિયોમાં ભયનો માહોલ સર્જી દીધો)'
મોરભાઈ માનીતા : 'મને એવો ડર તો લાગ્યો જ હતો, પણ હિંમત કર્યા વગર તો કેવી રીતે ચાલે હસીનાજી!'
હસીના હરણી : (એ વાક્યથી ઈમ્પ્રેસ થઈને ઉત્સાહથી) 'વાહ ક્યા બાત હૈ! હિંમત કર્યા વગર તો સફળતા મળે જ નહીં. બહુ જ સરસ વાત કરી મોરભાઈ માનીતાએ. ....'
તો દોસ્તો અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે મોરભાઈ માનીતા સાથે થઈ રહેલી એક્સક્લુઝિવ વાતચીત આગળ વધારીશું. જોતા રહો 'જંગલ ન્યૂઝ...'
*
વિરામ બાદ ફરી એક વખત જંગલ ન્યૂઝની અમારી વિશેષ રજૂઆતમાં હું હસીના આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાતો કરી રહ્યા છીએ શ્રીમોરભાઈ માનીતા સાથે..
હસીના હરણી : 'મહારાજા સિંહે તમારા માટે કવિતા લખી એ વિશે તમે શું કહેશો?'
મોરભાઈ માનીતા : 'એ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.'
હસીના હરણી : 'અમારા દર્શકો જાણવા માગે છે કે... (હસીનાએ કાગળમાંથી સવાલ જોયો) તમે એક એક દાણો બહુ વિચારી વિચારીને કેમ ખાતા હતા? એક દાણો ખાઈને તરત મહારાજા સિંહ સામું જોતા હતા. પછી હળવેકથી બીજો દાણો ચાંચમાં લેતા હતા. જાણે ડરતા હોય એ રીતે કેમ ખાતા હતા? એ વખતે તમને કઈ વાતનો ડર લાગતો હતો?'
મોરભાઈ માનીતા : (સંકોચ સાથે. થોડા ધીમા અવાજમાં) 'મેં મહારાજા સિંહ વિશે જે બધું સાંભળ્યું હતું એ પરથી મને વિશ્વાસ આવતો ન હતો. મને એમ હતું કે મહારાજા સિંહ દાણાં આપીને મને પકડવાની પેરવી કરતા હશે કે શું?'
હસીના હરણી : (વાતને વધારે ડ્રામેટિક અને વિવાદાસ્પદ બનાવવાના ઈરાદાથી મોટા અવાજે) 'શું વિશ્વાસ આવતો ન હતો? તમને એમ કેમ લાગ્યું કે મહારાજા સિંહ તમને પકડવાની પેરવી કરી રહ્યા છે? અમારા દર્શકોને જણાવો કે તમે એવું કેમ વિચાર્યું?'
મોરભાઈ માનીતા : 'સાચું કહું તો મને પહેલાં તો આ દાણાં ચૂંટણીવચનો જેવા જ લાગતા હતા. જેમ ચૂંટણી પહેલાં નેતાઓ ચૂંટણીવચનોના સ્વરૂપે મતદારો સામે દાણા નાખતા હોય છે એવું જ મને એ વખતે ફીલ થતું હતું. દાણાના બહાને રાજા સિંહ બીજો કોઈ હેતુ સિદ્ધ કરતા હશે એવું મને લાગતું હતું.'
હસીના હરણી : 'વીડિયોમાં જોઈ શકાય છે એમ તમે વારંવાર મહારાજા સિંહના રસ્તામાં આવતા હતા. મહારાજા સિંહ કચડી નાખશે એવો ડર ન હતો?'
મોરભાઈ માનીતા : 'એવો ડર ચોક્કસ હોત, જો હું રાજકારણમાં તેમનો સાથી કે હરીફ હોત તો!'
હસીના હરણી : (મોરના પંચમાં ખાસ કંઈ સમજ ન પડતા. આગળનો સવાલ કાગળમાં જોયો) 'તમારી ટીકા થઈ રહી છે કે તમે મહારાજા સિંહના પાળિતા મોર છો અને તેમના માટે પ્રાઈવેટ શોઝ કરો છો. મોરના નૃત્યો જંગલવાસીઓ માટે યોજાય તે વધારે યોગ્ય છે એવો મત મોર સમાજના કલાકાર મસ્તરામ મોરે વ્યક્ત કર્યો હતો.'
મોરભાઈ માનીતા : (અકળાઈને) 'મસ્તરામ મોર તો મહારાજા સિંહનો ટીકાકાર છે. તમે તેમની વાત અહીં ન કરો એ જ બરાબર રહેશે. મારી કલાનો મારે કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી કરવાનો હક મારો જ છે. જંગલવાસીઓ માટે શો કરીને મને શું ફાયદો થાત?' (અભિમાનમાં ગરદન ટટ્ટાર કરીને) 'આજે હું સેલિબ્રિટી છું. કારણ કે હું મહારાજા સિંહ માટે મારી કલા પેશ કરું છું.'
હસીના હરણી : (મોરભાઈ માનીતાને ઉશ્કેરવાના હેતુથી) 'તમારા વિશે એવું પણ કહેવાયું છે કે તમે ટેલેન્ટેડ નથી, પણ નસીબદાર છો'
મોરભાઈ માનીતા : (ચિડાઈને) 'એના વિશે મારે કશું કહેવું નથી.'
હસીના હરણી : (અવાજ મોટો કરીને) '...પણ એ વાત તો સાચી જ છે કે તમે અસંખ્ય જંગલવાસીઓ કરતા વધારે નસીબદાર છો. મહારાજા સિંહના ગોડાઉનમાંથી દાણો-ચારો બહાર આવશે અને પોતાના સુધી પહોંચશે એવી અસંખ્ય ભૂખ્યા જંગલવાસીઓને આશા છે, ને બીજી તરફ મહારાજા સિંહ તમને એકલાને દાણો-પાણી આપી રહ્યાં છે. તમારી સરખામણી ઘણાં જંગલવાસીઓ જંગલના ઉદ્યોગપતિઓ સાથે પણ કરી રહ્યા છે...'
મોરભાઈ માનીતા : (ગુસ્સામાં ઉભા થઈને ચાલવા લાગે છે) 'મારે તમારી સાથે આગળ કોઈ વાત નથી કરવી...'
હસીના હરણીએ આગળ ચલાવ્યું : 'તો દોસ્તો આ હતા શ્રીમોરભાઈ માનીતા. જોકે, હવે માનીતાજી રીસાઈ ગયા છે. તેમને મારી સાચી વાતોનું ખોટું લાગી ગયું હોવાથી તેમણે મારો શો અધૂરો મૂકી દીધો. અગાઉ મહારાજા સિંહ પણ આ જ રીતે અઘરા સવાલો પૂછાતા ઈન્ટરવ્યૂ અધૂરા મૂકી ચૂક્યા છે.'
શો પૂરો કરવાની જાહેરાત કરતા હસીના હરણીએ કહ્યું : 'ખેર, તો ફરી કોઈ નવી સેલિબ્રિટી સાથે હું હસીના હરણી તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી તમારી પ્યાઆઆઆરી હસીના હરણીને રજા આપો. જોતા રહો 'જંગલ ન્યૂઝ'....'
Comments
Post a Comment