રાજસ્થાનના ચુરુમાં ગરમીની અડધી સદી : પૂર્વોત્તરમાં ભારે વરસાદની રેડ એલર્ટ


- અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદથી ભૂસ્ખલન થયું

નવી દિલ્હી, તા.  26 મે 2020, મંગળવાર


રાજસ્થાનના ચુરુમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક ભાગમાં મંગળવારે સૂરજની અગનવર્ષા થઈ રહી છે અને  હીટવવે હજી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતને જકડી રાખશે. બીજીબાજુ હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતમાં ૨૮મી મે સુધી ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પાલમ વિસ્તારમાં મંગળવારે ૪૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેણે દિલ્હીમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ઉપરાંત દેશના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં છ ડિગ્રી વધુ નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે રાજસ્થાનના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહી હતી. ચુરુ જિલ્લામાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં મે મહિનામાં બીજી વખત ચુરુમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ચુરુમાં અગાઉ ૨૦૧૬માં ૧૯મી મેના રોજ ૫૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. બિકારનેરમાં ૪૭.૪ ડિગ્રી, ગંગાનગરમાં ૪૭, કોટામાં ૪૬.૫ અને જયપુરમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ચુરુ, બિકાનેર, હનુમાનગઢ અને ગંગાનગર જિલ્લાઓમાં સીવીયર હીટવેવની આગાહી કરી છે. દિલ્હીમાં પાલમ વિસ્તારમાં ૪૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે સફદરજંગ વેધશાળાએ ૪૬ ડિગ્રી તાપમાન નોંધ્યું હતું. સફદરજંગ વેધશાળામાં અગાઉ ૨૦૦૨ની ૧૯મી મેએ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં મે મહિનામાં સૌથી વધુ ૪૭.૨ ડિગ્રી તાપમાન ૧૯૪૪ની ૨૯મી મેના રોજ નોંધાયું હતું જ્યારે પાલમ વિસ્તારમાં ૨૦૧૦ની ૧૮મી મેએ સૌથી વધુ ૪૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં શુક્રવાર અને શનિવારે ધૂળ સાથે પ્રતિ ક્લાક ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજસ્થાન અને દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં પણ ૪૭.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. અલ્હાબાદ ઉપરાંત ગોરખપુર, ફૈઝાબાદ, વારાણસી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાન સરેરાશ કરતાં વધુ રહ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ હીટવેવ જોવા મળી હતી. હરિયાણાના હિસારમાં ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સિઝનમાં હિસારમાં સૌથી વધુ તાપમાન હતું. પંજાબના નારનૌલમાં ૪૬ ડિગ્રી અને પટિયાલામાં ૪૪.૭ ડિગ્રી તાપમાન હતું. ઉત્તર ભારત ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં પણ હીટવેવની સ્થિતિ હતી. કોંકણ પ્રદેશમાં પણ મહત્તમ તાપમાન સરેરાશ કરતાં ચાર-પાંચ ડિગ્રી વધુ હતુ.

એકબાજુ ઉત્તર ભારત આગ ઝરતી ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતના આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરી છે. અરુણાચલ પ્રદેશમાં મંગળવારે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે દિબાંગ જિલ્લામાં ભૂસ્ખળનમાં કેટલાક મકાનો તૂટી ગયા હતા. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે આસામ અને મેઘાલયમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર-પૂર્વ ભારતમાં જૂનમાં મહત્તમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં સરેરાશ કરતાં ચાર દિવસ પછી ૫મી જૂને ચોમાસુ આવવાની સંભાવના છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો