ડોન્ટ વરી મુસ્તફા ! .


એક તરફથી કેન્દ્ર સરકારનો અભિગમ એવો છે કે ભારતીય જન જીવનમાં કોરોનાનો ભય દૂર થાય અને દરેક રાજ્ય સરકારનો પ્રયત્ન એ છે કે કોરોના દૂર થાય. જો કે બેમાંથી એક પણ કાર્ય સિદ્ધ તો થતું નથી. કોરોના સતત આગળ વધે છે અને એની પાછળ પાછળ એક-એક ડગલે ભય પણ આગળ ધપે છે. દુનિયાભરના દેશોમાં રાજનેતાઓ પોતાની મૂળભૂત પ્રવૃત્તિઓ હજુ સુધી છોડી શકતા નથી અને તેઓ હજુ પણ જાણે કે એમના દેશમાં કોરોના છે જ નહીં એવું જ વર્તન કરી રહ્યા છે.

આ બધા દક્ષિણપંથીઓએ મચાવેલા ઉત્પાત છે અને એય અટકે એમ નથી. ભારતીય વડાપ્રધાન મોદી પણ એમાંથી બાકાત નથી. દુનિયાભરમાં દૂરના ભવિષ્ય સુધી જોઈ શકે એવા પ્રજાવત્સલ નેત્રો ધરાવતા રાજનેતાઓની કારમી તંગી વર્તાઈ રહી છે. પૃથ્વીની કોઈ પણ ક્ષિતિજે જુઓ તો હજુ સમય વધુ વિકટ આવવાની દહેશત જ તરતી જોવા મળે છે.

સમયના અંધારા ધીરે-ધીરે ધરા પર ઉતરી રહ્યા છે. જો એને વહેલાસર ઓળખવામાં નહીં આવે તો એ અંધારા માણસજાતની જિંદગીઓને લઈને દૂર અંતરિક્ષમાં લુપ્ત થઈ જશે અને પછી જયારે અજવાળું થશે ત્યારે સમાજના, કુટુંબના અને પરિવારના કેટલાક સભ્યો તો લાપતાગંજમાં ખોવાઈ ગયા હશે.

અત્યારે જ અગણિત માનવ જિંદગીઓ અણધારી સંકેલાઈ રહી છે. વિષાદ ગામ અને નગરમાં, દરેક રસ્તા અને શેરીઓ પર ફરી વળ્યો છે જે ગમે ત્યારે પરિજનોની આંખના અશ્રુબિંદુ રૂપે વરસતો થઈ શકે છે. કમ સે કમ છેલ્લા એક હજાર વર્ષમાં માણસ જાતે કદી જોયું જ નથી એવું દુઃખ એના આંગણે આવીને દરવાજા પર ટકોરા મારી રહ્યું છે.

આ એટલો બધો ગંભીર સમય છે કે જેને આપણે આપણા કલ્યાણની જવાબદારી સોંપી છે એવા નેતાઓને હજુ એની ભાન પણ નથી. આપણે તંદુરસ્ત રહીએ, આપણી નીરોગીતા અને આપણા ભવિષ્ય અંગેની ચિંતા એ નેતાઓએ કરવાની હોય છે.

વડાપ્રધાન મોદી દેશમાં એક મંત્ર સરકાર ચલાવી રહ્યા છે. એમનું કામ મંત્ર આપવાનું હોય એવું લાગે છે. હાલતા ને ચાલતા તેઓ સુવાક્યો તરતા મૂકે છે. કાયમ નવા નવા જ્ઞાાન સૂત્રો તરતા મૂકવા સિવાય જાણે કે આ એનડીએ સરકારને કંઈ કામ જ નથી ! હવે ફિટનેસ મંત્ર પ્રસારિત કર્યા છે.

હિન્દુસ્તાનને આવા જ્ઞાાનસૂત્રોની નહીં, અસલ તંદુરસ્તી, અસલ ઔષધિઓ, અસલ હોસ્પિટલ અને અસલ ડોકટરોની જરૂર છે. કોરોના કેસ એટલા વધતા જાય છે કે સરકારી આરોગ્ય તંત્ર કોઇ પણ રીતે એને પહોંચી વળે એમ જ નથી અને ખાનગી સેવાઓ લેવાનું ભારતની મહત્ પ્રજાને પોસાય તેમ નથી.

સરકાર આવનારા દિવસોની સંભવિત અનારોગ્યક અરાજકતાથી સારી રીતે વાકેફ હોય છે. છતાં પણ એ દિશામાં કોઈ મહત્ત્વ કામ હજી ચાલુ કર્યું નથી. એનડીએ સરકાર પાસે આગામી છ મહિના, વરસ કે બે વરસનો મેડિકલ સવસ રોડ મેપ તૈયાર નથી અને આગળના દરેક પડાવો પર ભારતમાં લાખોના સામટા ઉછાળા સાથે કોરોના કેસ વધવાના છે.

વડાપ્રધાન મોદી જ્યારે તેમની બીજી ટર્મ માટે પ્રચાર કરતા હતા જ્યારે તેમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે મને બસ હજુ બીજા પાંચ વર્ષ માત્ર આપો. પરંતુ હવે તેઓ ત્રીજા પાંચ વર્ષની તૈયારીમાં લાગી ગયા છે. એ તૈયારી કરવાની એમને અત્યારે કોઈ જરૂર નથી.

ભારતમાં કોરોના કેસના આંકડાઓની વૈજ્ઞાાનિકોની આગાહી કદાચ કપોળ કલ્પિત લાગે તો પણ એ ધારણાઓ હાલ તો લાખો અને કરોડોમાં ઊંચે જઈ રહી છે. આપણે એવી પ્રાર્થના કરીએ કે વૈજ્ઞાાનિકો ખોટા પડે, પરંતુ ન કરે નારાયણ ને વૈજ્ઞાાનિકોની વાત અરધી પણ સાચી પડે તો હિન્દુસ્તાન બીજા સો વર્ષ સુધી બેઠો થઈ શકે નહીં.

ખરેખર તો મિસ્ટર મોદીએ કોરોના કાળને ભારતીય પ્રજાની સેવા કરવા માટે કુદરતે એમને આપેલા અણમોલ અવસર તરીકે જોવો જોઈએ અને એવી સેવા કરવી જોઈએ કે પોતે એક સામાન્ય વડાપ્રધાન હોવા છતાં ડોક્ટર આલ્બર્ટ સ્વાઈત્ઝર કે મધર ટેરેસાની કક્ષામાં તેમનું નામ લેવામાં આવે. હજુ પણ એમની પાસે એ તક છે જ.

એ. આર. રહેમાનના સુપ્રસિદ્ધ ગીતની પંક્તિઓ છે, મુસ્તફા... મુસ્તફા.. ડોન્ટ વરી મુસ્તફા. આમ તો એ એક ફ્રેન્ડશિપ સોન્ગ છે. એમાં જ પછીની પંક્તિ છે કે ડે બાય ડે બઢતા હૈ... દિલ દિલ સે મિલ જાતા હૈ... ઐસા હૈ જાદુ..! વાસ્તવિકતા એ છે કે કોરોના અત્યારે ડે બાય ડે બઢતા હૈ અને એનડીએ સરકાર આખા દેશની પ્રજાને સતત એમ જ કહ્યા કરે છે કે ડોન્ટ વરી મુસ્તફા. ચિંતા સરકાર તો કરતી નથી એટલે પ્રજાએ ભોગવવાનું આવે.

છતાં પણ અત્યારે જે સરકારી મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે એ હાંફી હાંફીનેય પહોંચી વળે છે પણ ટૂંક સમયમાં જ એ સરકારી સેવાઓ અધિકતર દરદીઓને કારણે ખુદ ઓક્સિજન પર આવી જવાની નિશ્ચિત છે. સમસ્યા એ જ છે કે એ માટેની સરકારની તૈયારી ઝિરો ડિગ્રી પર રમે છે. માની લઈએ કે મુસ્તફા ભારતનો કોમન મેન છે તો એને વારંવાર ડોન્ટ વરી કહ્યા કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે દરરોજ સવારે જનજીવનમાં એક ચિંતા પ્રસરે છે કે કેટલા લોકો માટે આજનો સૂર્યાસ્ત એમની જિંદગીનો છેલ્લો અસ્ત બની જશે ! 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો