દિલ્હીની વાત : મોદી નવરાત્રિ પહેલાં ત્રીજું આર્થિક પેકેજ આપશે

નવીદિલ્હી, તા.25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
મોદી સરકારે દેશના અર્થતંત્રમાં સુધારો લાવવા માટે ત્રીજા સ્ટીમ્યુલસ પેકેજની તૈયારી શરૂ કરી દીધી છે. આ પહેલાં પીએમ ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર ભારત એ બે પેકેજ સરકારે જાહેર કરેલાં પણ તેના કારણે અર્થતંત્રની હાલત ના સુધરતાં હવે શહેરી વિસ્તારોને ધ્યાનમાં રાખીને નવું પેકેજ જાહેર કરાશે. નવરાત્રિ પહેલાં તેની જાહેરાત કરી દેવાશે કે જેથી તહેવારોની સીઝનનો લાભ મળે.
પીએમઓના સૂત્રોના મતે, મોદીએ નિર્મલા સીતારામનને આ પેકેજ તૈયાર કરવા સૂચના આપી દીધી છે. મોદીએ શહેરી વિસ્તારો માટે લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાની રોજગારી યોજના અને પચ્ચીસ જેટલા મોટા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ આ વરસે જ પૂરા કરી શકાય એ પ્રકારના હોવા જોઈએ વાતનું ખાસ ધ્યાન રાખવા પણ નિર્મલાને સૂચના અપાઈ છે. શહેરી માર્કેટ મોટું હોવાથી રોકડ વધારે પ્રમાણમાં ફરતી થાય છે તેથી આ પેકેજમાં મોદી શહેરી વિસ્તારોમાં સતત રોજગારી મળે એ વાત પર ભાર મૂકી રહ્યા છે.
મોદી સરકારે જીએસટીનાં નાણાં ક્યાં વાપરી નાખ્યાં ?
મોદી સરકાર રાજ્યોને જીએસટી વળતરનાં નાણાં આપવામાં અખાડા કરીને ટટળાવી રહી છે ત્યારે 'કેગ'ના રીપોર્ટમાં ધડાકો થયો છે કે, મોદી સરકાર આ રકમ બીજે વાપરી નાંખી હોવાથી રાજ્યોને આપવા નાણાં જ બચ્યાં નથી.
'કેગ'ના રીપોર્ટ પ્રમાણે મોદી સરકારે બે વર્ષ સુધી જીએસટી વળતરની પૂરેપૂરી રકમ જીએસટી કમ્પન્સેશન સેસ ફંડમાં જમા કરાવવાના બદલે ૪૭,૨૭૨ કરોડ રૂપિયા કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયા (સીએફઆઈ)માં ટ્રાન્સફર કરીને બીજા કામમાં વાપરી દીધા છે. આ નાણાં ક્યાં વપરાયાં તેની વિગતો પણ મોદી સરકારે નથી આપી એ જોતાં આટલી મોટી રકમનો ધુમાડો ક્યાં કરી દેવાયો એ સવાલ છે.
મોદી સરકારે આ રીતે નિયમ તોડયો છે અને બેશરમ બનીને રાજ્યોને નિયમ બતાવી રહી છે. રાજ્યોએ પોતાના અધિકારની જીએસટી વળતરની રકમ સીએફઆઈમાંથી આપવા મોદી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. નિર્મલા સીતારામને એવું ડહાપણ ડહોળ્યું કે, સીએફઆઈમાંથી જીએસટી વળતર આપવાની કાયદામાં જોગવાઈ નથી તેથી સરકાર નિયમને તોડી ના શકે. 'કેગ'ના રીપોર્ટે મોદી સરકારની બેવડી માનસિકતા છતી કરી દીધી છે.
ગેહલોત સામે પાયલોટનો ગુર્જર અનામતનો દાવ
રાજસ્થાનમાં ફરી શરૂ થયેલા ગુર્જર અનામત આંદોલને અશોક ગેહલોતની ઉંઘ ઉડાડી દીધી છે. ગુર્જર નેતાઓએ ગુરૂવારે અલવરમાં બેઠક કરીને ગેહલોતને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ગુર્જરોને અનામત અંગે નિર્ણય લેવા અલ્ટિમેટમ આપ્યું છે. ગેહલોત સરકાર અનામતનો અમલ નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચેતવણી અપાઈ છે.
રાજસ્થાનમાં ગુર્જર સહિતના સમુદાય માટે પાંચ ટકા અનામતની જોગવાઈનો ખરડો વિધાનસભામાં પસાર કરાયો છે પણ તેનો અમલ હજુ શરૂ થયો નથી.
રાજકીય વિશ્લેષકોના મતે, કોરોનાના રોગચાળા વચ્ચે શરૂ થયેલા આંદોલનની પાછળ સચિન પાયલોટ છે એ દેખીતું છે. આ બેઠક ભાજપના નેતા વિજય બૈંસલાએ બોલાવી હતી પણ તેની પાછળ પાયલોટ છે. વિજય બૈંસલા આરક્ષણ સંઘર્ષ સમિતીના વડા કર્નલ કિરોડીલાલ બૈંસલાના પુત્ર છે. બાપ-દીકરો બંને હાલમાં ભાજપમાં છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે સમાધાન કરાવ્યું પણ ગેહલોતે સચિન પાયલોટને બાજુ પર મૂકી દીધા છે. ગેહલોત પાયલોટને રાજકીય રીતે ખતમ કરી નાંખવા પૂરી તાકાત લગાવી રહ્યા છે તેથી પાયલોટે પોતાની રાજકીય તાકાતનો પરચો આપવા ગુર્જરોને મેદાનમાં ઉતારી દીધા છે.
'શાહીન બાગ કી દાદી' મુદ્દે પાત્રા ફસાયા
દિલ્લીમાં શાહીન બાગ ખાતે થયેલાં પ્રદર્શનનો ચહેરો બની ગયેલાં ૮૨ વર્ષનાં બિલ્કીસ બાનોનો 'ટાઈમ' મેગેઝિનની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ કરાયો છે. આ મુદ્દે છંછેડાયેલા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ બાનોને રમખાણોનાં પ્રતિક ગણાવીને કટાક્ષ કર્યો કે, દાદીને તો સીએએનો અર્થ શો ને તેનું આખું નામ શું છે તેની પણ ખબર નહીં હોય.
ભાજપના આ વલણ સામે બિલ્કિસ બાનોએ આ યાદીમાં સામેલ થવા બદલ મોદીને અભિનંદન આપ્યા. તેમણે મીડિયાને કહ્યું કે, મોદી પણ મારા પુત્ર જ છે. મોદીને મેં જન્મ ના આપ્યો તો શું થયું ? મારી બહેને તેમને જન્મ આપ્યો છે. તેમના લાંબા આયુષ્ય અને ખુશી માટે હું દુઆ કરું છું.
બિલ્કીસ દાદી અને પાત્રાની કોમેન્ટ વાયરલ થઈ છે. લોકો પૂછી રહ્યા છે કે, દાદી કદી શાળામાં ગયાં નથી છતાં મોદી માટે સદભાવ ધરાવે છે જ્યારે સંબિત પાત્રા તો ડોક્ટરની ડીગ્રી ધરાવતા હોવા છતાં એક વૃધ્ધા સામે ઝેર ઓકે છે તો શિક્ષિત વધારે સારા કે નિરક્ષર ?
બિહારમાં પાસવાન-કુશવાહા ત્રીજા મોરચાની ફિરાકમાં
બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે ભાજપ-જેડીયુના એમડીએ અને આરજેડી-કોંગ્રેસના મહાગઠબંધન સામે ત્રીજા મોરચા ગતિવિધી તેજ બની છે. ચિરાગ પાસવાનની એલજેપીને એનડીએમાં સંતોષ નથી જ્યારે ઉપેન્દ્ર કુશવાહાએ તેજસ્વી યાદવના કારણે મહાગઠબંધન છોડયું છે.
પાસવાને એનડીએ છોડવાની જાહેરાત નથી કરી પણ કુશવાહાએ પાસવાનનો સંપર્ક કરીને ત્રીજા મોરચાનું નેતૃત્વ લેવા કહ્યું છે તેથી પાસવાન લલચાયા છે. કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ઉપરાંત પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી અને મુકેશ સાહનીની વિકાસશીલ ઈંસાન પાર્ટી પણ પાસવાનના નેતૃત્વ હેઠળના મોરચામાં જોડાવા તૈયાર છે.
અસદુદ્દીન ઓવૈસીએ પણ પાસવાનને ટેકાની તૈયારી બતાવી છે. પાસવાન ઓવૈસીના મુદ્દે અવઢવમાં છે પણ બાકીના ત્રણ પક્ષો સાથે જોડાણ માટે તેની તૈયારી છે.
પાસવાનને લાગે છે કે, બિહારમાં તેમની પાર્ટી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. હવે કશું મોટું કરવાની પહેલ નહીં કરાય તો ભવિષ્યમાં તેમનું રાજકીય અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ચિરાગ યુવાન છે તેથી તેને એ ના પરવડે તેથી એ ત્રીજા મોરચા વિશે ગંભીરતાથી વિચારી રહ્યો છે.
ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી
મોદી સરકાર ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની વાત કરે છે પણ ચોંકાવનારી વાત એ છે કે, દેશમાં ખેડૂતોની સરેરાશ આવક કેટલી છે તેનો આંકડો જ મોદી સરકાર પાસે નથી. મોદી સરકાર સત્તામાં આવી પછી ૨૦૧૫-૧૬ના વર્ષ સુધીના ખેડૂતોના સરેરાશ આવકના ડેટા છે પણ એ પછી આવકના આંકડા જ નથી.
આ મુદ્દે લોકસભામાં સવાલ પૂછાયો ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૂંચવાઈ ગયા હતા. તેમની પાસે હરિયાણાના આંકડા જ ઉપલબ્ધ હતા. જો કે સૂત્રોનું કહેવું છે કે તેમા પણ ગોટાળો તો છે જ. હરિયાણામાં બહુમતી ખેડૂતો છે તેથી માથાદીઠ આવકને જ ખેડૂતોની સરેરાશ આવકમાં ખપાવી દેવાઈ છે. બાકી સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે જ નહીં.
મોદી શાસનમાં ખેતીની આવક બગડી છે એવું સરકારી આંકડા કહે છે. ૨૦૧૪માં દેશના જીડીપીમાં ખેતીનું યોગદાન ૧૮.૨ ટકા હતું તે ઘટીને ૧૬.૫ ટકા થઈ ગયો છે અને વિકાસ દર પણ ૬.૩ ટકાથી ઘટીને ૨.૮ ટકા થઈ ગયો છે.
***
ચીનમાંથી કરાયેલી આયાતમાં વધારો થયેલો
ચીન સાથે ગમે તેટલી ગરમાગરમી થતી હોય, પરંતુ હકીકત એ છે કે એપ્રિલ-જુલાઇના ગાળામાં ચીનની આયાતમાં વધારો થયો હતો.પેટ્રોલિયમ, હસ્તકળા, મેડિકલ,કૃષિ રસાયણો અને વૈજ્ઞાાનિક સાધનો જેવા અનેક ઉત્પાદનોની આયાતમાં વધારો જ થયો હતો.જો કે એક વર્ષ અગાઉની સરખામણીમાં કુલ આયાતમાં ૨૯ ટકાનો ઘટાડો થયો હતો.કૃષિ રસાયણમાં ૧૭.૪૯,અન્ય રસાયણોમાં૧૩.૪૬,પેટ્રોલિયમ ઉત્પાદનોમાં૧૩.૬૧,હસ્તકાળામાં ૭.૫૫,તેમજ મેડિકલ અને વૈજ્ઞાાનિક સાધનોમાં૨.૫૫ ટકાનો વધારો થયો હતો. દરમિયાન મહત્તવની કોમોડીટીઝમા એપ્રિલ-જુલાઇમાં ં ચીનની આયાતમાં ૪૫ ટકાનો ઘટાડો થયો હતો.
ખેડૂતો સમસ્યાઓની અવગણના કરી મોદીએ ફિટ ઇન્ડિયાની વાત કરી
ગુરૂવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો ત્યારે વડા પ્રધાન મોદી એ 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ'ની પ્રથમ વરસી પર ધ્યાન આપ્યું હતું. મોદીએ પોતાની જાતને ક્રિકેટ સુકાની કોહલીને યો યો ટેસ્ટ અંગે ક્રેશ કોર્સ શીખવાડવા કહ્યું હતું. કોહલીએ પણ હસતા હસતા મોદીને દોડવાની સલાહ આપી હતી.
દરયમિયાન પંજાબ અને હરિયાણઁમાં કૃષિ ખરડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમના ત્રણ દિવસીય રેલ રોકો આંદોલનની શરૂઆત કરી હતી. રેલવેના અધિકારીઓએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આનાથી દેશમાં અનાજની અછત ઊભી થશે.
રાત સુધીમાં તો૨૬ સપ્ટેમ્બર સુધીમાં ૨૦ ટ્રેનોને ખેડૂતોએ રોકી દીધી હતી.'આ તબક્કે ટ્રેનોને રોકવાથી અનાજના પુરવઠા પર ઘણી જ ગંભીર અસર પડશે. ઉપરાંત મુસાફરોને પણ મુશ્કેલી પડશે.જીવનજરૂરિયા ચીજ વસ્તુઓની પણ ખેંચ ઊભી થશે'એમ ઉત્તરીય રેલવેના જનરલ મેનેજરે રાજીવ ચૌધરીએ કહ્યું હતું.
હવાના પ્રદુષણની કોરોનાના કેસ વધવાનો ભયઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી એન્વાર્નમેન્ટ પોલ્યુશન (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ)ઓથોરિટીએ પંજાબ અને હરિયાણા સરકારોને પરાળી બાળવા પર નિયંત્રણ મૂકવા વિનંતી કરી હતી.આ બે રાજ્યોને અપાયેલી ચેતવણી એટલા માટે મહત્તવની છે કે શિયાળામાં પરાળી બાળવાના કારણે પ્રદુષણનું સ્તર એક દમ વધી જાય છે.
વાહનોમાંથી નીકળતા ધુમાડાનું પ્રમાણ પણ વધે છે અને કચરો બાળવાની, બાંધકામના કાચા માલને ફેકવાની યોગ્ય વ્યવસ્થા નહીં થતી હોવાથી પણ સમસ્યા વધે છે.નિષ્ણાંતોએ કહ્યું હતું કે આ વર્ષે,હવાના પ્રદુષણને નિયંત્રિત કરવું માત્ર સમાજ, રાજકારણ અને આરોગ્ય સમસ્મયા માટે જ જરૂરી નથી, બલકે સંશોધન દ્વારા સાબીત થયું હતું કે કોરોનાને પણ વધુ ઝડપથી ફેલાવી શકે છે.હવાના પ્રદુષણ અંગે અમેરિકામાં કોરોના કારણે થયેલા મોત અને હવા પ્રદુષણ અંગે હાર્વર્ડ યુનિ. દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતુ ંકે ૨.૫પીએમની માત્રાના પાર્ટકલના કારણે પણ કોવિડ-૧૯માં વધારો થઇ શકે છે.
એક અન્ય સંશોધન 'ફીઝિક્સ ઓફ ફ્યુઇડ્ઝ' દ્વારા પણ આ વાત સાબીત થઇ હતી કે હવાની ગતી પણ કોરોનાને ફેલાવવામાં ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.ભારતમાં તો જે એક આવો એક પણ સંશોધન કરવામાં આવ્યો નહોવાથી નિષ્ણાંતોને પણ લાગે છે કે હવાના પ્રદુષણ પર નિંયત્રણ કરવું જોઇએ અને સસ્પેન્ડેડ પાર્ટિકલ્સને ઓછા કરવા જોઇએ.
ખાલીદને છોડવા 200 ઉપરાંત સ્કોલરોની માગ
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કરાયેલા તોફાનોમાં કથિત ભૂમિકા બદલ પકડી લેવામાં આવેલા જવાહર લાલ નહેરૂ યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદને છોડી મૂકવા માટે ૨૦૦ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્કોલરોએ માંગણી કરી હતી.ખાલીદને છોડવાની માંગણી કરનારાઓમાં સાક્ષર નોઆમ ચોમેસ્કી,લેખકો સલમાન રશદી,અમિતાવ ઘોષ,અરૂંઘતી રોય,રામચંદ્ર ગુહા અને રાજ મોહન ગાંધી, ફિલ્મ સર્જકો મીરા નાયર અને આનંદ પટવર્ધન,ઇતિહાસકાર રોમિલા થાપર અને ઇરફાન હબીબ તેમજ કર્મશીલો મેધા પાટકર અને અરૂણ રોયનો સમાવેશ થતો હતો.
તેમણે દિલ્હી પોલીસની તપાસને 'પૂર્વ આયોજીત વિચહંટ'ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે ખાલીદ અને સીએએનો વિરોધ કરી રહેલા તમામ લોકોને મૂક્ત કરી દેવા જોઇએ. આવેદન પત્રમાં સહી કરનારાઓએ કહ્યું હતું કે ભાજપના એક પણ નેતાની સામે કેસ કર્યો નથી. તેમણે તોફાનોની તપાસ બદવ દિલ્હી પોલીસની ભારે ટીકા કરી હતી.
- ઇન્દર સાહની
Comments
Post a Comment