આગામી શીતઋતુ કેવીક નીવડશે ?

યુરોપને કુદરતે જે અનેક ખૂબસુરત વસ્તુઓની ભેટ આપી છે એમાની એક છે ત્યાની મોસમ. યુરોપને જોવું અને માણવું હોય તો એને એની દરેક મોસમોમાં માણવું જોઈએ. યુરોપમાં ઉનાળામાં ફરવું એક વાત છે અને શિયાળામાં ફરવું બીજી જ વાત છે. યુરોપ જવું હોય તો જર્મની, સ્વીડન, સ્વીટઝર્લેન્ડ કે ફ્રાંસને જોવા હોય તો ફેબ્રુઆરીની ઠંડીમાં જોવા જોઈએ.
એવી ઠંડી જ્યારે દિવસોના દિવસો સુધી બરફ પડતો હોય અને લંડનના સેન્ટ પોલ ચર્ચથી માંડીને ફ્રેકફર્ટનું રેલ્વે સ્ટેશન અને બર્લિનના બ્રોકન ચર્ચનો ટાવર સફેદ બરફની ચાદર ઓઢીને બેઠા હોય. રસ્તા ઉપર પાર્ક કરેલી મોટરકારો ઉપર બરફનું કવર ઢાંકી દીધું હોય અને રસ્તાનો રંગ કાળામાંથી બદલાઈને સફેદ થઈ ગયો હોય. યુરોપના શિયાળાના બરફની સફેદીનો ચમકાર અદ્ભુત હોય છે.
અને ઠંડીનો યુરોપને મળેલો મોટામાં મોટો લાભ મળે છે એકાંતનો અને 'પ્રાઈવેસી'નો! યુરોપના કોઈપણ શહેરમાં, કોઈપણ રસ્તા ઉપર, કોઈપણ શેરીમાં પહોંચી જાવ અને નિરવ, શાંત, નિર્જન જણાશે. દરેક ઘર, દરેક ઇમારત ચારે બાજુથી બંધ, બારીઓ ખોલીને કોઈ તમારી ચહલપહલની નોંધ નહીં રાખે.
તમે રસ્તા ઉપર આસાનીથી પ્રેમ પણ કરી શકો! કોઈ શેરીના નાકે ઓટલા ઉપર એકઠા થયેલા અને ટોળટપ્પા મારતા લોકોનું દ્રશ્ય યુરોપમાં એટલું જ વીરલ છે જેટલું આપણે ત્યાં કોઈ શાંત શેરી શોધવાનું વીરલ છે. ઘરોની અંદર ધાંધલધમાલ ચાલતી હોય પણ બહાર સૂમસામ! ઠંડીએ યુરોપિયનોને એકલશૂરા બનાવી દીધા છે.
પડોશીની ચિંતા કે પંચાત કરતાં એમને એક જ પરિબળ રોકે છે અને તે છેઠંડી. બારણું કે બારી ખોલીને બાજુમાં નજર કરવાનું સાહસ કોણ કરે? ઠંડીના દિવસોમાં માણસો ઓછામાં ઓછું બહાર નીકળે છે અને ઘરમાં રહેવાનું પસંદ કરે છે અને ઘર હોય કે ઓફિસ ચારેબાજુથી બધુ જેલની જેમ બંધ હોય. આપણે ત્યાં ગરમીની સાથે પંચાતિયાવૃત્તિ અને દંભી મૂલ્યો ભળી ગયેલા છે પરિણામે આપણે બંધ ઓફિસ, બંધ ચેમ્બર કે બંધ ઘરની કલ્પના કરી શકતા નથી અને એવું દ્રશ્ય સહી શકતા નથી.
યુરોપનો માણસ સખત ઠંડીમાં શરીરને ગરમ રાખવા મથતો હોય છે અને ઠંડીમાં તન અને મનને તો સ્ફૂર્તિમય જ રાખે છે, ઠંડા મુલ્કના લોકો કામની બાબતમાં ગરમ હોય છે પરિણામે યુરોપની કાર્યક્ષમતાનો આંક ઊંચો જોવા મળે છે અને ઠંડા મુલ્કનો માણસ મગજને પણ ઠડું રાખી શકે છે. આપણે ત્યાંનાં સતત સંઘર્ષો, કલેશો અને હિંસાના વાતાવરણની પાછળ ગરમીનું હવામાન કામ કરતું હશે.
યુરોપની દિનચર્યા ઉપર પણ મોસમનો જ પ્રભાવ હોય છે. ત્યાંનાં ઘણા સામયિકો પણ વર્ષમાં ચાર અંક કાઢે. વિન્ટર, અટમ, સ્પ્રિંગ અને મોનસૂન. દરેક મોટા મકાન અને હોટલની બહાર તોતિંગ કદનું થર્મોમીટર મૂકેલું હોય છે અને લોકો એકબીજાને મળે ત્યાં પહેલા ચર્ચા મોસમની કરે છે લોકો મહત્ત્વનાં કામો ચોઘડિયું જોઈને નહીં પણ મોસમ જોઈને નક્કી કરે છે. મોસમની પણ એક ત'ઝીબ, એક સભ્યતા હોય છે. મોસમ મુજબ ખાવાનું, પીવાનું, ઓઢવાનું, રહેવાનું નક્કી થાય છે.
યુરોપના નક્શામાં જેમ ઉપર જઈએ તેમ ઠંડીનો પારો વધતો જાય છે. સ્કેન્ડીનેવિયન દેશોની વાત જ જુદી છે. નોર્વે કે સ્વીડન જેવા દેશો વર્ષમાં બહુ ઓછીવાર સૂરજને જુએ છે. થર્મોમીટરમાં પારો ક્યાંક ઊતરતો ઊતરતો શૂન્યની નીચે પચીસ-ત્રીસ-પાત્રીસ ડીગ્રી સુધી પહોંચી જાય છે અને દૂર દૂરના પ્રદેશોમાં પચાસ ડીગ્રી સુધી પણ! આ વર્ષે રશિયાના કેટલાક ભાગોમાં શૂન્યની નીચે પચાસ ડીગ્રી હવામાન નોંધાયું છે અને અમેરિકામાં પણ ક્યાંક એમ જ બન્યું છે.
છેલ્લા પચાસ વર્ષમાં જોવા ન મળી હોય એવી ઠંડી આખી દુનિયા માણી રહી છે. યુરોપ-અમેરિકાના દેશોમાં ક્યાંક નવા પ્રકારની કટોકટી જાહેર થઈ છે અને તે છે ઠંડીની કટોકટી! લોકોને ઘરની અંદર જ પૂરાઈ રહેવાની સલાહ આપવામાં આવી છે. અનેક સ્થળોએ 'હીટીંગ સિસ્ટમ' પણ નિષ્ફળ જઈ રહી છે અને મોટરકારો રસ્તા ઉપર જ પાણીની જેમ થીજી જવા માંડી છે! આપણા દેશમાં પણ ચાલુ શિયાળામાં અનેક સ્થળોએ અભૂતપૂર્વ ઠંડી જોવા મળી છે અને વૈજ્ઞાાનિકો એમાં 'ન્યુ ક્લિયર વિન્ટર'ના અણસાર જોઈ રહ્યા છે.
યુરોપનાં ઠંડા મોસમનું એક 'ઓફશૂટ' છે, પીવાના પાણીનો નહીંવત ઉપયોગ! એશિયાનાં યુરોપ આવતા માણસો મોટામાં મોટો માથાનો દુઃખાવો છે. પીવાના પાણીની શોધ! ગમે ત્યાં જાઓ, ઘરમાં જાવ કે હોટલમાં લોકો તમારી સામે ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓનો થાળ ધરી દેશે, પણ પીવા માટે પાણી? કદી નહીં આપે! યુરોપનો માણસ પાણી પીતો જ નથી.
યુરોપમાં પીવાનું પાણી શોધવું એ આજની હિંદી ફિલ્મોના ગીતોમાંથી મીઠાશ શોધવા જેવું અઘરું કામ છે પણ એક ઉપાય છે, તમે ગમે ત્યાં બાથરૂમમાં જઈને નળમાંનું પાણી પીવાલાયક છે એવી ખાતરી ત્યાંની સ્થાનિક સુધરાઈઓ આપે છે અનેએ સાહસ ન કરવું હોય તો પછી એક જ ઉપાય છે, 'મીનરલ વોટર' એટલે કે સોડાની બોટલ પીવાનો અને જર્મનીમાં એક સોડાની બોટલનો ભાવ છે માત્ર સાડા ત્રણ માર્ક, એટલે કે અઢાર રૂપિયા! મોટાભાગના લોકો પીવું જ હોય તો કાં તો બિયર કે વ્હીસકી પીએ છે અને કાંઠંડા પીણા પીએ છે.
ઠંડી માણસને સેહતમંદ, સુડોળ, ખૂબસુરત, સ્ફૂર્તિમય બનાવે છે. માણસની ચામડી ઉપર શિયાળામાં નિખાર આવી જાય છે. અને સામાન્ય રીતે સાધારણ લાગતી સ્ત્રી ઠંડીના દિવસોમાં આકર્ષણનું આવરણ ઓઢી લે છે. ઠંડીમાં અવનવા કપડા અને શાલ ઓઢેલા સ્ત્રી-પુરુષો નિરાળું દૃશ્ય સર્જે છે.
યુરોપમાં ઠંડીએ રચના પાછળ એક જ ખ્યાલ હોય છે, ઠંડીથી રક્ષણ કરવાનો પરિણામે યુરોપમાં ઠંડીના દિવસોમાં અતિશય સુંદર, ગળા સુધી ઘાટીલા કોલરથી ઢંકાયેલા ફરના ઓવરકોટમાં લદાયેલી યુરોપની સુંદર નારી શિયાળામાં અપ્સરા જેવી લાગે છે અને માથાની હેટ, ફેલ્ટ કે ટોપીનો ડિઝાઈનોમાં યુરોપના ડિઝાઈનરોને કોણ પહોંચી શકે?
ભાતભાતની ઉન અને ફરની ટોપીઓવાળા સ્ત્રી-પુરુષો કોઈ દિવ્ય પ્રદેશમાં દેવદેવીઓ ઘૂમતા હોય એવું સોહામણું દૃશ્ય રચે છે. માથાથી માંડીને પગના મોજા અને પગરખાં સુધી સૌંદર્ય જ સૌંદર્ય. બરફમાં શાળામાં મેદાનમાં અવનવા કપડામાં સજ્જ બાળકોને રમતાં જોવા એ લ્હાવો છે.
શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી હોય, યુરોપના માણસે બંનેને યંત્રની ડાબલીમાં કેદ કરી દીધા છે. બટન દબાવતાં જ કુદરતના આ બે કરિશ્મામાંથી જે માગો તે હાજર થઈ જાય છે. શિયાળામાં દરેક ઘર, દરેક ઓફિસ, દરેક મોટરકાર અંદરથી ગરમ હોય છે.
બહાર શૂન્યથી નીચે અઢાર ડીગ્રી ઠંડી હોય તો અંદર શૂન્યનથી ઉપર અઢાર ડીગ્રી, એટલે કે ગરમી હોય! અને ઉનાળામાં એથી ઊલટું. અને એમ છતાં કોઈને ઠંડી લાગે તો બજારમાં પચાસ-પચાસ રૂપિયામાં આપ માંગો તેવા હીટર મળી શકે છે પરિણામે, કોઈનું બહાર ફૂટપાથ ઉપર સખત ઠંડીને લીધે, કપડાંના અભાવ મૃત્યુ થતું નથી. અકસ્માતમાં થાય એ જુદી વાત છે. મોસમ ઉપર પણ યુરોપે 'પુશબટન કન્ટ્રોલ' મુકી દીધો છે, પરિણામે હવામાનની હોનારતો સર્જાતી નથી.
આપણે ત્યાં શ્રીનગરમાં એકવાર શૂન્યની નીચે ૧૬ ઉપર પારો ગયો ત્યાંરે લોકોની હાલત શી થઈ હશે? શિયાળાએ આપણી સામે એક નવો પડકાર ફેંક્યો છે. જો મોસમને નાથવામાં ટેકનોલોજીમાં હવે આગળ નહીં વધીએ તો આગામી વર્ષોમાં સમસ્યાઓમાં એક વધુ મહાસમસ્યાનો ઉમેરો થશે.
આપણે માટે અતિશય ગરમી અને અતિશય ઠંડી બંને શાપરૂપ બની જાય છે. હજી શિયાળો શરૂ નથી થયો ત્યાં ગામેગામ અતિશય ઠંડીને લીધે એક-બે નાગરિકોના મોત થાય છે. રેલ્વે, સ્ટેશન, એસ.ટી. સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ ગરીબ લોકો ઠંડીથી ઠુંઠવાઈને પડયાં રહે છે.
કહેવાતી સેવાભાવી સંસ્થાઓ અતિશય ઠંડી પડે ત્યારે બે-પાંચ ધાબળા લઈને નીકળી પડે છે અને મોટી સેવા કરી નાખ્યાનો સંતોષ માણે છે. એ જ રીતે ઉનાળાની ગરમીમાં પણ સેંકડો લોકો ગરમી સહન ન થઈ શકવાથી માર્યા જાય છે. ચોમાસામાં સંખ્યાબંધ લોકો પૂરમાં તણાઈને મરી જાય છે.
આઝાદીના ૮૦ વર્ષ પછી આપણે ઋતુઓને પણ નાથી શકતા નથી એ એક હકીકત છે. મોસમ ઉપર યુરોપની જેમ આપણે પુશબટન કંટ્રોલ નહીં મૂકીએ તો આ માનવસર્જીત ખાનાખરાબી ચાલું જ રહેશે. ટેકનોલોજીનો માનવીય સુવિધા વધારવામાં આપણે કોઈજાતની પ્રગતિ કરી શક્યા નથી એ એક કડવી વાસ્તવિકતા છે. વાસ્તવમાં આમાં આપણને ટેકનોલોજીની નથી એટલી જરૂર ગરીબી દૂર કરવાની છે. આપણા આયોજકો અને સેવાભાવી સંસ્થાઓ માટે આ પ્રચંડ પડકાર છે.
Comments
Post a Comment