ચાર્લીના બન્ને હાથની આંગળીઓ ઠરીને ઠીકરું થઈ ગઈ
- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-30
- ચાર્લીની હાથની આંગળીઓ જડ જેવી થઈ જવાથી વળતી પણ નહોતી
- નોમ ટાઉનમાં માત્ર 30 દર્દીઓને ચાલે એટલી જ દવાનો જથ્થો બાકી રહ્યો હતો

સ્લેજગાડીની રિલેરેસમાં સૌથી વધારે અંતરની સફર સેપ્પાલાએ ખેડી હતી, એટલું જ નહીં સેપ્પાલાની આ સફરના મહત્વના ત્રણ મુદ્દા એ છે કે સેપ્પાલાએ (૧) એક તો બહુ જ ઓછા સમયમાં (૨) બીજુ કે અત્યંત ઝડપી ગતિએ અને ત્રીજો (૩) સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અત્યંત ઝંઝાવાતી પવન તેમજ ભારે હિમવર્ષા વચ્ચે આટલા લાંબા અંતરની સફર ખેડી હતી. અલાસ્કાનો નોર્ટન સાઉન્ડ વિસ્તાર એવો છે કે જ્યાં ભયંકર ઠંડીમાં ઉપલી સપાટી પર જામી ગયેલા બરફના થર નીચે બેરિંગ્સ સમુદ્રના પાણી વહેતા હોય છે. સમુદ્ર પર જામેલા આ બરફાળ વિસ્તારમાંથી સેપ્પાલા સ્લેજગાડી હંકારીને એટલા માટે ગયો કે એ રસ્તો ટૂંકો હોવાથી પુરા એક દિવસની બચત થતી હતી. કહેવાનું તાત્પર્ય એ કે સેપ્પાલા દરિયા કાંઠા પરના રસ્તેથી ગયો હોત તો એના નિર્ધારિત સ્થાને તે એક દિવસ મોડો પહોંચત કારણ એ રસ્તો લાંબો હતો. પરંતુ નોમમાં જીવલેણ મહામારીનું સંક્રમણ વધી રહ્યું હોવાથી દવાની તાતી જરૂર હતી. એટલે સેપ્પાલાએ જોખમ વહોરીને પણ નોર્ટન સાઉન્ડવાળો રૂટ પસંદ કર્યો હતો. એ રૂટ પર ક્યારેક બરફ વચ્ચે મોટી તિરાડ પડવાના કિસ્સા બનતા રહે છે, અને જો આવું થાય તો બરફના ગાબડામાં સ્લેજગાડી ગબડે અને બરફના થરની નીચે વહેતા દરિયામા ખાબકી પડે, તો ડોગ્સ સાથે સેપ્પાલા પણ જીવતે જીવ જળસમાધિ લેવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ટાળી ન શકત.પરંતુ સૌના સદ્નશીબે સેપ્પાલાએ નોર્ટન સાઉન્ડવાળો અતિ જોખમી રસ્તો હેમખેમ પસાર કરીનાંખ્યો.
સેપ્પાલાએ રવિવારે બપોરે લગભગ ત્રણ વાગ્યાના સુમારે ચાર્લિ ઓલ્સનને દવાનું પાર્સલ સુપ્રતકર્યૂ અને પોતાની જવાબદારી સમયસર પરિપૂર્ણ કરી. ગોલોવિનથી નોમ ટાઉન ૭૮ માઇલની દૂરી પર હતું. નેનાના ટાઉનના રેલ્વે સ્ટેશનેથી શરૂ થયેલી સ્લેજગાડીની રિલે રેસ પુરી થવામાંહવે માત્ર ૭૮ માઇલની સફર બાકી રહી હતી.
રવિવારના એ દિવસે નોમ ટાઉનમાં જોશભેર ફુંકાતા પવનના સુસવાટા વધી રહ્યા હતા. રવિવાર હોવા છતાં નોમ નગરના રસ્તા સાવ જ સૂમસામ હતા, સન્ડેની પ્રેયર માટે એક પણ નગરવાસી તે દિવસે ચર્ચમાં જતો દેખાતો નહોતો. નોમના બાળકો રવિવારે રજાના દિવસે સામાન્ય રીતે ટાઉન નજીકની 'સ્નેક' નામની નદીમાં સ્કેટિંગ માટે જતા હોય છે. શિયાળાની ભયંકર ઠંડી ઋતુમાં સ્નેક નદીનું પાણી થીજીને બરફ થઇ જતું હોવાથી નગરના છોકરાઓ નદીના એ બરફ પર સ્કેટિંગ કરવા માટે ટોળાબંધ નીકળી પડે છે. પણ મહામારીમાં સંક્રમણના ભયાનક ડરના કારણે ટાઉનનો એકેય છોકરો સ્કેટિંગ પહેરીને નદી તરફ જતો દેખાતો નહોતો. શિયાળામાં ઘરમાંથી રસ્તા પર નીકળીને છોકરાઓ એકબીજા પર બરફના ગોળા બનાવીને ફેંકવાની રમત રમતા હોય છે. પણ આ રવિવારે તો બરફ ગોળાની ફેંકાફેંક કરતું પણ કોઇ બાળક નહોતુ દેખાતું.
નાનકડા નોમ ટાઉનમાં ડિપ્થેરિઆના વધુ ૨૮ કેસ નોંધાયા હતા. ડો. વેલ્ચની ગણત્રી મુજબ તેમની પાસે હવે વધુમાં વધુ ૩૦ દર્દીઓની સારવાર કરી શકાય ે તેટલો જ એન્ટિટોક્સિનનો જથ્થો હતો. સંક્રમણ વધવાથી દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થઇ જાય તો તેમની સારવાર કરવા માટે ડો. વેલ્ચ પાસે દવાનો જથ્થો બાકી રહે તેમ નહોતો. ડો. વેલ્ચે યુનાઇટેડ પ્રેસના સ્થાનિક રિપોર્ટર રોબર્ટ મેકડોવેલને આ માહિતી આપી ત્યારે ખુદ રિપોર્ટર રોબર્ટને જ ખબર નહોતી કે એકાદ-બે દિવસમાં જ તે પોતે, તેની પત્ની અને તેમની નાનકડી દીકરી, એમ ત્રણેય જણ ડિપ્થેરિઆના સંક્રમણમાં સપડાવાના હતા.
નોમ આસપાસના વિસ્તારમાં હવામાનની પ્રતિકૂળતા ઝડપથી વધી રહી હતી. હિમ ઝંઝાવાત વચ્ચે હિમ વર્ષાનું જોર પણ વધી રહ્યુ હતું. દવાનું પાર્સલ લઇને આવતી સ્લેજગાડીનો એકાદ ડ્રાયવર પણ આ ભારે હિમ ઝંઝાવાતમાં ફસાઇ ગયો તો તેની સાથેનો દવાનો જથ્થો ભયંકર ઠંડીમાં ઠરીને નકામો બની જાય. દવાનો આ જથ્થો નોમ સુધી ના પહોંચે તો પછી નોમ ટાઉનમાં ડિપ્થેરિઆની મહામારીના સંક્રમણને રોકવાનો કોઇ ઇલાજ જ ના હોવાથી નોમના નગરજનો રામભરોસે મુકાઈ જાય.
સેપ્પાલાએ રવિવારે બપોરે ત્રણના સુમારે ચાર્લિ ઓલ્સનને દવાનું પાર્સલ સુપ્રત કર્યૂં. આ પાર્સલ ચાર્લિ ઓલ્સને બ્લફ નામના ખોબલા જેવડા ગામ સુધી લઈ જવાનું હતુ. ગામની વસ્તી માંડ ૪૦ થી ૫૦ માણસોની હતી. અહીં ગુન્તાર કાસેન નામનો સ્લેજનો ડ્રાયવર ચાર્લિ પાસેથી દવાનું પાર્સલ લેવા માટે રેસ્ટ હાઉસમાં આવીને બેઠો હતો. આમ તો ચાર્લિના અહીં આવી પહોંચવાના સંભવિત ટાઈમથી તે ૧૬ કલાક વહેલો આવી ગયો હતો.
બ્લફ ગામના નાનકડા રેસ્ટ હાઉસની રૂમમાં સ્ટવ સળગાવી તેની નજીક બેસી ગુન્તાર કાસેન ગરમાવો મેળવી રહ્યો હતો. થોડી થોડી વારે તે ઊભો થઈ રૂમનું બંધ બારણું જરા ખોલીને ચાર્લિની સ્લેજ ગાડી આવી કે નહીં, તે જોતો હતો. બહાર ભયંકર ઠંડો પવન ફુંકાતો હતો. ચાર્લિ ઓલ્સન ચોક્કસ ક્યા ટાઈમે આવશે તેની કોઈ નિશ્ચિત માહિતી ગુન્તાર કાસેન પાસે નહોતી. વળી તેની સફર બરાબર ચાલી રહી છે કે રસ્તામાં હિમ ઝાંઝાવત વચ્ચે તે ક્યાંક મુશ્કેલીમાં તો નથી મુકાઈ ગયોને, તે વિશે પણ કશી જાણ ગુન્તાર કાસેનને નહોતી, કારણ એ જમાનામાં મોબાઈલ ફોન તો હતા જ નહીં, અને ટેલિફોન- લાઈનના પણ ખાસ ઠેકાણા નહોતા.
એટલે ગુન્તાર કાસેને તો ગમે તે ઘડીએ ચાર્લિ આવી પહોંચે તો તેની પાસેથી દવાનું પાર્સલ લઈને તુરત ત્યાંથી આગળ જવા માટે રવાના થવા તૈયાર રહેવાનું હતુ.
ગુન્તાર કાસેનની સ્લેજગાડીમાં એક લીડ ડોગ સહિત કુલ ૧૩ ડોગ્સ જોડેલા હતા. કાસેનની સ્લેજ ગાડીના લીડ ડોગનું નામ બાલ્ટો હતુ. તેના આ લીડ ડોગનું નામ બાલ્ટો પણ સેપ્પાલાએ જ પાડયું હતુ. બાલ્ટોને જો કે સ્લેજ ગાડી હંકારવાનો ઝાઝો અનુભવ નહોતો. સેપ્પાલા આ બાલ્ટો ડોગને પહેલી કક્ષાનો ડોગ નહોતો ગણતો.
જો કે કાસેનના મતે તેનો આ બાલ્ટો ડોગ ઊંચી કક્ષાનો હતો અને સ્લેજગાડીના લીડ ડોગ તરીકે તે ખૂબ ચપળ અને તાકાતવાન હતો.
સાંજે લગભગ સાતેક વાગ્યાના સુમારે સ્લેજગાડી આવી રહી હોવાનો અવાજ સંભળાતા કાસેને રેસ્ટહાઉસની રૂમનું બારણું ખોલ્યું. બહાર નજર કરી તો એ ચાર્લિ ઓલ્સનની જ સ્લેજ ગાડી હતી. ભયંકર હિમ વર્ષા વચ્ચે સ્લેજ ગાડી હંકારીને આવી પહોંચેલા ચાર્લિ ઓલ્સનને શરીરના વિવિધ ભાગ પર હિમ ડંખના કારણે કાળા ચકામા પડી ગયા હતા. અને હાડ ગાળી નાંખતી ઠંડીમાં કલાકો સુધી તેણે સ્લેજગાડી હંકારી હોવાથી તેના હાથ જાણે જુઠ્ઠા પડી ગયા હતા.
સ્લેજ ગાડીમાં મુકેલું દવાનું પાર્સલ પણ તે માંડ માંડ કાસેનના હાથમાં આપી શક્યો. કાસેન, બંને હાથે ટેકો આપી, ઓલ્સનને ગાડીમાંથી નીચે ઊતારી રેસ્ટહાઉસમાં લઈ ગયો અને રૂમમાં તેને સ્ટવની નજીક બેસાડી દીધો, જેથી સ્ટવની ગરમીથી તેના શરીરમાં ગરમાવો આવે.
ગોલોવિનથી દવાનું પાર્સલ લઇને નીકળેલા ઓલ્સનને બ્લફ ગામ સુધીના ૨૫ માઇલનું અંતર કાપતા સાડા ચાર કલાકનો સમય લાગ્યો હતો. રસ્તામાં માઇનસ ૭૦ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે ફુંકાતા રહેલા અત્યંત ઠંડા પવનને કારણે તે પુરેપુરો નંખાઇ ગયો હતો. બંન્ને હાથે હેન્ડગ્લોવ્સ પહેર્યા હોવા છતાં તેના હાથની આંગળીઓ ઠરીને ઠીકરૂં થઇ ગઇ હતી. જડ જેવી થઇ ગયેલી તેની આંગળીઓ વળતી પણ નહોતી.
Comments
Post a Comment