મોદીના ભારતને કોઈ આંખ નહીં બતાવી શકે, રાહુલને રવિશંકર પ્રસાદનો જવાબ
નવી દિલ્હી, તા. 27 મે 2020, બુધવાર
ચીન સાથે લદ્દાખ મોરચે અને નેપાળ સાથે લિપુલેખ અને કાળાપાણી બાબતે ભારતને વિખવાદ ચાલી રહ્યો છે.
જેના પર સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગ્રહ કર્યો હતો.જેનો જવાબ હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યો છે.તેમણે કહ્યુ છે કે, આ મોદીનુ ભારત છે અને તેને કોઈ આંખ નહી બતાવી શકે.
પ્રસાદે રાહુલ ગાંધીના આરોપો પર જવાબ આપતા કહ્યુ હતુ કે, કોરોનાના મામલામાં પણ ભારત તેને કાબૂ કરવામાં સફળ રહ્યુ છે.બીજા દેશોમાં ત્રણ લાખથી વધારે મોત થયા છે અને ભારતમાં 4345 લોકોના મોત થયા છે.દુનિયાના 15 દેશ કે જ્યાં કોરોના મોટી બીમારી છે તેમની કુલ વસતી 142 કરોડ છે.આ દેશોમાં 3.43 લાખ લોકોના મોત થયા છે.તેની સામે ભારતની વસતી 137 કરોડ છે અને 4345 લોકોના મોત થયા છે.
પ્રસાદે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી દેશને કોરોના સામેની લડાઈમાં કમજોર કરી રહ્યા છે.એક તો તે નકારાત્મકતા ફેલાવે છે, સંકટ સમયે દેશ વિરુધ્ધ કામ રહી રહ્યા છે , ખોટી ક્રેડિટ લઈ રહ્યા છે અને કહે છે કશું અને કરે છે બીજુ.
પ્રસાદે જણાવ્યુ હતુ કે, સૌથી પહેલા તો કોંગ્રેસ શાસિત રાજ્યોએ જ લોકડાઉનનુ એલાન કર્યુ હતુ.જેમાં પંજાબ અને રાજસ્થાન મોખરે હતા.31 મે સુધી લોકડાઉન વધારાવનો નિર્ણય પણ પંજાબ અને મહારાષ્ટ્રનો હતો.એ પણ પીએમ સાથે તમામ મુખ્યમંત્રીઓની બેઠક યોજાય તે પહેલા જ તેમણે લોકડાઉન વધારી દીધુ હતુ.જો રાહુલ ગાંધી એમ કહેતા હોય કે લોકડાઉન સમાધાન નથી તો તેમના રાજ્યના જ સીએમ સામે કેમ તેઓ આ વાત મુકતા નથી.કાં તો તેઓ રાહુલ ગાંધીનુ સાંભળતા નથી અથવા તો તેમના અભિપ્રાયને મહત્વ આપતા નથી.
Comments
Post a Comment