1લી નવેમ્બરથી બજારોમાં ખરીદીની મોસમના સંકેત
- સીધાજ બેંકખાતામાં મોકલાતી સહાયની રકમનો વ્યાપ મધ્યમ વર્ગના ખિસ્સા સુધી લંબાવવાની જરૂર છે...
વેપારની નજરે નવરાત્રિ અને દિવાળી બંને કોરા ધાકોર છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં નાના અને છૂટક વેપારીઓ માટે પૈસા કમાવવાની મોસમ રહેતી હતી. પરંતુ કોરોનાએ મારેલી તરાપથી દરેકની આવકનો કોળીયો છીનવાઇ ગયો છે. પહેલાં ઘરાકી ના હોય તો લોકો ભગવાનને ગમે તે ખરું એમ કહેતા હતા પરંતુ હવે કોરોનાને ગમ્યું તે ખરું એમ કહેતા થઇ ગયા છે. કોરોનાને ઓળખી શકાતો નથી છતાં અનેક લોકો હિંમત કરીને વ્યવસાય ચાલુ કરીને ગ્રાહકોની રાહ જોઇને બેસી રહ્યા છે.
બજાર સાથે સંકળાયેલા લોકો કહે છેકે પહેલી નવેમ્બર પછી બજારોમાં તેજી જોવા મળવાના ચાન્સ વધુ છે. ઓક્ટોબર માસનો પગાર, બોનસ, ઉપાડ, સરકારી સહાય વગેરેના કારણે બજારોમાં ભીડ જોવા મળશે. આ ભીડ પાસે ખરીદ શક્તિ હશે કેમકે તેમની પાસે પગાર, બોનસ તેમજ અન્ય ઉપાડ વગેરેનો પૈસો હશે.
તહેવારોમાં ખરીદીની પરંપરા પર કોરોનાના કારણે બ્રેક વાગી છે. પરંતુ આપણે ત્યાં જ્યારે બજારમાં પૈસો ફરતો નથી વાળી સમસ્યા છે ત્યારે આગામી દિવાળીના દિવસોમાં પૈસો ફરતો જોવા મળશે.
કેન્દ્ર સરકાર પાયામાંથી આર્થિક તંત્રને ઉભું કરવા મથે છે પરંતુ ગામડામાં ભરાયેલા વરસાદી પાણી અને વધુ પડતા વરસાદના કારણે તારાજીની સ્થિતિ જોવા મળે છે. પચાસ ટકા જેટલી ખેત જમીનો પર આવી દશા હોવાનું જાણવા મળ્યું છે. સરકાર કિસાનોને વળતર આપવા વિચારી રહી છે પરંતુ સરકાર દિવાળી પહેલાં વળતર આપે તે જરૂરી છે.
કિસાન સમુદાય સહનશીલ છે. તે સરકાર પાસે છાશવારે હાથ લંબાવી શકતો નથી. સરકારે દશ હજાર વાળી જે સ્કીમ મુકી છે તે કિસાનોને આપવા જેવી હતી અને કિસાનોને દશની સામે પંદર હજારની ખરીદી માટે કહેવા જેવું હતું. સરકારે દશ હજાર આપીને ત્રીસ હજારની ખરીદી કરવા માટેની સ્કીમ આપી છે પરંતુ સમસ્યા એ છે કે બીજા ૨૦,૦૦૦ રૂપિયા લોકો લાવશે ક્યાંથી? વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ પાસે વધારાના પૈસા નથી હોતા.
વધારાના ૨૦,૦૦૦ ખર્ચ કરવા કોઇ તૈયાર થાય એમ લાગતું નથી. બજારમાં ખરીદીનું વાતાવરણ અને ખરીદીનું મોજું ઉત્પન્ન થાય એવા પ્રયાસો સરકાર કરે છે પરંતુ સરકાર લોકોને દેવામાં ધકેલવા માંગે છે એમ કહી શકાય. સરકાર એવી સ્કીમો મુકે છે કે જેનાથી લોકોને હરખ થવો જોઇએ તેના બદલે લોકો મૂંઝવણમાં મુકાય છે.
આર્થિક તંત્રને ખાડામાંથી બહાર લાવવાના પ્રયાસોમાં સરકારના પગલાં ફ્લોપ પુરવાર થઇ રહ્યાં છે છતાં સરકાર આર્થિક ટેકાના નવા મુદ્દા બહાર પાડયા કરે છે. હકીકત એ છે કે લોકોના હાથમાં કશુંક આપતાં પહેલાં સરકાર તેમને ખંખેરી લેવાની ફિરાકમાં જોવા મળે છે. ૧૦,૦૦૦ આપીને ત્રીસ હજારની ખરીદી કરવાની સ્કીમ લોકો પાસે રહેલાં વીસ હજાર બહાર કાઢવા માટે છે.
સરકારની સ્કીમોની સતત ટિકા થઇ રહી છે. કેમકે તે ટેકઓફ થાય તે પહેલાંજ ફસડાઇ પડે છે. રોજીંદા વપરાશમાં આવતી ચીજો જેવીકે ડિઝલ પેટ્રોલમાં ભાવ ઘટાડીને સરકાર રાહત આપી શકે છે. સરકારને ડર એ રહે છે કે બ્લેક માર્કેટ સાથે સંકળાયેલાઓ રોજીંદા વપરાશની ચીજોનો સંગ્રહ કરીને મુશ્કેલી સર્જી શકે છે.
કેટલાક આર્થિક નિષ્ણાતોનું એવું માનવું છે કે સીધાજ બેંેકખાતામાં મોકલાતી સહાયની રકમનો વ્યાપ મધ્યમ વર્ગના ખિસ્સા સુધી લંબાવવાની જરૂર છે.મોદી સરકારે બજારોમાં વધુ પૈસો ઠાલવવાના પ્રયાસ શરુ કરવાની જરૂર છે. લોકોને નજીવા દરે લોન આપવી પડશે. બજારોમાં એટલેકે કિસાનોની ખરીદ શક્તિ અને ગામડાના અર્થતંત્રને ઉંચું લાવવા પ્રયાસ કરવાની જરૂર છે. દિવાળીમાં આર્થિક તંત્રને ઉંચું લાવવાનો સરકાર પાસે ગોલ્ડન ચાન્સ છે.
લોકો ત્યારેજ ખરીદી કરે છે કે જ્યારે તેમની પાસે સરપ્લસ પૈસો હોય છે. દિવાળીના દિવસોમાં દરેક પોતાના કુટુંબ માટે ખરીદી કરવા મંાગે છે. તહેવારોની ઉજવણી પણ દરેક કરવા માંગે છે. કોરાનાએ દરેકને ડરાવી દીધા છે. પૈસો હોવા છતાં લોકો તહેવારોની ઉજવણી કરતાં ડરે છે.મંદીના નગારાઓે નવરાત્રિના નગારાં કરતાં વધુ અસરકારક સાબિત થયા છે. આશા રાખીએ કે મંદીના દિવા કરતાં દિવાળીના દિવા વધુ પ્રજ્વલ્લિત થાય અને કોરાનાથી વ્યાપેલો અંધકાર દુર કરીને લોકોમાં રહેલો ડરનો માહોલ દુર કરે.
Comments
Post a Comment