કોરોના કાળમાં ચીને ભારતની જમીન પચાવી પાડી છે : ભાગવત


કોરોનાકાળમાં દેશમાં બેરોજગારી વધી છે એ પડકાર છે

દેશમાં સીએએના મુદ્દે કોમવાદી હિંસા ફેલાવવાનું કાવતરૂં ચાલી રહ્યું હતું, આ કાયદો કોઈ વિશેષ ધર્મનો વિરોધ નથી કરતો

(પીટીઆઈ) નાગપુર, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

ચીને કોરોનાકાળમાં ભારતની ભૂમિ પર કબજો જમાવ્યો છે. ચીનની વિસ્તારવાદી નીતિની આખી દુનિયા સાક્ષી છે. ભારતે ચીનનો સામનો કરવો હશે તો લશ્કરી દૃષ્ટિએ તેના કરતાં વધુ શક્તિશાળી થવું પડશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીના ચીને ભારતની જમીન પર કબજો નથી જમાવ્યો તેવા નિવેદનથી વિપરિત સંઘ પ્રમુખના આ નિવેદનથી વિવાદ સર્જાવાની સંભાવના છે. ભાગવતના નિવેદન બાદ તુરંત પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોહન ભાગવત હકીકત જાણે છે, પરંતુ માત્ર તેનો સામનો કરતાં ગભરાય છે. 

સંઘની વાર્ષિક વિજયાદશમીની રેલીને સંબોધન કરતાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ચીનના ઘૂસણખોરીના પ્રયાસનો ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો તેનાથી તે ડઘાઈ ગયું છે. જોકે, ચીનનો સામનો કરવા માટે ભારતે તેની સૈન્યશક્તિ હજુ પણ વધારવાની જરૂર છે. કોરોનાની માર્ગદર્શિકાના કારણે સંઘના આ ઈનડોર કાર્યક્રમમાં માત્ર 50 સ્વયંસેવકોએ વ્યક્તિગત રૂપે હાજરી આપી હતી.

જોકે, ઓનલાઈન પર હજારો સ્વયંસેવકો અને દેશવાસીઓએ સંઘ પ્રમુખનું સંબોધન સાંભળ્યું હતું. સંઘ પ્રમુખે તેમના સંબોધનમાં રામ મંદિર, સીએએ, કોરોના સંકટ, ચીન સાથે વિવાદ, નવી શિક્ષણ નીતિ, નવા કૃષિ કાયદા, પારિવારિક ચર્ચાના મહત્વ અને સ્વદેશી નીતિ હેઠળ 'વોકલ ફોર લોકલ'ના મુદ્દે ખૂલીને વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા ચીનની વિસ્તારવાદી નીતિનું સાક્ષી રહ્યું છે. ચીને તેની લશ્કરીશક્તિના મદમાં આવીને કોરોનાકાળમાં માત્ર ભારત સાથે નહીં પરંતુ તાઈવાન, વિયેતનામ, જાપાન, અમેરિકા જેવા દેશો સાથે પણ સંઘર્ષમાં ઉતર્યું છે.

જોકે, ભારત સહિત અનેક દેશો તેની સામે મજબૂતીથી ઊભા થઈ ગયા છે. ચીનના ઘૂસણખોરીના પ્રયાસ સામે ભારત જે તાકતથી ઊભું રહ્યું છે તેનાથી ચીન પરેશાન થઈ ગયું છે. આપણા પ્રદેશો પર કબજો જમાવવાના ચીનના પ્રયાસો સામે આપણા સલામતી દળો, સરકાર અને લોકોએ ત્વરિત પ્રતિભાવ આપ્યો. 

ચીન હવે કેવો પ્રતિસાદ આપશે તે ખ્યાલ નથી. પરંતુ ભારતે સાવધ અને તૈયાર રહેવાની જરૂર છે. ભારતે શ્રીલંકા, બાંગ્લાદેશ, બ્રહ્મદેશ, નેપાળ જેવા પડોશી સાથે મિત્રતાને વધુ મજબૂત કરવી જોઈએ. આપણે બધા સાથે મિત્રતા ઈચ્છીએ છીએ. પરંતુ આપણી સદ્ભાવનાને નબળાઈ માનીને પોતાના બળના પ્રદર્શનથી કોઈ ભારતને ઝુકાવી શકતું નથી. ચીનના ઉદાહરણ પરથી આટલું તો આ દુ:સાહસ કરનારાઓને સમજમાં આવી ગયું છે.

ભાગવતે જણાવ્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુત્વ આ દેશનો આત્મા છે. આરએસએસ હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે તેમ કહે છે ત્યારે તેનો આૃર્થ રાજકીય આૃથવા સત્તા કેન્દ્રિત વિચાર નથી હોતો. હિન્દુ શબ્દને વ્યાખ્યાઈત કરતાં ભાગવતે કહ્યું, સમસ્ત રાષ્ટ્ર જીવનના સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યો અને તેની વ્યક્તિગત, પારિવારિક, વ્યાવસાયિક તથા સામાજિક જીવનમાં અભિવ્યક્તિનું નામ 'હિન્દુ' શબ્દમાંથી નિર્દિષ્ટ થાય છે.  

તેમણે જણાવ્યું કે ગયા વર્ષે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી અયોધ્યામાં રામમંદિરનો ચૂકાદો આપ્યો. આ વર્ષે આપણે દેશમાં તણાવ પેદા કરતા સીએએના વિરોધો જોયા છે.

આ મુદ્દે ચર્ચા થાય તે પહેલાં જ કોરોનાના કારણે આ બધા જ મુદ્દા બાજુ પર મુકાઈ ગયા હતા. આપણે કોરોના વાઈરસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કર્યું. આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધ રહેવાની જરૂર છે. 

કોરોનાના કારણે દેશમાં બેરોજગારીમાં વધારો થયો છે. કોરોનાકાળમાં અનેક લોકોએ નોકરીઓ ગુમાવી. પ્રવાસી કામદારો તેમના વતન જતા રહ્યા હતા, હવે તેઓ શહેરોમાં પાછા ફરી રહ્યા છે. પરંતુ હવે તેમના માટે શહેરોમાં નોકરીઓ નથી. દેશમાં બધા માટે રોજગારીની તકોનું સર્જન કરવું એ આપણા માટે મોટો પડકાર છે.

Comments