કોરોનાનો રિકવરી રેટ વધ્યો પરંતુ કેસોની સંખ્યા ચિંતાજનક


- વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર ગયા અઠવાડિયે દુનિયામાં કોરોના સંક્રમણના કેસોમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો

- કોરોનાને લઇને હોંગકોંગમાંથી એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં કોરોનામાંથી સાજી થયેલી એક વ્યક્તિને ફરી વખત કોરોનાનું સંક્રમણ થયું છે એ સંજોગોમાં કોરોનાનો પ્રકોપ હળવો થયા પછી પણ લોકોએ ભારે સાવધાની રાખવાની આવશ્યક્તા છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસનો કહેર હજુ દુનિયાભરમાં વરસી રહ્યો છે પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયા અને ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રને બાદ કરતા આખી દુનિયામાં મહામારીની ગતિ ધીમી પડી રહી છે. આ ક્ષેત્રોને સિવાય વૈશ્વિક સ્તરે કોરોનાના નવા મામલા અને મૃત્યની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકા કોરોના મહામારીનો સૌથી મોટો ભોગ બનેલો દેશ છે. એ પછી બ્રાઝિલ અને ભારતનો નંબર આવે છે. કોરોના સંક્રમિત લોકોનો આંકડો અઢી કરોડને આંબવા આવ્યો છે જ્યારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા આઠ લાખને વટાવી ગઇ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર ગયા અઠવાડિયે દુનિયામાં કોરોના સંક્રમણના ૧૭ લાખ નવા કેસ નોંધાયા અને ૩૯ હજાર લોકોના મૃત્યુ નીપજ્યાં. જે અગાઉના સપ્તાહની સરખામણીમાં ચાર ટકા જેટલા ઓછા અને મૃત્યુની સંખ્યામાં ૧૨ ટકાનો ઘટાડો સૂચવે છે. પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાના નવા કેસોમાં ૨૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આમાં મોટા ભાગના કેસો ભારતમાં સામે આવી રહ્યાં છે. નેપાળમાં પણ કોરોનાનું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે. પૂર્વ ભૂમધ્ય સાગર ક્ષેત્રમાં નવા કેસોમાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે કોરોનાના કારણે થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આ ક્ષેત્રમાં આવતા લેબેનોન, ટયૂનીશિયા અને જોર્ડનમાં કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે.

આફ્રિકા ખંડમાં કોરોનાના કારણે થતા મૃત્યુની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે આફ્રિકામાં કોરોનાના કેસોમાં ૧૧ ટકાનો ઘટાડો આવ્યો છે. દક્ષિણ આફ્રિકા, કેન્યા, ઘાના અને અલ્જીરિયામાં કોરોનાનો પ્રસાર ધીમો પડી રહ્યો છે. પરંતુ યુરોપમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોનાના નવા કેસો વધી રહ્યાં છે. હકીકતમાં દુનિયામાં ઘણા દેશોમાં કોરોનાના મામલા ઘટયા પછી ફરી પાછા વધી રહ્યાં છે.

જોકે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ રિસર્ચના નવા આંકડા સકારાત્મક સંદેશ આપે છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૨ લાખે પહોંચી ચૂકી છે અને એનાથી મરનારા લોકોની સંખ્યા ૬૦ હજારે પહોંચી ચૂકી છે પરંતુ નવા આંકડા દર્શાવી રહ્યાં છે કે કોરોનાના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની ટકાવારી વધીને ૭૫ ટકાની ઉપર પહોંચી ગઇ છે અને મૃત્યુ દર બે ટકાથી નીચે આવી ગયો છે. એટલું જ નહીં, કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા કરતા ત્રણ ગણા વધારે લોકો આ વાઇરસની ચંગુલમાંથી બહાર આવી ચૂક્યાં છે. 

કોરોના મહામારીના મામલે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે અને એની પાછળનું મોટું કારણ ટેસ્ટની સંખ્યામાં વધારો છે. શરૂઆતથી જ નિષ્ણાંતોનું કહેવું હતું કે કોરોના મહામારી સામેના જંગમાં જીતવાનો સૌથી પ્રભાવશાળી ઉપાય વધારેમાં વધારે ટેસ્ટ કરવાનો છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ રિસર્ચના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ સાઠ લાખથી વધારે ટેસ્ટ થઇ ચૂક્યા છે અને હવે રોજિંદા લગભગ દસ લાખ લોકોના ટેસ્ટ થઇ રહ્યાં છે. તેજીથી સુધરી રહેલા આંકડાના કારણે લોકોમાં પણ પરિસ્થિતિ સામાન્ય થવાની આશા જન્મી છે. 

કોરોના વાઇરસ અંગે દેશવિદેશની તબીબી સંસ્થાઓએ જે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે એમાં ત્રણ બાબતો પર જોર આપવામાં આવ્યું છે. પહેલું એ કે લોકોએ વારંવાર હાથ સાબુથી ધોવા અથવા સેનિટાઇઝરથી સાફ કરવા. બીજી જરૂરી બાબત છે માસ્ક પહેરવો અને ત્રીજું એ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહેતી આવી છે કે લોકો વચ્ચે ઓછામાં ઓછી ૩.૩ ફૂટનું અંતર જાળવવામાં આવે તો કોરોના વાઇરસનું સંક્રમણ રોકવું શક્ય છે. જોકે વૈજ્ઞાાનિકોના મતે હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલા જરૂરી તો છે પરંતુ પૂરતા નથી. બંધ જગ્યાઓએ અને ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ અને જ્યાં હવાની અવરજવરની પૂરતી વ્યવસ્થા ન હોય ત્યાં વાઇરસનો ચેપ લાગવાનો ખતરો વધારે છે. 

કોરોના વાઇરસ સામે લડવામાં સૌથી અસરકારક પગલું અત્યાર સુધી એ રહ્યું છે કે શરૂઆતમાં જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરીને તેને આઇસોલેટ એટલે કે બધાંથી અલગ કરી દેવી. ભારત પણ પહેલેથી આ પદ્ધતિ પર ભારે ધ્યાન આપી રહ્યું છે. બીજું અસરકારક પગલું છે સામાજિક સંપર્ક ઓછો કરવો મતલબ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું અને બને તો આવા સ્થળો જ બંધ કરી દેવા જેથી કરીને વાઇરસને સહેલાઇથી ફેલાતો અટકાવી શકાય. સામાજિક સંપર્ક ટાળવો એટલા માટે પણ જરૂરી છે કે કદાચ કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિ પર તેની અસર વધારે ન જણાતી હોય પરંતુ આસપાસ ઉંમરલાયક કે પછી હૃદયરોગ કે ડાયાબિટીસની બીમારી હોય એવા લોકોને કોરોનાનો ચેપ લાગી જાય તો તેમના માટે એ જીવલેણ નીવડી શકે છે. મતલબ કે એકની લાપરવાહી બીજા માટે જીવલેણ નીવડી શકે છે.

ભારત જેવા દેશમા કે જ્યાંની વસતી સવાસો કરોડ કરતાં વધારે હોય ત્યાં નાનો મૃત્યુદર પણ લાખો લોકોને મોતને હવાલે કરી શકે છે. વૈજ્ઞાાનિકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય જાહેર સ્થળોએ વધારે ભીડભાડ ન કરવાની સલાહ આપે છે. તેમના મતે માસ્ક પહેરવો ફરજિયાત કરવાની જરૂર છે અને એમાં પણ સર્જિકલ એટલે કે સાદો માસ્ક ચાલે એમ નથી. બચાવ માટે એન-૯૫ માસ્ક જ અનિવાર્ય છે. હજુ પણ ઘણાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. સરકારે માસ્ક પહેરવા અંગેના કાયદા વધારે કડક કરવાની પણ જરૂર છે. શરૂઆતમાં તો દેશમાં કોરોનાના સંક્રમણ અંગે આશા જાગી હતી. કોરોનાના સંક્રમણમાં આપણે લગભગ ૫૦ દેશોથી પાછળ હતાં પરંતુ હવે આપણે ત્રીજા સ્થાને આવી ગયા છીએ અને ભારતની વિશાળ વસતી જોતાં આ આંકડો ઘણો મોટો થઇ શકે છે.

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે કોરોના સામેનો મુકાબલો આપણે જીતી શકીએ એમ છીએ. આપણે સમગ્ર ધ્યાન બચાવના ઉપાયો પર કેન્દ્રિત કરવું પડશે. આખા દેશે રક્ષાત્મક મુદ્રામાં આવવું પડશે. એ તો નકારી શકાય એમ નથી કે આપણી બેદરકારી અને ઉદાસિનતા જ આપણને આ હદે લાવી છે. શરૂઆતમાં કોરોનાના સંકટને ન સમજવું, પૂરતા પ્રમાણમાં ટેસ્ટ ન થવા અને અનેક દર્દીઓ દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવાની બાબત છુપાવવી ભારે પડી રહી છે. 

જે લોકો કોરોનાને હજુ પણ હળવાશમાં લઇ રહ્યાં છે તેમણે કોરોના સામેની લડાઇમાં શહીદ થયેલા ડોકટરો અને અન્ય વૉરિયર્સનો વિચાર કરવો જોઇએ. 

કોરોના સામેના જંગ જીતવાની વધી રહેલી આશા વચ્ચે પણ એ તથ્ય અવગણી ન શકાય કે હજુ પણ રોજિંદા ૬૦ હજારથી વધારે કેસો સામે આવી રહ્યાં છે અને દેશની સઘન વસતીવાળા ઘણાં રાજ્યોમાં હજુ પણ ટેસ્ટની ગતિ ધીમી છે. કોરોનાની વેક્સિન આવવાની પણ હજુ ઘણી વાર છે. બીજી સમસ્યા એ પણ છે કે કોરોનાનું સંક્રમણ નાના શહેરો અને ગામડાઓમાં પ્રસરવા લાગ્યું છે. આગામી સમયમાં મોટા તહેવારો સામે આવી રહ્યાં છે ત્યારે તંત્ર સામે લોકોની ગતિવિધિ કાબુમાં રાખવી મોટો પડકાર છે. 

કોરોનાને લઇને હોંગકોંગમાંથી એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં કોરોનામાંથી સાજી થયેલી એક વ્યક્તિને ફરી વખત કોરોનાનું સંક્રમણ થયું છે. 

આ વ્યક્તિને ગત માર્ચમાં કોરોનાનો ચેપ લાગ્યો એ વખતના અને નવા સંક્રમણમાં કોરોના વાઇરસના પ્રકાર જુદાં જુદાં છે. આ વ્યક્તિને પહેલી વખત કોરોનાના હળવા લક્ષણ હતાં જ્યારે બીજી વખત તેને કોઇ લક્ષણો જ દેખાયા નહોતા.

 આ નવા મામલા બાદ કોરોના સામે રોગપ્રતિકારક ક્ષમતા કેટલો સમય સુધી રહે છે એ અંગે સવાલો જન્મ્યા છે. એંકદરે કોરોનાનો પ્રકોપ હળવો થયા પછી પણ લોકોએ ભારે સાવધાની રાખવાની આવશ્યક્તા છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો