કોરોના અને ચોમાસુ સમાંતર રીતે આગળ ધપે છે
અલ્પવિરામ

માણસને દુઃખ આવે છે ત્યારે એ જાણે કે બધા બીજા સુખ એકસાથે ભૂલી જાય છે. દુઃખ આવે છે ત્યારે કોઈ એક પ્રકારનું દુઃખ હોય છે. કંટક જેવું. પગમાં કાંટો વાગે એટલે આખું અસ્તિત્વ હલી જાય. આંખમાં ધૂળનું એક જ સામાન્ય રજકણ પડે તોય કાચની કણીની જેમ ખટકે. કારણ કે મનુષ્ય હજારો વર્ષોથી સતત અનેક પ્રકારના દુઃખ સહન કરતાં-કરતાં અહીં સુધી આવેલો છે. આપણા જીવનમાં આમ જુઓ તો એવા તો કોઈ દુઃખ જ નથી જે આપણા વડવાઓએ આખી જિંદગી ભોગવ્યા છે. છતાં પણ એક તણખલા જેવું દુઃખ માણસને પહાડ જેવડું લાગે છે. એનું કારણ એ છે કે ટેકનોલોજીના વિકાસની હરણફાળમાં મનુષ્ય જીવનનો અર્થ વીસરી ગયો છે.
બધું વિકસાવ્યું પણ સમજણ વિકસવાની બાકી રહી ગઈ છે. હૃદયની કેળવણી જરૂરી હોય છે. જેઓ જિંદગીને એના મૂળ અર્થમાં આત્મસાત ન કરી શકે એમણે તો આ સંસારમાં માત્ર દુઃખી થવાનું છે. અને જેનું હૃદય કેળવાયેલું છે અને સમજણ વિકસેલી છે એને તો ખબર જ છે કે જીવન તો સુખદુઃખનું અજાયબ સંમિશ્રણ છે. એકલા ગુલાબ કદી હોતા નથી. એમાં કંટક તો હોય જ. છતાં જ્યારે મુંઝવણ થાય ત્યારે મનુષ્યને દોરડું પણ સાપ જેવું લાગે છે.
અત્યારે સમગ્ર વિશ્વ બહુવિધ પ્રકારની મૂંઝવણમાં મુકાયું છે. પોતાની નજર સામે દરરોજ હજારો જિંદગીને, દરેક મનુષ્ય રાખ થતાં જુએ છે. એને પોતાને પણ ખબર છે કે આપણે પણ રાખના રમકડાં જ છીએ. એટલે એક તરફ લાંબુ જીવવાની માનવ સહજ અભિલાષા અને બીજી તરફ કોરોના વાયરસનું સતત આગળ વધતું વિકરાળ સૈન્ય !
આ બંનેની વચ્ચે મનુષ્યનું ચિત્ત પ્રતિક્ષણ હાલકડોલક છે. છતાં ચારે બાજુ આશાઓના દરિયા હિલ્લોળા લે છે. ક્યાંક દીકરીનું વેવિશાળ થયું છે ને લગ્ન બાકી છે, ક્યાંક દીકરા માટે કન્યા જોવા જવાનું છે. અનેક સપનાઓ અધૂરા લઈને જિંદગીની પગથાર પર મનુષ્ય ફૂલગુલાબી પગલીઓ પાડતો હતો ત્યાં જ અચાનક એના અસ્તિત્વ સામેનો ઝંઝાવાત ફૂંકાયો છે. માણસ જાતના અંતઃકરણમાં રહેલા ડહાપણની આ સૌથી મોટી કસોટી છે. ચોમાસુ ચારે દિશાની ક્ષિતિજોએ આ વખતે વહેલા ડોકિયા કરવા લાગ્યું છે. બંગાળના અખાતમાંથી વરસાદી વાદળો ચક્રવાત પર સવાર થઈને આવી ગયા અને ભારતના પૂર્વ કાંઠાના રાજ્યોને વેરવિખેર કરી ગયા. હવે દેશના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રમાં દૂર દૂર નવા ચક્રવાતના સંયોગો દેખાવા લાગ્યા છે.
હજુ તો ચોમાસાની આગાહી થઈ શકે એ સમય આવવાને જ વાર છે, છતાં અત્યારથી ભારતીય પ્રજા ચિંતા કરવા લાગી છે કે ચોમાસું સારું નહીં હોય તો ? ચોમાસામાં વાયરસ વધુ આગળ વધશે તો ? ભારતીય ચોમાસુ સત્તાવાર રીતે તો દર વર્ષે ૧૨ મી જુને બેસી જવું જોઈએ. પરંતુ છેલ્લા બે દાયકાથી આ તારીખ બદલી ગઈ છે અને ચોમાસુ ૧૦ દિવસ પાછળ ગયું છે. હવે એમ માનવામાં આવે છે કે ૨૨મી જુને ચોમાસુ બેસશે તો એ નિયમિત અને સમયસર ચોમાસું કહેવાય. કાયમ મોડા આવનારા લોકોનો આવવાનો ટાઇમ જ પછીથી એ જ નક્કી થઈ જતો હોય છે. એવું આ ચોમાસાનું છે.
પરંતુ આ વખતે ચોમાસુ અનિશ્ચિત છે. કારણ કે ભારતની પૂર્વ દિશામાં ચોમાસા પૂર્વે ઝંઝાવાત આવી ગયો. હવામાન શાસ્ત્રમાં એને આગામી ચોમાસાનું આગોતરુ મેઘ સ્ખલન કહેવાય છે. જે આવનારા ચોમાસાને હવે નબળું પાડે છે. એ જ રીતે જો ભારતના પશ્ચિમ કાંઠામાં પણ આવો આગોતરો ચક્રવાત આવી જાય તો પશ્ચિમ કાંઠે પણ ચોમાસું નબળું પડવાની શક્યતા રહે છે.
ભારતનું નાણાં મંત્રાલય ગતિમાં આવે કે ન આવે પરંતુ હવામાન ખાતું એકદમ સતેજ થઈ ગયું છે. હવામાન ખાતાએ હમણાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની આબોહવા બાબતે પૂરો રસ લીધો હતો. કોરોનાકાળમાં પાકિસ્તાનના હવામાનની ચિંતા કરવાની ચેષ્ટાને વડાપ્રધાનના ભાવિ માસ્ટરસ્ટ્રોકની તૈયારી ગણવામાં આવે છે. આખી દુનિયા કોરોનામાં વ્યસ્ત છે ત્યારે પાકિસ્તાને ઓહિયા કરી લીધેલા કાશ્મીરી ભાગમાંથી પાકિસ્તાની સેનાને ખદેડી મુકવાનો પ્લાન હોય એવી ચર્ચા જાગી છે.
જે રીતે અમેરિકી નૌકાદળ ચીનના સમુદ્ર સરહદી વિસ્તારમાં પોતાના યુદ્ધજહાજોને પેટ્રોલિંગ કરવા મોકલી રહ્યું છે એ જોતા યુદ્ધના ભણકારા પણ વાગે છે. કદાચ કાશ્મીર એ બે મહાસત્તાઓનું બેટલફિલ્ડ તરીકે વપરાય એવું પણ બને. થિયરી ઘણી છે પણ વાસ્તવિકતા પ્રજાને ખબર નથી. કોરોનાના કેસના આંકડાની માયાજાળ રહસ્યથી ભરેલી છે. આવા સમયમાં શાતા આપે એવા સમાચાર એ છે કે આ વર્ષનું ચોમાસુ સારું જાય એવા એંધાણ છે.
હવામાન ખાતાનો દાવો છે કે ૨૦૧૯ કરતા પણ આ વર્ષે વરસાદ વધુ પડશે. અત્યારે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વરસાદ લાવવા માટે મદદરૂપ એવું પરિવતત વાતાવરણ સર્જાયું છે. અત્યારે હવામાં ગરમી છે અને ઠંડી પણ છે. થર્મોમીટરનો પારો ઊંચોનીચો થઈ રહ્યો છે. માટે ભારતીય ઉપખંડનું સરેરાશ હવામાન ગરમ રહેશે. તેને કારણે જ હવાનું દબાણ વધતા એમ્ફાન વાવાઝોડું ભારતના પૂર્વ કાંઠે ત્રાટક્યું અને ઘણી તારાજી સર્જી.
હવે એટલું તાકાતવાન વાવાઝોડું નહીં આવે પરંતુ પવનની ગતિ જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વધુ રહેશે. આ સમય પર્વતીય વિસ્તારો માટે નાજુક છે. કારણ કે સતત બદલાતા જતા તાપમાનને કારણે હવાનું લો-પ્રેશર ઊંચાઈ વાળા ભાગો ઉપર ગમે ત્યારે સર્જાઈ શકે અને અચાનક વરસાદ તૂટી પડે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને સરકારે ચેતવણી આપવાની જરૂર છે.
જુનના પહેલા જ અઠવાડિયામાં દક્ષિણ ભારતના અમુક પ્રદેશોમાં વરસાદ પડે તો આશ્ચર્ય નથી. કારણ કે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના સમુદ્રના ઘણા ભાગોમાં અત્યારે હવાનું વધતું દબાણ જમીન તરફ આવતા ઘટી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ચક્રવાતી પવન દક્ષિણ ભાગોમાં સર્જાઈ રહ્યો છે. ચક્રવાતી પવનને કારણે ચોક્કસપણે વરસાદના આગમનનો સમય કહી ન શકાય. મેના અંતમાં પણ વરસાદ આવી શકે.
જુલાઈ મહિનામાં સારો વરસાદ ન પડે તો ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ ચાલુ રહેશે. જુનના બીજા અઠવાડિયાથી ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી સતત વરસાદ ચાલુ રહે અને તેનો ફાયદો દક્ષિણ ભારતને મળે તે સંભવ છે. હવામાન તેની પેટર્ન સતત બદલે છે. બદલાતું જતું હવાનું દબાણ અને બદલાતી જતી ગરમી ચોમાસાના આરંભ વિશે ભલે અનિશ્ચચિતતા બતાવે પણ એટલી બાબત ચોક્કસ છે કે આ વર્ષે વરસાદ વધુ રહેવાનો છે.
આ વર્ષે આકાશમાં વીજના ચમકારા થવાની શકયતા પણ વધુ છે. દર વર્ષે વીજળી પડવાને લીધે કોઈને કોઈનું મૃત્યુ થતું હોય છે. હવામાન ખાતાએ આ વર્ષની શરૂઆતથી ગાજવીજની આગાહી કરી છે. ભારતનું ચોમાસુ અલનિનો પ્રવાહ અને તત સંબંધિત પવન ઉપર આધારિત છે.
એક આગાહી મુજબ જૂન મહિનામાં અલનિનો ખૂબ પ્રભાવક રહેશે. વરસાદનું પ્રમાણ આ અલનિનોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અલનિનો જેમ ભારે એમ વરસાદ ઓછો. જો જૂનમાં અલનિનોનો વેગ વધુ રહ્યો તો એ મહિના દરમિયાન ધાર્યા મુજબ વરસાદ ન પડે તે સંભવ છે. તો ચોમાસુ મોડું શરૂ થશે. ચોમાસુ મોડું શરૂ થાય તો પણ તોફાની પવનને બ્રેક નહીં લાગે.
ઈશાનના ભીના વાયરાઓથી ઓળખાતું ઉત્તરપૂર્વનું ચોમાસુ મોડું શરૂ થશે. ત્યાં વરસાદના મંડાણ ઓગસ્ટના થાય અને સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં વ્યવસ્થિત વરસાદ પડે એ બનવાજોગ છે. ઉત્તરપૂર્વીય પટામાં જોશીલા પવન અને વધુ વરસાદને કારણે ભૂપ્રપાત થવાની શકયતા રહેલી છે. અત્યારે દેશ ઝઝૂમી રહ્યો છે. સરકાર ઓછામાં ઓછા પોઝિટિવ કેસ નોંધાય એવું ચાહે છે અને પ્રજા કોરોનાનો ચેપ લાગે તો પણ નોકરી-ધંધાને મૂળ સ્થિતિમાં લાવવા ચાહે છે.
સરકાર કરતા અર્થતંત્રની વધુ ચિંતા આ વર્ષે નાગરિકોને છે. ફક્ત મધ્યાહન સુધી ખુલ્લી રહેતી દુકાનો અર્થતંત્ર માટે આશાનું કિરણ જોઈ શકતી નથી. ભારતીય અર્થતંત્રનો બહોળો આધાર વરસાદ ઉપર હોય છે. શેરબજારના આંકડા પણ વરસાદ ઉપર નિર્ભર રહેતા હોય છે. આ વર્ષે સારો વરસાદ અતિજરૂરી છે. ભારતના હવામાન ખાતાની આગાહી સાચી પુરવાર થાય એવી આશા સૌ કોઈને છે.
Comments
Post a Comment