સરહદના ગાંધી, અનહદના ગાંધી

- ભારત, પાક, અફઘાન ત્રણે દેશ તેમની કર્મભૂમિ રહ્યાં, ગુજરાતની જેલમાં તેમણે ગીતા અને કુરાનના વર્ગખંડ ચલાવેલા


ગાંધી સહસ્ત્રાબ્દિ પુરુષ છે. હજાર વર્ષે કે તેનાથી પણ વધુ સમયે તેમના જેવો એક મહાપુરુષ પાકે. સામાજિક, રાજકીય, ધાર્મિક જીવનના દરેક સ્તરે તેમણે પોતાના વિચાર પ્રગટ કરેલા છે. તમે તેમની સાથે અસહમત થઇ શકો, પણ તેમના વિચારોનો છેદ ઉડાડી શકો નહીં. ગાંધીની પ્રતિકૃતિઓ પણ એટલી જ પહાડના ગાંધી, આફ્રિકાના ગાંધી, અમેરિકાના ગાંધી, સીમાંત ગાંધી ને બીજા કેટકેટલા ગાંધી. આઝાદીના આંદોલન વખતે ગામડે-ગામડે નાના-નાના ગાંધીઓ ઊભા થયેલાનું આપણે ડિસ્કવરી ઑફ ઇંડિયામાં વાંચ્યું છે.

આધુનિક વિશ્વ પર મહાત્મા ગાંધીનો જેટલો પ્રભાવ છે એટલો ભાગ્યે જ બીજા કોઇ આધુનિક યુગ પુરુષનો હશે. મહાત્મા ગાંધી જેવા જ એક ગાંધી પઠાણોમાં થઇ ગયા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. અહિંસા, માનવતા, સામાજિક ન્યાયના મૂલ્યો સ્થાપિત કરવા માટે ૩૫ વર્ષ જેલમાં વિતાવનારા ખાન અબ્દુલ ગફાર ખાનની અફઘાનિસ્તાનને સવિશેષ જરૂર છે.

એ ધરતી જ્યાં તેમણે પોતાનો ઉત્તરાર્ધ વિતાવ્યો. જે ધરતી પર તેઓ અહિંસક આંદોલન લડયા ત્યાં આજે દિવાળીના ચાંદલિયાની જેમ બોમ્બ ફૂટતા રહે છે. દાયકાઓ લાંબો રક્તપાત સુકાવાનું નામ લઈ રહ્યો નથી. 

 આઝાદી પછી તેઓ પાકિસ્તાનમાં સ્થાયી થયેલા અને બાદમાં ત્યાંથી અફઘાનિસ્તાન જતા રહેલા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને સરહદના ગાંધીની ઉપમા આપવા સામે કેટલાક ઇતિહાસના મર્મજ્ઞાો વાંધો ઉઠાવે છે. તેમનું કહેવું છે કે ગફ્ફાર ખાને અહિંસાનું દર્શન પોતીકી રીતે અને ગાંધીને મળ્યા પહેલા જ પ્રાપ્ત કરી લીધું હતું. તેઓ કહેતા કે કુરાનની આધ્યાત્મિક ગહેરાઈઓમાં અહિંસાનું દર્શન છે. પઠાણ લડાયક કોમ છે. તેમાં ગફ્ફાર ખાન જેવો અહિંસક વીરલો પાકે અને હજારો પઠાણોને અહિંસાના માર્ગે વાળે તે ઘટના સ્વયં ગાંધીને પ્રભાવિત કરી દેનારી હતી. 

૧૯૩૮માં ગાંધીજી ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંતમાં નીકળ્યા તો ત્યાંના ઉર્દૂ અખબારોએ લખ્યું કે, જન્મજાત શૂરવીર અને લડાયક પઠાણોને ગાંધી અહિંસાનો સબક શીખવશે તો પઠાણ કાયરબની જશે. ૪થી માર્ચ ૧૯૩૮ના રોજ પેશાવરની ઇસ્લામીયા કોલેજમાં ગાંધીએ આનો જવાબ આપતાં કહ્યું, 'શરૂ શરૂમાં લોકોને લાગ્યું કે હું તેમને ડરપોક બનાવવા જઇ રહ્યો છું. જો ખરેખર એવું જ હોય તો અહિંસાથી નફરત કરવી જોઇએ. એક ઉર્દુ અખબારે લખ્યું છે કે હું સરહદના પઠાણોને નામર્દ બનાવવા આવ્યો છું.

ખરેખર એવું નથી. ખાનસાહેબે મને પઠાણોને મારા મોંઢેથી અહિંસાનો સંદેશ આપવા તો બોલાવ્યો જ છે સાથોસાથ અહીંના પઠાણોએ અહિંસાને કેટલી તીવ્રતાથી અપનાવી છે તે નજરોનજર જોવા માટે બોલાવ્યો છે.'

ગફ્ફારખાન અહિંસાને માનવતાની સેવારૂપે જોતા હતા. પોતાના સંગઠનનું નામ 'ખુદાઇ ખિદમતગાર' રાખવા પાછળની પણ આ જ ભાવના હતી. ખુદાઈ ખિદમતગાર એટલે ઈશ્વરે રચેલી દુનિયાનો સેવક. બાદશાહ ખાને જે રીતે અહિંસાનો પ્રસાર કર્યો હતો તેનાથી પ્રસન્ન થઇને મહાત્માએ ૧૯ નવેમ્બર ૧૯૩૮માં 'હરિજન'માં એક લેખ લખ્યો. તેમણે લખ્યું, 'ખુદાઇ ખિદમતગાર ચાહે જેવું હોય, અંતે જેવું સાબિત થાય પરંતુ બાદશાહ ખાનની નિષ્ઠા પર શંકા ઉઠાવી શકાય તેમ નથી.

તેમણે આ કામમાં પોતાનો આત્મા રેડી દીધો છે. તેમને પરિણામની ફિકર નથી. તેમને માત્ર એટલું સમજાય છે કે અહિંસાને પૂર્ણપણે સ્વીકાર્યા વિના પઠાણ મુક્ત થઇ શકે નહીં. આટલું સમજવું તેમના માટે બહુ છે. પઠાણ બહુ સારા યોદ્ધા છે તે વાતનો તેમને કોઇ ગર્વ નથી. તેઓ પઠાણની બહાદૂરીની કદર કરે છે પણ એ વાતનો પણ તેમને બરાબર ખ્યાલ છે કે પઠાણની અત્યાધિક પ્રશંસાએ તેમને બગાડી નાખ્યા છે.

તેઓ નથી ઇચ્છતાં કે તેમના પઠાણ ભાઇઓને સમાજમાં ગુંડા તરીકે જોવામાં આવે. તેમનું માનવું છે કે પઠાણોને ખોટા માર્ગે ચડાવીને લોકોએ પોતાનો સ્વાર્થ સાધ્યો છે અને તેમને અજ્ઞાાનના અંધકારમાં રાખ્યા છે. તેઓ ઇચ્છે છે કે પઠાણ જેટલા બહાદુર છે તેના કરતાં વધારે બહાદૂર બને અને પોતાની બહાદૂરીમાં જ્ઞાાનનો પણ ઉમેરો કરે. આ કામ કેવળ અહિંસાની મદદથી જ કરી શકાય છે.'

બ્રિટિશ સરકાર જો કોઇથી સર્વાધિક ડરતી હોય તો તે પઠાણ હતા. ખુદાઇ ખિદમતગાર જેવા અહિંસક સંગઠન પર તેમણે અનેક વખત પ્રતિબંધો લાદ્યા. ૧૯૩૯માં મ્યુરીયલ લેસ્ટર નામની બ્રિટનની શાંતિવાદી મહિલાએ સીમાપ્રાંતની યાત્રા ખેડી ત્યારે તેઓ બાદશાહ ખાનના અહિંસક વ્યકિતત્વથી બહુ જ પ્રભાવિત થયાં.

તેમણે મહાત્માને પત્રમાં લખ્યું, 'ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને મળ્યા પછી મને લાગે છે કે ભાગ્ય જ હું તેમના જેવી બીજી કોઇ અદ્ભુત વ્યકિતને મળી શકીશ. તેઓ ન્યુ ટેસ્ટામેન્ટની સૌમ્યતાથી ભરેલા ઓલ્ડ ટેસ્ટામેન્ટના રાજકુમાર છે. તેઓ કેટલા ભગવદ્ પરાયણ છે! તમે તેમની સાથે મારો પરિચય કરાવ્યો એ બદલ હું આપની આભારી છું.'

ખાન અબ્દુલ ગફ્ફાર ખાન પ્રત્યે અંગ્રેજોનું જે વલણ હતું તેની ટીકા કરતાં મહાત્મા ગાંધીએ ૨૮ જાન્યુઆરી ૧૯૩૯ના 'હરિજન'માં લખ્યું, અંગ્રેજો તેમનાથી ડરે છે. તેમને અવિશ્વાસની નજરથી જોવે છે. આ અવિશ્વાસ એટલા માટે મને ખરાબ લાગે છે કેમ કે તેનાથી પ્રગતિમાં અવરોધ પેદા થાય છે. એનાથી ભારત અને ઇંગ્લેન્ડની હાનિ થાય છે એ રીતે વિશ્વને પણ નુકસાન થાય છે.'

૧૬મી જુલાઇ ૧૯૪૦ના રોજ સેવાગ્રામના એક કાર્યક્રમમાં ગાંધીજીએ તેમના ભાષણમાં કહ્યું, 'ખાન સાહેબ પઠાણ છે. પઠાણ માટે કહેવાય છે કે તે તલવાર અને બંદૂક સાથે જ જન્મે છે. પઠાણોમાં વેર વાળવાનો રિવાજ એટલો ચૂસ્ત છે કે જો કોઇ એક પરિજનનું ખૂન થાય તો તેનો બદલો લેવો અનિવાર્ય બની જાય છે. એકવાર બદલો લેવામાં આવે કે બીજા પક્ષે તે ખૂનનો બદલો લેવો પડે છે. આ પ્રકારનું વેર પેઢી દર પેઢી ચાલ્યું આવે છે અને વારસામાં મળે છે.

તેનો ક્યારેય અંત આવતો નથી. આ હિંસાની પરાકાષ્ઠા પણ છે અને દેવાળું પણ. કારણ કે આ રીતે બદલો લેતાં લેતાં પરિવારોનો નાશ થઇ જાય છે. ખાન સાહેબે પઠાણોનો આ રીતે નાશ થતા જોયો. આથી તેઓ સમજી ગયા કે પઠાણોનો ઉદ્ધાર જો શેમાંય હોય તો તે અહિંસામાં છે. તેમણે વિચાર્યું કે જો હું મારા લોકોને ખૂનનો બદલો ન લેવાનું અને ખૂનને ભૂલી જવાનું શીખવું તો વેરની આ પરંપરા સમાપ્ત થઇ જશે અને આપણે જીવિત રહી શકીશું. તેમનો સોદો ખોટનો નહોતો. તેમના અનુયાયીઓએ તે અંગિકાર કર્યો તેથી આજે એવા ખિદમતગાર જોવા મળે છે, જે ખૂનનો બદલો લેવાનું ભૂલી ગયા છે. આને કહેવાય બહાદૂરની અહિંસા અને અથવા સાચી અહિંસા.'

બિહારમાં જ્યારે રમખાણ થતાં હતા ત્યારે મહાત્મા ગાંધી ત્યાં રુબરુ પહોંચીને તેને ઠારવાના પ્રયત્નો કરી રહ્યા હતા. એ સમયે એક વ્યકિત ચોવીસ કલાક તેની સાથે ફરતી હતી તે બીજુ કોઇ નહીં ખાન સાહેબ જ હતા. ૧૨ માર્ચ ૧૯૪૭ના રોજ પટનાની એક સભામાં ગાંધીએ ખાન સાહેબ તરફ ઇશારો કરતાં કહ્યું, બાદશાહખાન મારી પાછળ બેઠા છે.

તેઓ સ્વભાવે ફકીર છે પરંતુ લોકો તેમને પ્રેમથી બાદશાહ કહે છે. કારણ કે તેમણે સરહદના લોકોના હૃદય પર પોતાની મહોબ્બતથી હકૂમત કરી છે. તેઓ જે કોમમાં પેદા થયા છે તેમાં તલવારનો જવાબ તલવારથી આપવાનો રિવાજ છે. તેમાં ખાનદાની લડાઇ અને બદલાનો સિલસિલો પેઢીઓ સુધી ચાલતો રહે છે. પરંતુ બાદશાહ ખાન પૂર્ણપણે અહિંસામાં વિશ્વાસ ધરાવે છે.

મેં તેમને પૂછયું તમે તો તલવારના માલિક છો, તમે અહીં કેવી રીતે આવ્યા? તેમણે કહ્યું કે આપણે અહિંસાના માર્ગે જ દેશને આઝાદી અપાવી શકીએ તેમ છીએ. વળી પઠાણોએ ખૂન કા બદલા ખૂનની પોલિસી ન છોડી અને અહિંસાને ન અપનાવી તો તેઓ અંદરોઅંદર લડીને બરબાદ થઇ જશે. અહિંસાનો માર્ગ અપનાવ્યા પછી તેમણે જોયું કે પઠાણ જનજાતિઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.

ગફ્ફારખાન જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે ગુરુગ્રંથ સાહેબ અને ગીતાનો પણ અભ્યાસ કર્યો. ગુજરાતની જેલમાં તેમણે સંસ્કૃતના વિદ્વાનો અને મૌલવીઓની મદદ લઇને ગીતા અને કુરાનના વર્ગખંડ શરૂ કરેલા. મહાત્મા ગાંધીના સચિવ મહાદેવભાઇ દેસાઇએ કહેલું કે, પોતાની વિશેષતાઓને કારણે ગફ્ફાર ખાન ગાંધીજીથી પણ આગળ નીકળી જાય છે. 

આઝાદી બાદ તેઓ પાકિસ્તાનમાં રહ્યા અને ત્યાં તેમણે પખ્તૂન લઘુમતિના હિતોની લડત ચલાવી. આ બદલ સ્વતંત્ર પાકિસ્તાન સરકારે તેમને જેલ ભેગા કર્યા. ભારતે જેમને સીમાંત ગાંધી કહ્યા હતા તેમની ઝીણાના દેશમાં કેવી કદર થઇ તે જોઇ શકાય છે. તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતને સ્વતંત્ર દેશ પખ્તૂનિસ્તાન બનાવવા માગતા હતા. પાક. સરકારે તેમના આંદોલનને કચડી નાખ્યું. પાકિસ્તાન સરકારની હેરાનગતિને કારણે તેમણે અફઘાનિસ્તાન હિજરત કરવી પડી. અફઘાનીઓ તેમને બાચાખાન કહેતા. 

અફઘાનીસ્તાન પાકિસ્તાનમાં રહીને પણ તેઓ ભારત સાથે જોડાયેલા હતાં. ૭૦ના દશકમાં તેમણે ભારત ભ્રમણ કર્યું. સન ૧૯૮૫માં કોંગ્રેસ શતાબ્દિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. દિલ્હીની ગફાર માર્કેટ તેમના નામે ઓળખાય છે પણ દુ:ખની વાત એ છે કે આ બજાર બ્લેકનો માલ વેચવા માટે કુખ્યાત છે.

તેઓ કહેતા 'ઇસ્લામ અમલ, વિશ્વાસ અને મહોબ્બતનું નામ છે. પ્રત્યેક ખુદાઇ ખિદમતગારની એક જ પ્રતિજ્ઞાા હોય છે, અમે ખુદાના બંદા છીએ. દોલત કે મોતની અમને  પરવા નથી.

મેકલોહાને ગફાર ખાન પર અદ્ભુત ડોક્યુમેન્ટરી બનાવી છે. 'ધ ફ્રન્ટીયર ગાંધી: બાદશાહખાન, અ ટોર્ચ ઓફ પીસ.' તેઓ પોતાની ડોક્યુમેન્ટરી વિશે લખે છે બે વખત નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થયેલા બાદશાહ ખાનની જિંદગી વિશે લોકો કેટલુ ઓછું જાણે છે! ૯૮ વર્ષના આયુષ્યકાળમાં ૩૫ વર્ષ તેમણે જેલમાં વિતાવ્યા. શા માટે? દુનિયાને વધારે સારી, વધારે રહેવા લાયક બનાવી શકાય એટલા માટે. સામાજિક ન્યાય, આઝાદી અને શાંતિ માટે ચલાવેલી લડત તેમને નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને મહાત્મા ગાંધીની હરોળમાં ઊભા રાખી દે છે. 

આજે ખૈબર પખ્તૂંખ્વા ત્રાસવાદથી ખદબદી રહ્યું છે. આજે અફઘાનિસ્તાન શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને સરહદના ગાંધીની જરૂર છે. સરહદના ગાંધી... અનહદના ગાંધી.

આજની નવી જોક

છગન (મગનને): મા અને પત્ની વચ્ચે શું ફરક છે?

મગન: ખબર નહીં. તું કે...

છગન: મા બોલતા શીખવે છે અને પત્ની ચૂપ રહેતા.

મગન: હેં!?


Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો