પાકિસ્તાન ક્રાંતિના માર્ગે

- નબળા સુકાની પુરવાર થયેલા ઇમરાન ખાનની વિકેટ લેવા પાક જનતા અધીરી બની છે


એક ટકે કે દો નિયાઝી, ગો નિયાઝી ગો નિયાઝી. આ નારો જનરલ એ. કે. નિયાઝીની યાદ અપાવે છે જેણે ૧૯૭૧માં બાંગ્લાદેશમાં ૯૦,૦૦૦ સૈનિકો સાથે ભારતની શરણાગતિ સ્વીકારી લીધી હતી. નારામાં દો નિયાઝી આવે છે. તો આ બીજો નિયાઝી કોણ? ઇમરાન ખાનનું આખું નામ છે ઇમરાન ખાન નિયાઝી. નિયાઝીએ એક ખુલ્લા મેદાનમાં સંધિ પર હસ્તાક્ષર કરી ભારત સામે શરણાગતિ સ્વીકારેલી તેનું પાકિસ્તાનને પારાવાર દુઃખ છે. આ માટે પાકિસ્તાનની જનતા તેને નફરત કરે છે.  ઇમરાન ખાનની તુલના નિયાઝી સાથે કરવાનો અર્થ છે તેના પ્રત્યે પણ નિયાઝી જેવી ઘૃણા સેવવી. મામલાની ગંભીરતા સમજીને ઇમરાને પોતાના નામ પાછળથી નિયાઝી હટાવી દીધું છે.

હમણા સોશિયલ મીડિયામાં એક ફોટો જબરદસ્ત વાઇરલ બન્યો છે. રાત્રીનો સમય છે. મોટી-મોટી લાઇટો લાગેલી છે અને લાખો લોકો સડક પર ઊતરી આવ્યા છે. આંદોલનકારીઓ ગીત ગાઈ રહ્યા છે. સંગીત વાગી રહ્યું છે. નવાઝથી લઈને ફઝી ઉર રહેમાન સુધીના નતાઓના ભાષણ યોજાઈ રહ્યા છે. નવાઝ લંડનથી વીડિયો કોન્ફરન્સિંગ થકી હાજરી આપી રહ્યા છે. નારેબાજી થઈ રહી છે. યે જો દહેશતગર્દી હૈ, ઉસકે પીછે વર્દી હૈ. આ સૂત્રનો અર્થ આમ તો સમજાઈ ગયો હશે. તેનો અર્થવિસ્તાર પછી કરીશું પહેલા એ સમજવું જરૂરી છે કે આ આંદોલન શું છે.

ઇમરાન ખાને સેનાની મદદથી ચૂંટણીમાં ગોટાળા કરીને સરકાર બનાવી એ તો આખું ગામ જાણે છે. પાકિસ્તાનની જનતા પણ જાણે છે, પણ અત્યાર સુધી જનતાને એમ હતું કે લોકશાહીના ભોગે આપણો ઉદ્ધાર થતો હોય તો અગાઉની જેમ ચૂપ બેસી રહેવામાં શો વાંધો? તે બેઠી. 

પરિણામ શું આવ્યું? પાકિસ્તાને દેવાળું ફૂંકી દીધું, મોંઘવારી આભ આંબવા માંડી, સાઉદી અરેબિયા સાથે સંબંધો બગડયા, ઇસ્લામિક દેશોમાં તેનું વજન ઘટી ગયું. ગરીબી-બેરોજગારી ફાટીને ધુમાડે ગઈ. એક નહીં હજાર મોરચે ઇમરાન સરકાર નિષ્ફળ નીવડતા મોકો જોઈ વિરોધ પક્ષે જનતાના રોષને જોશમાં પલટી નાખ્યો.

બિલાવલ ભુટ્ટોના પીપીપી, નવાઝ શરીફની પીએમએલ-એન સહિત ૧૧ વિરોધપક્ષોએ ભેળા મળી પાકિસ્તાન ડેમેક્રેટિક મુવમેન્ટ શરૂ કરી છે. તેમની આ ચળવળનો ઉદ્દેશ પ્રત્યક્ષ-પરોક્ષ તમામ પ્રકારના લશ્કરી શાસનને ખતમ કરવાનો છે. આ આંદોલનને જનતાનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.

જેવા દૃશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે એ જોતા લાગે છે કે પાકિસ્તાનમાં ક્રાંતિનો પવન ફુંકાઈ રહ્યો છે. ત્યાં આવા ક્રાંતિના નિષ્ફળ પવનો ભૂતકાળમાં પણ ફુંકાઈ ચૂક્યા છે. તે ક્યારેય વાવાઝોડામાં તબદીલ થઈ શક્યા નથી. દર વખતે એક આશા ઊભી થાય છે અને પછી સમુદ્રમાં ૧૦૦ કિલોમીટર દૂરથી ફંટાઈ જતા વાવાઝોડાની જેમ ક્યાંક ગાયબ થઈ જાય છે.

પાકિસ્તાનના આંદોલનમાં અત્યારે બે પ્રકારના લોકો જોડાયેલા છે. જેમ કે બિલાવલ ભુટ્ટો, નવાઝ શરીફ, મરિયમ નવાઝ જેવા લિબરલ્સ. તો બીજી તરફ એવા લોકો પણ છે જે લિબરલ્સ નથી, પણ તેમને કોઈને કોઈ કારણસર વર્તમાન સરકાર મંજૂર નથી. ત્રીજા લોકો એવા છે જે લિબરલ્સ તો નથી, પરંતુ મોંઘવારી, ગરીબી, બેરોજીને કારણે સરકારથી ત્રસ્ત છે. એટલે આ આંદોલન કશું પરિણામ આપી શકશે કે પછી અણ્ણા હજારેના લોકપાલ આંદોલન જેવું થશે એ તો રામ જાણે.

આ આંદોલનની સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમાં ઇરમાન ખાનની સાથોસાથ પાકિસ્તાની સેનાને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઈ અને પાકિસ્તાન ઢેફાનું ઢેફું રહી ગયું એ તે હવે ત્યાંના ઘણા લોકોને સમજાઈ રહ્યું છે. ને એ બધું થયું છે પાકિસ્તાનની સેનાના કારણે. પાકિસ્તાનના સેના નાયકોએ ક્યારેય લોકતાંત્રિક નેતાઓને ટકવા જ દીધા નથી. જીવનના અંતિમ પડાવમાં પહોંચી ગયેલા નવાઝ શરીફ હવે કોઈ પણ પ્રકારના ડર વિના સેના વિરુદ્ધ સત્ય ઉચ્ચારી રહ્યા છે. 

બાંગ્લાદેશ જેવું બાંગ્લાદેશ આજે આર્થિક પ્રગતિના પંથે છે, ને પાકિસ્તાનની હાલત જુઓ. જ્યાં હતું ત્યાંનું ત્યાં. ત્રાસવાદ, કટ્ટરતાને કારણે ગરીબી અને ભૂખમરો કેડો મૂકવા તૈયાર નથી. કરાંચીની રેલીમાં છેક રાતે ૧૧ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નવાઝ શરીફનું ભાષણ શરૂ થયું.

આટલે મોડે સુધી લોકો તેને સાંભળવા માટે રાહ જોઈને ઊભા હતા અને જ્યાં સુધી ભાષણ પૂરું ન થયું ત્યાં સુધી કોઈ હલ્યું સુદ્ધા નહોતું. તેમના પ્રત્યેનું આ જનસમર્થન કદાચ ફરીથી તેમને સત્તામાં લાવી શકે. સંભવ છે કે તેઓ પોતે હવે ચૂંટણી ન લડે અને મરિયમ નવાઝને ઊભા રાખે. એક વાત ૧૦૦ ટકા પાકી છે. મરિયમ નવાઝ આવતીકાલના પાકિસ્તાનના વડા પ્રધાન છે.

પાકિસ્તાની સેનાની દેશ પર રાજ કરવાની બે પદ્ધતિ છે. ક્યારેક તે ડાયરેક્ટ બળવો કરી સેના નાયકને જ જ દેશનો વડો બનાવી દે છે તો ક્યારેક તે પપેટ વડા પ્રધાન પસંદ કરી તેના આધારે શાસન ચલાવે છે. ત્રણમાંથી બે વખત સેનાએ નવાઝ શરીફને ઇન્ડાયરેક્ટલી હટાવ્યા. પાક સૈન્ય અધિકારીઓ એવો પણ આરોપ મૂકી રહ્યા છે કે એક સમયે નવાઝ શરીફે પણ સત્તામાં આવવા સેના અને ગુપ્ત એજન્સીના અધિકારીઓની મદદ લીધેલી છે તેનું શું? તેમની આ વાત સાચી હોય તોય ખોટી એટલા માટે છે કેમ કે આ આંદોલન નવાઝ માટેનું નથી પાકિસ્તાનની લોકશાહી માટેનું છે.

ઇમરાન ખાન એવો આક્ષેપ મૂકી રહ્યા છે કે આ આંદોલન ભારત સ્પોન્સર્ડ છે. તેઓ નવાઝને મોદીના દોસ્ત ગણાવી પાક જનતામાં પોતે ગુમાવેલી વિશ્વસનીયતા પાછી હાંસલ કરવા હવાતિયા મારી રહ્યા છે. આ માટે તેમણે નારો આપ્યો છે, મોદી કા જો યાર હે, ગદ્દાર હે, ગદ્દાર હૈ. ભારત સરકારે આ આંદોલનથી સલામત અંતર જાળવી રાખ્યું છે. ઇમરાને આપેલો નારો પાકિસ્તાનના વિપક્ષે આપેલા નારાની પેરોડી છે. અસલ નારો છે, સેના કા જો યાર હૈ, ગદ્દાર હૈ, ગદ્દાર હૈ.

એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાનનું ન્યાયતંત્ર નવસશક્તિકરણ પામી રહ્યું છે. આના માટે એક શબ્દ પણ પ્રચલિત બનેલો જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિસ્ટની પંગતમાં આવતા ન્યાયાધીશો, વકીલો અને સિવિલ સોસાયટીના સભ્યો કટ્ટરપંથીઓ પર, સેના પર લગામ લગાવી રહ્યા હતા. નવાઝની જે રીતે હકાલપટ્ટી થઈ એ જોતા સાબિત થયું કે એ જ્યુડિશિયલ એક્ટિવિઝમનું બાળ મરણ થઈ ગયું છે. તે બહુ જ અલ્પકાલીક નીવડયું છે. ન્યાયાધીશો પર દબાણ કરીને તેમની પાસે નવાઝ શરીફ વિરુદ્ધ ચૂકાદો લખાવવામાં આવ્યો.

આ આંદોલનની પરિણતી શું હશે તે હવે ચીનના હાથમાં છે. ચીનમાં પાકિસ્તાનના કોમર્શિયલ અને રાજકીય હિતો વધી ગયા છે. આથી હવે તેનું ભાગ્ય સેના તો પછી નક્કી કરશે પહેલા ચીન નક્કી કરશે. ને ચીન લોકશાહીનું હિમાયતી ન હોવાથી પાકિસ્તાનની લોકશાહી તરફી ચળવળને ક્યારેય સપોર્ટ નહીં કરે. ઇવન તેને સફળ પણ નહીં થવા દે. આંતરરાષ્ટ્રીય રાજનીતિના કેટલાક જાણકારો કહે છે કે ચીનના ઈશારે જ આ આંદોલન ચાલી રહ્યું છે. કારણ એકથી વધારે છે.

ઇમરાન ખાન જેટલા સારા ક્રિકેટર હતા એટલા જ નબળા રાજકીય સુકાની પુરવાર થયા છે. સાઉદી અરેબિયા તથા બીજા ઇસ્લામિક દેશોના ચીન સાથેના સંબંધોમાં પાકિસ્તાન કડી રૂપ હતું. સાઉદી અરેબિયાએ તેનું હળાહળ અપમાન કર્યું, આપેલી સહાય પાછી માગી લીધી ને ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન કો-ઓપરેશનમાંથી પણ તે નીકળી ગયું. ઇમરાન આઇએમએફ પાસેથી પૂરતું ભંડોળ લાવી શક્યા નહીં. તેમના નેતૃત્વ હેઠળ કૂટનીતિમાં પાકિસ્તાન ઘણું કાચું પડયું. આ બધું ઇમરાન ખાનના કાળમાં બન્યું, જે ચીનને માફક આવ્યું નથી. આથી ચીને ઇમરાનને હટાવવા માટેની પ્રોસેસ આદરી છે.

અમેરિકામાં ઇમરાનનું કેટલું અપમાન થયું હતું? તેમને ટ્રેનમાં મુસાફરી કરવી પડેલી.  ઇમરાનનું આવું અપમાન પાકિસ્તાનની બેહાલીના કારણે થયું છે. પાકિસ્તાનના ખસ્તાહાલ ભ્રષ્ટ સૈન્ય અધિકારીઓને કારણે છે. તેમણે લોકશાહીને ખતમ કરી અને ત્રાસવાદીઓને પોષ્યા. આજે ત્રાસવાદ નામનું ભૂત બાટલીમાં ઊતરવા તૈયાર નથી. ને સમૃદ્ધિ પાકિસ્તાનમાં પગ મૂકવા રાજી નથી.

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ અને ઝનૂનીઓની વસ્તી વધારે હોવાથી હવામાન લોકશાહી માટે બિલકુલ પ્રતિકૂળ છે. છોડ જરા તરા મોટો થાય કે કોઈ તેને કાપી નાખે છે, ઝાડમાં ફેરવાય એ પહેલા છોડને બકરી ચરી જાય છે. હાલ થઈ રહેલું આંદોલન લોકશાહીના નવા બીજ રોપવાનો પ્રયાસ છેકે કેવળ સત્તા પ્રાપ્તિનો? આ વખતે પણ તેના છોડને કોઈ ઉખેડી નહીં નાખે એની કોઈ ગેરેન્ટી નથી.

પાકિસ્તાનનું જાહેર આરોગ્ય એટલું નબળું છે કે લોકશાહી વારંવાર જન્મ તો લે છે, પણ પાંચ વર્ષની થાય એ પહેલા જ મૃત્યુ પામે છે. સેંકડો વર્ષના ઈતિહાસનું એક પુસ્તક કલાકોમાં વંચાઈ જાય છે, પણ એ ઈતિહાસ રચાવાની પ્રોસેસ કેટલી લાંબી હોય છે! ૧૮મી સદીમાં શરૂ થયેલી ફ્રન્ચ ક્રાંતિ ઠેઠ ૨૦મી સદીમાં જઈને લોકશાહી પામી. પાકિસ્તાનમાં હાલ ચાલી રહેલું આંદોલન કોઈ ક્રાંતિ નહીં તો તેની પ્રોસેસ જરૂર હોઈ શકે છે. આપણા પાડોશમાં લોકશાહી આવે અને ત્યાં શાંતિ સ્થપાય તો સીધો ફાયદો આપણને છે.  

પોતાને ત્યાં થઈ રહેલા વિરોધમાંથી કંઈક સબક લેવાને બદલે પાકિસ્તાની સેના ચીનના ઈશારે ભારતીય સીમામાં સતત ગોળીબાર કરી રહી છે. પાકિસ્તાનના શાંતિ પ્રેમીઓ અને આપણો દુશ્મન એક જ છે. પાકિસ્તાનના લાલચું સૈન્ય અધિકારીઓ.

આજની નવી જોક

લીલી (છગનને ભરબપોરે): ચાલો ડિનર લેવા.

છગનઃ ડિનર એટલે રાતનું ભોજન. બપોરના ભોજનને લંચ કહેવાય.

લીલીઃ આ રાતનું જ છે.

છગનઃ હેં!?

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો