બચપણઃ આઇ લાઇક ટુ ઉટ ઉપલ એન્ડ બનૂનૂ


- બાળકને ભાષા શીખવી પડે છે, ભાવના તો ઇનબિલ્ટ હોય છે, મોટા થયા પછી ભાષા આવડી જાય છે અને ભાવના ભુલાઈ જાય છે

- બાળપણમાં અનુભવ શૂન્ય હોય છે અને સ્ફૂરણા ૧૦૦ ટકા, જ્યારે આનું ઊલટું થઈ જાય ત્યારે મોટા થઈ ગયા

- આપણે નાના હતા ત્યારે ચાંદા પર રહેતી ડોશી થોડા દિવસો પહેલા કોરોનાને લીધે મૃત્યુ પામી છે

સનાતનનો અર્થ થાય છે જે ક્યારેય ચવાતું નથી. સૂરજ કરોડો વર્ષથી ઊગે છે, પણ શું ક્યારેય આપણે એવું કહીએ છીએ કે આ સૂરજ સાવ ચવાઈ ગયેલો છે. પૂર્વ દિશામાંથી સૂરજનું ઊગવું પીટાઈ ગયું છે, આવું બોલતા આપણે ક્યારેય કોઈને સાંભળ્યા નથી. જે નિત્ય પણ છે અને નવું છે એ સનાતન છે. યે દૌલત ભી લેલો- નઝમ ચવાઈ ગઈ, પણ ક્યારેય બાળપણની વાતો ચવાતી નથી.

જે નથી ચવાતું તે લીલા છે. બાળપણ કૃષ્ણલીલા છે. દરેક ઘરને એક પોતીકો લાલો હોય છે અને તેને તેના પર્સનલ તોફાનો હોય છે. તેના તોફાનોની યુનિકનેસનો, મૌલિકતાનો દાવો ૧૦૦ ટકા સાચો હોય છે. બાળપણનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે તેની અભિવ્યક્તિ પર અનુભવનો ભાર નથી. અનુભવ એક પ્રકારની પેટર્ન પેદા કરે છે. બાળપણ પેટર્નથી મુક્ત હોય છે. એટલે જ કૃષ્ણે-કૃષ્ણે લીલા બદલાતી રહે છે. એક લાલો માખણ ખાય તો બીજો જરૂરી નથી કે એ જ કરે.  બીજો તેલમાં છબછબિયા કરતો હોય, ત્રીજોવિમાન જોવા સીડી વિના અગાસીએ ચડી જાય, ચોથો લોટથી ન્હાયો હોય, પાંચમાએ આખા શરીરે ટયુબના લપેડા કર્યા હોય. પ્રહલાદ ગરમ થાંભલાને બથ ભરે એમ ચિરાગ કૂકરને બાઝી પડે. ને પછી સિદ્ધ થાય કે દરેક વખતે ઈશ્વર અવતરતા નથી.

બાળપણ એટલે જોડકણાનો ખજાનો. એક હતો રાજા, રાજા વગાડે વાજા, રાજા બોલે રામનું નામ... એક બિલાડી જાડી... નાની મારી આંખ... બાળપણ એટલે આઇ લાઇક ટૂ ઇટ ઇટ ઇટ એપલ એન્ડ બનાના, આઇ લાઇક ટૂ ઉટ ઉટ ઉટ ઉપલ એન્ડ બનૂનૂ. બાળપણ એટલે મમ્મા કોલ ધ ડૉક્ટર એન્ડ ડૉક્ટર સેઇડ નો મોર મન્કીઝ જમ્પિંગ ઑન ધ બેડ. બાળપણ એટલે વ્હીલ્સ ઑન ધ બસ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બાળપણને એક નવી વ્યાખ્યા પણ મળી છે. હવેનું બાળપણ એટલે અંગ્રેજી અને ગુજરાતીની ભેદરેખાનો અંત.

ડોક્ટર સ્યૂસનો મિજાજ જુઓઃ વયસ્કો નકામા બની ગયેલા બાળકો છે. ભાડમાં જાય તેઓ. એક સેન્સમાં તો વયસ્કો નકામા બની જ ગયા છે. તેઓ સવાલ પૂછવાનું ભૂલી ગયા છે. બાળપણમાં કેટલા સવાલો તેમના મગજમાં ઊગતા હતા? શું થયું? એ સરવાણી કેમ સુકાઈ ગઈ તેની ક્યારેય તપાસ કરી છે? બાળપણમાં જેટલા સવાલ થતા હતા એટલા યુવાનીમાં પણ થાય તો ઘરે-ઘરે વિજ્ઞાાની પાકે. તો આ દુનિયા સમસ્યા મુક્ત બની જાય. કદાચ સવાલ થવાના બંધ થવા એ જ બાળપણનો અંત હશે.

ક્યારેય કોઈ બાળકને એવું કહેતા સાંભળ્યું કે મને યાદ નથી રહેતું. બાળપણ એટલે તીવ્ર યાદ શક્તિ. મોટાને યાદ ન રહે એવું અટપટું બાળકોના મગજમાં છપાઈ જાય. બાળપણ એટલે તીવ્ર વિસ્મૃતિ પણ. આંખના આંસુ સુકાય એ પહેલા રોવાનું કારણ ભુલાઈ જાય. (બક્ષીનું ઑબ્ઝર્વેશન.) જોન કોનોલી બુક ઑફ લોસ્ટ થિંગમાં લખે છે, દરેક પુખ્તમાં એક બાળક વસતું હોય છે, દરેક બાળકમાં એક પુખ્ત. બાળકો જ્યારે મોટા જેવી વાત કરે અને મોટા જ્યારે બચકાની વાતો કરે ત્યારે આ ક્વૉટ સાચું લાગે છે.

બાળકો ક્યારે મોટા થઈ જાય છે ખબર પણ રહેતી નથી એવી ફરિયાદ કરનારા વાલીઓ માટે જ્યોર્જ આર. આર. માર્ટિને ગેમ ઑફ થ્રોન સીરિઝમાં ભાખ્યું છે, જીેસસીિ ુૈનન ીહગ ર્ર્જહ ીર્હેયર, બરૈનગર્ર્રગ ચજ ુીનન. એડના વિન્સેન્ટ બહુ ઝીણું કાંતે છે, બાળપણ એક જન્મથી અમુક ઉંમરનું નથી હોતું. બાળક મોટું થતું જાય છે અને એક ઉંમરે બાલિશતા ત્યજી દે છે.  બાળપણ એક એવું સામ્રાજ્ય છે જ્યાં ક્યારેય મૃત્યુ પ્રવેશી શકતું નથી.

જીવન સ્ફૂરણાથી જીવાવું જોઈએ, ન કે અનુભવથી. અનુભવ નકલ કરતા શીખવે છે, સ્ફૂરણા તમારી પાસે મૌલિક નિર્ણયો લેવડાવે છે. માણસ પાસે આ બંને ચીજો હોય છે. બસ સમીકરણ અલગ હોય છે. બાળપણમાં અનુભવની બેલેન્સ ઝીરો હોય છે અને સ્ફૂરણા ૧૦૦ ટકા. જેમ-જોમ મોટા થઈએ તેમ-તેમ સ્ફૂરણા ઘટતી જાય છે. બાળપણ સ્ફૂરણાનો કૂબેર છે. કમસકેમ સ્ફૂરણા રૂપે આપણામાં બાળપણ જીવવું જરૂરી છે.

બાળપણ પીટર પૅનનો પર્યાય છે. પોતાની દુનિયા... નેવરલેન્ડ નહીં, ફોર એવર લેન્ડ. બાળપણ પરિકથા જેવું હોય છે. તેમાં કુરૂપતાને સ્થાન નથી. મા-બાપ ઝઘડે તો બચ્ચું રડી પડે છે. કારણ કે તે ઝઘડા નામના એલિમેન્ટથી  અપરિચિત છે અને અપરિચિત જ રહેવા માગે છે. બાળકની દુનિયા નેગેટીવીટીથી મુક્ત હોય છે. તેની બહાર પ્રવેશ નિશેધનું પાટિયુ લાગેલું હોય છે. જેમ-જેમ તે નેગેટિવિટીથી પરિચય કેળવતો જાય છે તેમ-તેમ તે મોટો થતો જાય છે. એટલે જ વંચિતોના, ગરીબોના બાળકો વહેલા મોટા થઈ જાય છે. ચાની ટપરી પર કામ કરતો છોટું હવે નામ માત્રનો છોટું છે. કારણ કે નેગેટીવિટી સાથે હવે તેને આંખની ઓળખાણ હોય છે.

બાળપણ રમવા માટે હોય છે, ભણતરનો ભાર ઉપાડવા માટે ક્યારથી બની ગયું તેની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરવામાં આવે છે. કોરોનાએ બચપન બચાઓ આંદોલનમાં સારી એવી ભૂમિકા ભજવી. આભાર કોરોનાનો કે ત્રાટક્યો અને બાળકોના સિલેબસ હળવા થયા. આભાર કોરોનાનો કે તે આવ્યો અને બાળકોને પરીક્ષામાંથી મુક્તિ મળી. આભાર કોરોનાનો કે તે ખાબક્યો અને બાળકોને લાંબું વેકેશન મળ્યું. અત્યાર સુધી ૧૦ મહિનાનું ભણવાનું અને બે મહિનાનું વેકેશન રહેતું. આ વખતે ૧૦ મહિના વેકેશન અને ખાલી બે જ મહિના ભણવાનું છે. આટલું ડિસ્કાઉન્ટ તો એમેઝોનના સેલમાં પણ નથી હોતું. 

બાળક એટલે નિઃસ્વાર્થ ચાહવું. તે ગયા અઠવાડિયે મને ઝાપટ મારેલી એટલે હું તારી સાથે નહીં બોલું એવું કોઈ બાળક કહેતું નથી. અઠવાડિયા પહેલાની ઘટના તેને યાદ જ નથી રહેતી. જેની સાથે ઝઘડે, લડે તેનેય બે કલાક પછી સામેથી બોલાવે. મોટા થયા પછી જ અબોલા શરૂ થાય છે. મોટા થયા પછી નિઃસ્વાર્થ ચાહતનું બાષ્પીભવન થઈ જાય છે. અભિમાન ઊગી નીકળે છે. એટલે પીટર પૅનને મોટા નથી થવું.

માણસ એના જીવનમાં ત્રણ બાળપણ જોવે છે. જો નસીબદાર હોય તો ત્રણથી વધારે. પહેલું પોતાનું બાળપણ, બીજું પોતાના સંતાનનું અને ત્રીજું પૌત્ર-પૌત્રીનું. બીજા અને ત્રીજા તબક્કામાં પણ તમારે બાળક બની જવું જરૂરી છે. કલ્પના કરો છ યુવાનો શેરીમાં ઊભા-ઊભા ભમરડા ફેરવી રહ્યા છે. કેવું વિચિત્ર લાગે, નહીં! પણ કોઈ ૩૩ વર્ષનો પિતા અથવા ૬૨ વર્ષનો દાદો તેના દીકરા સાથે ભમરડો ફેરવતો હશે તો વિચિત્ર લાગશે નહીં. આપણા બચપણમાં જે કચાશ રહી ગઈ છે તે આપણે બાળકોના બચપણમાં જીવી લઈને પૂરી કરવાની હોય છે. છાપાની ભાષામાં કહીએ તો પિતા બનવું અને દાદા બનવું એ તમારા અધૂરા બાળપણને ફાળવવામાં આવેલું અનુસંધાન પાનું છે.

ગુલઝાર સાહેબના ચશ્માંથી જોઈએ તો આપણું બાળક એક વર્ષનું થાય ત્યારે આપણે પણ માતાપિતા તરીકે માત્ર એક જ વર્ષના હોઈએ છીએ. બાળકો પરિપક્વ ન હોય એમ માતાપિતા તરીકે આપણા કાચા હોવાની સંભાવના પૂરેપૂરી. આટલું ન સમજનારા વાલીઓ તેના બાળકોના બાળપણની ખો કાઢી નાખે છે. આ મુજબ બાળકોનો સૌથી સારો ઉછેર તેના દાદાદાદી કરી શકે. કેમ કે તેઓ હવે અનુભવે યુવાન છે. પતિ-પત્ની બંને નોકરી કરતા હોય એવા યુગમાં તે આવકાર્ય પણ ખરું.

જો તમને ફરીથી બાળક બનવાનું મન થાય છે તો અર્થ એવો થયો કે તમે વહેલા મોટા થઈ ગયેલા. એક બાળક તરીકે તમારે જેટલું જીવવાની અને માણવાની જરૂર હતી એટલું તમે નહીં ભોગવી શક્યા. જેણે બાળપણ પૂરેપૂરું માણી લીધું છે તે ક્યારેય એમ નહીં કહે કે મને મારા બાળપણના દિવસો પાછા આપી દો. મજા બાળપણને યાદ કરવાની જ હોય છે. પાછા બાળક બનીએ તો તેમાં રહેલી ઇન્ડિપેન્ડેન્સીનું ભાન થાય. જે આપણને બાળપણમાં નહોતું. 

અમીર અને ગરીબના ભેદ મોટા થાય પછી પડે છે. બાળકો એક સરખા સમૃદ્ધ હોય છે. તોફાન, રમકડા, રમતો. મોટા થયા પછી રમકડા, રમતો અને તોફાનનું સ્થાન, સ્ટેટસ, ભ્રષ્ટાચાર અને ઇર્ષા લઈ લે છે. કયું ભણતર બાળકોને આ રીતે મોટા કરે છે તે આજ સુધી સમજી શકાયું નથી. બાળકો શીખવાથી હોશિયાર થાય છે અને જે ઇનબિલ્ટ આવડેલું છે એ ભૂલવાથી નાના. તેમને કક્કો અને બારાક્ષરી જ શીખવવામાં આવે છે. ક્યારેય એવું જોયું કે કોઈ બાળકને રોતા શીખવવામાં આવ્યું. ક્યાંય એવું સાંભળ્યું કે પટેલભાઈના છોકરાને રડતા નથી આવડતું, ફલાણા ભાઈનો છોકરો હસવામાં ઠોઠડો છે એવું સાંભળ્યું? નેવર. ભાષા શીખવાની હોય છે, ભાવના ઇનબિલ્ટ હોય છે. જેમ-જેમ મોટા થઈએ તેમ-તેમ આપણે ભાષા શીખતા જઈએ છીએ અને ભાવના ભૂલતા જઈએ છીએ.

જ્હોન બેજેમન ચાર વખત વાંચીએ તો જ સમજાય એવું લખે છે, કારણનો અંધકાર ઘેરી વળે એ પહેલા બાળપણ અવાજ, ગંધ અને દૃષ્ટિ દ્વારા માપવામાં આવે છે. માર્કો પેરી વાઇટ વિચારતા કરી મૂકે છે, રસોઇયો એ જ ટેસ્ટ આપી શકે છે જે તેના બાળપણમાં ઘડાયેલો હોય છે. દરેક રસોઈયામાં એક ચીજ કોમન હોય છે, તેની મા ખૂબ સારી રસોઈ બનાવતી હોય છે.

૨૧મી સદીમાં મા અને પિતાનો રોલ મર્જ થતો જાય છે. માતા નોકરીએ જાય ત્યારે ચાર કલાક પિતા પણ બાળકનું ધ્યાન રાખી શકે છે, બેબી સિટિંગ કરી શકે છે. આમાં કોઈ ફેમિનિઝમ નથી, એક સધિયારો છે, સંતુલન છે, પ્રેમ છે. બાળક માથી વધુ નજીક હોય છે, અગ્રી. પણ બાળકનું બધું કામ મા જ કરે અને મા જ તેનું ધ્યાન રાખે એ પૂરાકલ્પન હવે અસ્વીકૃત બનતું જાય છે. ફૂટબોલમાં જેમ દર સેકન્ડે ખેલાડીઓની પોઝિશન બદલાતી રહે છે એમ પરિવારજનો એકબીજાના રોલમાં મેકશિફ્ટ થતા રહે તો જ સારું જીવન જીવી શકાય છે. આવા સમજદાર પેરેન્ટ્સ મેળવનારા બાળકના જીવનમાં સાચે જ કાંઈ નો ઘટે, જિંદગી તો બિલકુલ નહીં.

આપણે નાના હતા ત્યારે ચાંદા પર રહેતી ડોશી થોડા દિવસો પહેલા કોરોનાને લીધે મૃત્યુ પામી. એટલે હવે બાળક બનવાનો કજિયો કરવા જેવો રહ્યો નથી. આપણે નાના હતા ત્યારે કલ્પેલા પાત્રો અત્યારે કઈ સ્થિતિમાં છે, જરા તપાસ તો કરો.

આજની નવી જોક

છગન (લીલીને) : તારા ખોટા ખર્ચા ક્યારે બંધ કરીશ?

લીલીઃ ને તમે ખોટા ખર્ચા કરો છો અનું શું?

છગનઃ મેં શું ખોટો ખર્ચો કર્યો?

લીલીઃ દર વર્ષે એલઆઈસીનું પ્રીમિયમ ભરો છો. ક્યારેય પાક્યું?

છગનઃ હેં!?

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો