લઘુ ઉદ્યોગોનું ગુરુસંકટ

કેન્દ્ર સરકારે સાવ નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન આપવાના બદલે માત્ર રાષ્ટ્રિયકૃત એટલે કે પોતાની જ બેન્કોને સદ્ધર કરવા માટેના પગલા લીધા. એનાથી લોકડાઉન પછીની સાર્વજનિક મંદીના પ્રવાહોમાં બહુ ફેર પડવાની શક્યતા નથી. અત્યારે લઘુ ઉદ્યોગોને લોન આપવાના ધોરણો બહુ જ આકરા છે. કોઈ પણ બેન્ક શાખાનું સરવૈયું જોવામાં આવે તો એણે લઘુ ઉદ્યોગોને આપેલી લોનનો સરવાળો બહુ નાનો હોય છે. લઘુ ઉદ્યોગોને વકગ કેપિટલની પણ વારંવાર જરૂર પડે છે.
બેંકોએ નોટબંધી પછી લઘુઉદ્યોગોને ઓવરડ્રાફ્ટ આપવાના નિયમોમાં પણ ધરખમ ફેરફારો કર્યા છે જેનો ખરો ગેરફાયદો કોરોના પછીના આ સમયમાં ઉદ્યોગો ભોગવી રહ્યા છે. સીતારામને છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે અને હમણાં એમણે બે તબક્કામાં જાહેર કરેલા અર્થતંત્ર માટેના સુધારાત્મક પગલાઓમાં પણ લઘુઉદ્યોગોનું કોઈ નામનિશાન ન હોવાથી એક વાત નક્કી છે કે દિવાળી પછી દેશભરના લઘુઉદ્યોગોમાં મંદીનું મોટું મોજું ફરી વળશે.
કડવું સત્ય એ છે કે એને કારણે છેલ્લા ત્રણ વરસથી એક પછી એક બંધ થતા આવતા ઉદ્યોગોની ઝડપ વધશે. આપણે ત્યાં મહેસાણાથી વાપી સુધીના, એક જમાનામાં ગોલ્ડન કોરીડોર કહેવાતા, પટ્ટામાં અનેક ઉદ્યોગો અત્યારે ડાબે પડખે જંપી ગયેલા છે. એ જ રીતે જામનગરમાં બ્રાસપાર્ટનો ઉદ્યોગ પચાસ ટકા ઉત્પાદને આવી ગયો છે. એક સમયે રાજકોટમાં લોખંડ અને એન્જિનિયરિંગના નાના મોટા તેર હજાર યુનિટ હતા. આજે એમાંથી મોટાભાગના બંધ પડયા છે અને જે ચાલે છે તેમાં પચાસ ટકા ઉત્પાદનકાપ છે. સુરતમાં હીરાની ઘંટીઓની હાલત પણ ચમક ગુમાવી ચૂકી છે.
સુરતમાં કાપડ ઉદ્યોગના નાના મોટા અનેક યુનિટો નોટબંધી સાથે જ બંધ પડવા લાગ્યા હતા અને લોકડાઉન પછી હવે એમાંના મોટાભાગના યુનિટ વેચાઉ છે. જીએસટી આવ્યા પછી એમાં કોરોનાના આગમન અગાઉ જ લોકડાઉન જેવી હાલત થઈ ગઈ હતી. અનેકવાર કેન્દ્ર સરકારે કાપડ મંત્રાલય દ્વારા સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને બેઠો કરવા માટેની વાત કરી હતી અને સહાયકારી પેકેજ આપવાની પણ એમાં વાત હતી પરંતુ એવું કંઈ થયું નથી.
કોઈ રહસ્યમય કારણથી કેન્દ્ર સરકાર ગુજરાતના વિવિધ ઔદ્યોગિક શહેરો અને તેના પ્રાણતત્ત્વ સમાન ઉદ્યોગોના ધમધમાટને અટકાવવામાં સફળ નીવડી છે. કોરોના તો એક બહાના તરીકે કેન્દ્રને આકસ્મિક આવી મળેલી ભેટ છે. એમ માનવામાં આવતું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો બૃહદ અનુભવ સાથે લઈને જનારા રાજનેતા, વડાપ્રધાન પદને શોભાવશે ત્યારે સહેજેય તેમની નજર પોતાના વતનની સમસ્યાઓ તરફ જશે, પરંતુ એમ થયું નથી. ગુજરાતના ઉદ્યોગજગતમાં સમસ્યાઓ વધી છે.
વળી હવે તો સરકારને એ જાણવામાં પણ રસ નથી કે ખરેખર ઉદ્યોગજગતની સમસ્યાઓ શું છે. પરંતુ દિવાળી પછી વાસ્તવિકતાઓ પગમાં જકડાયેલી બેડીની જેમ વાણિજ્ય ક્ષેત્ર અને પ્રજાજીવન બંનેને અસર કરશે. દિવાળી પછી જ્યારે ખરીફ પાકનો માલ બજારમાં આવતો હશે ત્યારે કૃષિજગતમાં કંઈક લીલી વાડી દેખાશે પરંતુ દિવાળી પછી પોતાના યુનિટને ટકાવવું અને ઉત્પાદન ચાલુ રાખવું એ અડધા ઉપરાંતના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો માટે મુશ્કેલ હશે.
પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે જે વાત કરી એમાં એક વાત એ પણ છે કે ડિમાન્ડ સતત ઘટતી જાય છે. છેલ્લા દોઢ દાયકામાં ભારતીય બજારમાં આવી ડિમાન્ડ-ઘટ જોવા મળી નથી. એનું કારણ બેરોજગારી અને વ્યાપારિક મંદી છે. પરંતુ આ સરકાર પાસે ડિમાન્ડ વધારી શકાય અને ઉત્પાદનના સ્થગિત થયેલા ચક્રોને પુન: કાર્યરત કરી શકાય તેવી કોઈ સમજણ નથી. મનમોહન સિંહે સ્પષ્ટ કહ્યું છે કે વર્તમાન મંદી હાલના નજીકના ભવિષ્યમાં સરખી થાય અને ફરી તેજીનો ચડતી કળાનો ચંદ્ર દેખાય તેવી કોઈ શક્યતા નથી.
અર્થશાસ્ત્રમાં માત્ર શેરબજાર જ એક એવી જગ્યા છે કે જ્યાં સટ્ટાખોરો રાતોરાત ઉથલપાથલ કરી શકે છે. પરંતુ વાસ્તવિક અર્થતંત્રમાં રાતોરાત એવી કોઈ હલચલનો ચમત્કાર શક્ય નથી. મનમોહન સિંહનો કહેવાનો અર્થ એવો છે કે પરિસ્થિતિને સુધરતા હજુ વાર લાગશે. એટલે કે એ દિશામાં સરકારે સખત કામ કરવાની જરૂર છે.
હવે પછીનું દરેક વર્ષ, પૂર્વ વર્ષોની તુલનામાં સાવધાનીનું વરસ હશે. અત્યારે જ જેઓ ભવિષ્યનો વિચાર કર્યા વિના ખર્ચ અને રોકાણમાં ઉતાવળા નિર્ણયો લે છે તેમને માટે પસ્તાવાનું જોખમ વિશેષ છે. શેરબજારમાં તો હવેના દિવસોમાં સતત અફડાતફડી રહેવાની છે. સામાન્ય રોકાણકાર કે જે ટૂંકા ગાળા માટે બજારમાં આવે છે એને તો સમજાય જ નહીં એવા બજારના પ્રવાહો છે. કારણ કે અનેક કંપનીઓ ફન્ડામેન્ટલ રીતે ઉત્પાદનો ઘટાડીને બેઠી છે અને છતાં તેમના વિકાસના ચાર્ટ મેન્ટેઈન કરવા માટે તેમણે બજારમાં પોતાના દલાલોની એક રિંગ સક્રિય રાખી છે, જેથી તેમની કંપનીના ભાવો ચોક્કસ ઉંચાઈએ ટકી રહે.
Comments
Post a Comment