રાફેલ સોદા મામલે હજુ પણ ચિત્ર ધૂંધળું

- મોદી સરકારે રાફેલ વિમાનો અંગે સોદો કર્યો ત્યારથી જ વિપક્ષો એ સોદામાં પારદર્શકતાનો અભાવ હોવાના આરોપ મૂકતા રહ્યાં છે અને સરકાર ફ્રાન્સ સાથે થયેલી ગુપ્ત સમજૂતિનો હવાલો આપીને સોદાની વિગતો આપવાનો ઇન્કાર કરતી રહી છે એવામાં કેગના અહેવાલ બાદ વિપક્ષો ફરીથી રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યાં છે


ફ્રાન્સની દસૉલ્ટ કંપનીના અત્યાધુનિક રાફેલ જેટ ફાઇટરની ૧૦ વિમાનોની પહેલી ખેપ ભારતને મળી ચૂકી છે. જેમાંના પાંચ રાફેલ ભારતમાં આગમન થઇ ગયું છે અને તેમનો ઇન્ડિયન એરફોર્સમાં વિધિવત્ સમાવેશ પણ થઇ ગયો છે. 

બીજા પાંચ વિમાનો હજુ ફ્રાન્સમાં જ છે અને એમાં ભારતીય વાયુસેનાના પાઇલોટો ટ્રેનિંગ લઇ રહ્યાં છે. જોકે રાફેલ અંગેનો રિપોર્ટ કેગએ સંસદમાં રજૂ કરતાની સાથે જ તેના પર ફરી રાજકારણ શરૂ થઇ ગયું છે. 

કેગના અહેવાલ બાદ ભારતને રાફેલ વિમાન વેચનારી કંપની દસૉલ્ટ વિરુદ્ધ સમજૂતિની તમામ શરતો પૂરી ન કરવા અંગેના સવાલ ઊઠી રહ્યાં છે. કેગના નિવેદન અનુસાર દસૉલ્ટ કંપનીએ ઓફસેટની શરતો પૂરી કરી નથી. કેગએ સરકારની ઓફસેટ નીતિની ટીકા કરતા કહ્યું કે નબળી ઓફસેટ નીતિના કારણે વિદેશી વિક્રેતા શરૂઆતમાં તો મોટા મોટા વાયદા કરે છે પરંતુ પછી એ પૂરા નથી કરતાં. કેગના જણાવ્યા અનુસાર ૩૬ રાફેલ ફાઇટર જેટ ખરીદવાના ઓફસેટ કોન્ટ્રાક્ટમાં વિક્રેતા દસૉલ્ટ એવિએશન અને એમબીડીએએ સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ ૩૦ ટકા ઓફસેટની શરતોને ડીઆરડીઓને ઉચ્ચ ટેકનોલોજી આપીને પૂરી કરશે. 

કેગના નિવેદન અનુસાર ડીઆરડીઓ ઇચ્છતી હતી કે હળવા ફાઇટર જેટ માટે કાવેરી નામના એન્જિનને ભારતમાં જ બનાવવા માટે ટેકનિકલ સહાય મળે. પરંતુ વિક્રેતા કંપનીએ આજ દિન સુધી આ ટેકનિકના હસ્તાંતરણની પુષ્ટિ કરી નથી. ભારતે ઓફસેટ નીતિ ૨૦૦૫માં લાગુ કરી હતી જે અંતર્ગત આયાત મારફતે દર ૩૦૦ કરોડ રૂપિયાથી વધારેની ખરીદી પર વિદેશી વિક્રેતાએ ખરીદકિંમતના ૩૦ ટકા ભારતીય રક્ષા ક્ષેત્ર અથવા તો એરોસ્પેસમાં લગાવવા પડશે. આ શરત અનેક રીતે પૂરી થઇ શકે છે જેમાં ટેકનોલોજી ટ્રાન્સફરની જોગવાઇ પણ છે. 

કેગના રિપોર્ટ બાદ વિપક્ષોને મોદી સરકાર પર રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ફરીથી કરવાનો મોકો મળી ગયો છે. રાફેલ વિવાદ અંગે સમજવું હોય તો સમગ્ર રાફેલ પ્રકરણને વિસ્તારથી સમજવું પડે. છેલ્લા બે દાયકાથી લેટેસ્ટ ફાઇટર જેટ માટે તરસી રહેલી ભારતીય વાયુસેના માટે ૨૦૦૭માં તત્કાલિન યૂપીએ સરકારે ૧૨૬ મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તત્કાલિન રક્ષા મંત્રી એ.કે. એન્ટનીએ વાયુસેનાના પ્રસ્તાવને લીલી ઝંડી આપતા ફાઇટર વિમાનો ખરીદવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. 

આ મોટા સોદાના દાવેદારોમાં અમેરિકાની લોકહીડ કંપનીના એફ-૧૬, યૂરોફાઇટર ટાયફૂન, રશિયાનું મિગ-૩૫, સ્વીડનનું ગ્રિપેન, અમેરિકાની બોઇંગ કંપનીનું એફ/એ-૧૮એસ અને ફ્રાન્સની દસોલ્ટ કંપનીનું રફાલ સામેલ હતાં. લાંબી અને ગહન પ્રક્રિયા બાદ ૨૦૧૨માં બોલી લગાવવામાં આવી.

આમાં કિંમત અને જરૂરિયાતોને અનુકૂળ દસોલ્ટનું રફાલ સાબિત થયું અને કંપની પાસેથી વિમાનો ખરીદવાનું નક્કી થયું. એ પછી ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ભારત અને ફ્રાન્સે ૩૬ રફાલ વિમાનોની ખરીદી માટે ૭.૮૭ અબજ યૂરો એટલે કે લગભગ ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના સોદા ઉપર હસ્તાક્ષર કર્યાં. 

કોંગ્રેસે આ સોદામાં ભારે અનિયમિતતાઓ હોવાનો આરોપ મૂક્યો. કોંગ્રેસનું કહેવું હતું કે મોદી સરકાર દરેક વિમાન ૧૬૭૦ કરોડ રૂપિયામાં ખરીદી રહી છે જ્યારે યૂપીએ સરકારમાં એક વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કોંગ્રેસે સવાલ કર્યો કે તેમના શાસનકાળમાં જે વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા હતી એ મોદી સરકારના કાળમાં વધીને એક વિમાને ૧૬૭૦ કરોડ રૂપિયા કેવી રીતે થઇ ગઇ? એ સિવાય કોંગ્રેસે આ સોદામાં સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડને સામેલ ન કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યાં. 

મૂળ પ્રસ્તાવમાં ૧૮ વિમાનો ફ્રાન્સમાં બનાવવાના હતાં જ્યારે બાકીના ૧૦૮ વિમાનો ટેકનોલોજી ટ્રાન્સફર કરાર મુજબ ભારતમાં હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ સાથે મળીને તૈયાર કરવાના હતાં. યૂપીએ સરકાર અને દસોલ્ટ વચ્ચે વિમાનોની કિંમત અને ટેકનોલોજી ટ્રાન્સફરને લઇને લાંબી વાટાઘાટો થઇ હતી. 

અંતિમ વાટાઘાટ તો છેક ૨૦૧૪ની શરૂઆત સુધી ચાલતી રહી પરંતુ સોદાને અંતિમ રૂપ આપી શકાયું નહીં. આ દરમિયાન પ્રતિ રફાલ વિમાનની કિંમત અંગે અધિકૃત રીતે જાહેરાત કરવામાં નહોતી આવી પરંતુ યૂપીએ સરકારે સંકેત આપ્યો હતો કે આ સોદો ૧૦.૨ અબજ અમેરિકી ડોલરનો હશે. કોંગ્રેસે દરેક વિમાનની કિંમત એવિયોનિક્સ અને હથિયારો સહિત ૫૨૬ કરોડ રૂપિયા પ્રતિ એક રફાલ વિમાન જણાવી હતી. 

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ સરકાર બદલાઇ અને મોદી સરકાર સત્તામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ફ્રાન્સ યાત્રા વખતે ૧૦ એપ્રિલ ૨૦૧૫ના દિવસે જાહેરાત કરી કે સરકારી સ્તરે થયેલી સમજૂતિ અંતર્ગત ભારત સરકાર ૩૬ રફાલ વિમાન ખરીદશે. વડાપ્રધાનની જાહેરાત બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાને સુરક્ષા મામલાની મંત્રીમંડળ સમિતિની મંજૂરી વિના આ સોદાને અંતિમ સ્વરૂપ કેવી રીતે આપી દીધું? વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ વચ્ચેની વાતચીત બાદ ૧૦ એપ્રિલ ૨૦૧૫ના દિવસે એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ૩૬ રફાલ જેટની આપૂર્તિ માટે સરકારી સમજૂતિ કરવા માટે સંમત થયા છે. 

સરકારે ૨૦૦૮ની ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી સમજૂતિની એક જોગવાઇનો હવાલો આપીને સમગ્ર સોદાની વિગતો આપવાનો ઇન્કાર કર્યો. અગાઉ રક્ષા રાજ્યમંત્રીએ સંસદમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે એક રફાલ વિમાનની કિંમત લગભગ ૬૭૦ કરોડ રૂપિયા છે.

જોકે એ વખતે વિમાન સાથે સંબંધિત ઉપકરણો, શસ્ત્રો અને સર્વિસની કિંમત અંગે ખુલાસો કરવામાં આવ્યો નહોતો. બાદમાં સરકારે વિમાનની કિંમત અંગે કશું જણાવવાનો ઇન્કાર કરી દીધો. એ સાથે જ સરકારે દાવો કર્યો કે તેમણે કરેલા ૩૬ રફાલ વિમાનોની કિંમત અને અગાઉની સરકારે કરેલા ૧૨૬ વિમાનો ખરીદવાના મૂળ પ્રસ્તાવ વચ્ચે સીધી સરખામણી કરી શકાય નહીં. 

રફાલ ડીલમાં ઓફસેટ પાર્ટનર તરીકે હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડને કોરાણે મૂકીને નવીસવી મેદાનમાં આવેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરવાને લઇને પણ ભારે હોબાળો થયો. એવા આરોપ પણ મૂકાયા કે ઓફસેટ કરાર અંતર્ગત અનિલ અંબાણીની કંપનીને ૨૧,૦૦૦ કરોડ કમિશનપેટે મળ્યાં છે. આ તમામ વિવાદમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના ઇન્ટરવ્યૂએ જેમાં તેમણે કહ્યું કે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ ખુદ ભારત સરકારે સૂચવ્યું હતું. 

દસૉલ્ટે તરત આ મામલે સ્પષ્ટતા કરી કે રિલાયન્સને પાર્ટનર તરીકે પસંદ કરવામાં ભારત સરકારની કોઇ ભૂમિકા નથી. બાદમાં રફાલના સીઇઓ એરિક ટ્રેપિયરે પણ એક મુલાકાતમાં કહ્યું કે ઓફસેટ પાર્ટનર તરીકે રિલાયન્સ ડિફેન્સની પસંદગી કંપનીએ પોતે જ કરી છે અને ભારત સરકારે એ માટે કોઇ દબાણ કર્યું નથી.

દસૉલ્ટ કંપની રફાલ મામલે સતત ભારત સરકારનો બચાવ કદાચ એટલા માટે પણ કરતી હોય કે આ સમગ્ર સોદામાં સૌથી મોટો ફાયદો તેને જ થવાનો હતો. કહેવાય છે કે ખસ્તાહાલ બની ગયેલી દસૉલ્ટ માટે ભારત સાથે રફાલ વિમાનોનો સોદો અત્યંત આવશ્યક હતો. 

કેગનું અવલોકન છે કે એવું કોઇ ઉદાહરણ નથી જેમાં વિદેશી વિક્રેતાએ ભારતીય કંપનીને ટેકનોલોજીનું હસ્તાંતરણ કર્યું હોય.

કેગના મતે તો ઓફસેટ નીતિમાં જ ખામી છે જેના પરિણામે એ લાગુ થયાના એક દાયકા બાદ પણ એના લક્ષ્યાંકો સિદ્ધ થઇ શક્યા નથી. દરમિયાન કોંગ્રેસસહિત વિપક્ષને રાફેલ મામલે મોદી સરકારને ઘેરવાનો એક વધુ તક મળી ગઇ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો